Money9: શેર બજારના સતત ઘટાડાથી નાના રોકાણકારો ભલે નિરાશ થયા હોય પરંતુ ઘણાં મોટા રોકાણકારો અને પ્રમોટર્સે પોતાનો હિસ્સો વેચીને મોટી રકમ એકત્રિત કરી લીધી છે. માર્ચ મહિનામાં બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચીને પ્રમોટર્સ અને મોટા રોકાણકારોએ 33,000 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી છે જે નવેમ્બર મહિના બાદ સૌથી વધુ છે.
હકીકતમાં યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો, અમેરિકા યૂરોપમાં બેંકિંગ સંકટ અને મંદીની આશંકાના પગલે સતત ચોથા મહિને શેર બજાર ઘટાડાની સાથે બંધ રહ્યું છે. જેના કારણે તમામ દિગ્ગજ કંપનીઓના ભાવ નીચે આવી ગયા છે જેના કારણે તમામ મોટા મોટા રોકાણકારોને શેરોની વેલ્યૂએશન આકર્ષક લાગી રહી છે અને બ્લોક ડીલના કારણે આ કંપનીઓમાં હિસ્સો ખરીદી રહ્યા છે.
જો કે માર્ચ મહિનામાં બ્લોક ડીલમાં થયેલા વધારાનું કારણ અદાણી સમૂહ દ્વારા પોતાની 4 કંપનીઓમાં જીક્યૂજી પાર્ટનર્સને કરવામાં આવેલું 15,446 કરોડ રૂપિયાના શેરનું વેચાણ ગણાવી શકાય. અદાણી સમૂહ ઉપરાંત જે મોટી બ્લોક ડીલ્સ થઇ છે તેમાં પ્રાઇવેટ ઇક્વિટી કંપની બ્લેકસ્ટોન દ્ધારા સોના BLW પ્રિસિઝન ફોર્જિંગમાં 20.5%ના હિસ્સાનું વેચાણ, સુમિટોમો વાયરિંગ સિસ્ટમ દ્વારા સમવર્ધના મધરસન ઇન્ટરનેશનલમાં 3.4%ના હિસ્સાનું વેચાણ અને TPG ગ્લોબલ દ્વારા કેમ્પસ એક્ટિવવિયરમાં 7.62%ના હિસ્સાનું વેચાણ સામેલ છે.
આ બ્લોક ડિલ્સમાં મ્યુચ્યુઅલ ફંડો અને વીમા કંપનીઓ જેવા ઘરેલુ સંસ્થાગત રોકાણકારોની સાથે સાથે ફિડેલિટી, સોસિયાતે જેનેરાલે અને કોપથોલ મોરિશિયસ જેવા FPI કેટલાક મોટા સોદામાં મુખ્ય ખરીદાર રહ્યા છે. બજારના જાણકારોના મતે આ બ્લોક ડીલ્સના વધારાના મુખ્ય કારણોમાં શેરોની કિંમતોમાં આવેલા ઘટાડાથી વેલ્યૂએશનનું આકર્ષક થવું, અને સાથે બ્લોક ડીલ્સમાં શેરનો ભાવ સામાન્ય રીતે બજાર કિંમત કરતાં સસ્તો હોવાનું પણ હોય છે સાથે જ મોટા રોકાણકારો IPO લાવનારી કંપનીઓ પર ભરોસો કરવાના બદલે પહેલેથી લિસ્ટેડ કંપનીઓમાં વધુ ભરોસો વ્યક્ત કરી રહ્યા છે. જેના કારણે 2023ના પહેલા ક્વાર્ટરમાં 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ફક્ત 1 ટકા જ IPO આવ્યા છે.
શેર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ હેડ રવિ સિંહનું માનવું છે કે મોટાભાગના શેરમાં બ્લોક ડીલ નીચલા સ્તરે જ થાય છે. સંસ્થાગત રોકાણકાર, મોટા ફંડ્સ અને HNIs બ્લોક ડીલનો ઉપયોગ મોટી સંખ્યામાં શેરોમાં ખરીદી માટે કરે છે. નાના રોકાણકારો માટે પણ આ પ્રકારની બ્લોક ડીલ ફાયદાકારક રહે છે કારણ કે તેનાથી તેમને શેરમાં લાંબા સમય સુધી ટકી રહેવાનો ભરોસો બેસે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો