Money9 Gujarati:
શેરબજારમાં ઉતાર-ચઢાવ અને ચૂંટણીના પરિણામોના પખવાડિયા અગાઉ 21 મે, મંગળવારના રોજ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. BSEનું માર્કેટ કેપ પ્રથમ વખત 5 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની વેબસાઈટ અનુસાર, એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ 21 મેના રોજ 5.01 ટ્રિલિયન ડૉલર (414.46 લાખ કરોડ રૂપિયા)ને વટાવીને નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડીમાં 633 અબજ ડોલરથી પણ વધુનો વધારો થયો છે.
નિષ્ણાતોના મતે બજારમાં ઉછાળા પાછળનું કારણ મોટા ભાગનાં બજાર સૂચકાંકોમાં ઉછાળો છે. 2024માં અત્યાર સુધીમાં બેન્ચમાર્ક સેન્સેક્સ માત્ર 2.3 ટકા વધ્યો છે, જ્યારે BSE મિડકેપમાં 16.3 ટકા અને સ્મોલકેપમાં 11.5 ટકાનો વધારો થયો છે. તાજેતરના મહિનાઓમાં ઇક્વિટીમાં વોલેટિલિટી હોવા છતાં આ ફાયદો થયો છે.
ડેટા અનુસાર, નવેમ્બર 2023માં BSEનું કુલ માર્કેટ કેપ 4 ટ્રિલિયન ડૉલર થયું હતું. રસપ્રદ વાત એ છે કે, 4 ટ્રિલિયન ડૉલરથી 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં માત્ર 6 મહિનાનો સમય લાગ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 2007માં 1 ટ્રિલિયન ડૉલરને પાર થઈ હતી. ત્યાંથી 2 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં એક દાયકાનો સમય લાગ્યો હતો અને જુલાઈ 2017માં આ આંકડો હાંસલ કર્યો હતો. 2021ના મે મહિનામાં માર્કેટ કેપ 3 ટ્રિલિયન ડોલરના સ્તરને વટાવી ગઈ હતી.
વિશ્વમાં માત્ર 4 સ્ટોક માર્કેટ્સ 5 ટ્રિલિયન ડૉલર કરતાં વધારે માર્કેટ કેપ ધરાવે છે. નંબર વન પર છે અમેરિકા. તેની માર્કેટ કેપ સૌથી વધારે 55.65 ટ્રિલિયન ડૉલર છે. બીજા ક્રમે 9.4 ટ્રિલિયન ડૉલર સાથે ચીનનું સ્ટોક માર્કેટ છે. 6.42 ટ્રિલિયન ડૉલર સાથે જાપાન ત્રીજા ક્રમે અને 5.47 ટ્રિલિયન ડૉલર સાથે હોંગ કોંગ ચોથા ક્રમે છે. હવે ભારત પણ આ લિસ્ટમાં સામેલ થયું છે. 2024માં ભારતનું શેરબજાર 12 ટકા જ્યારે અમેરિકાનું બજાર 10 ટકા અને હોંગ કોંગનું બજાર 16 ટકા વધ્યું છે. જાપાનનું બજાર માત્ર 3 ટકા વધ્યું છે જ્યારે ચીનનું શેરબજાર દોઢ ટકા ઘટ્યું છે.
બ્લૂમબર્ગના ડેટા અનુસાર, વર્ષ 2024માં અત્યાર સુધીમાં ભારતની માર્કેટ કેપિટલમાં લગભગ 12 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન અમેરિકન માર્કેટમાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, હોંગકોંગના બજારમાં 16 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ચીન અને જાપાનનું માર્કેટ કેપ સ્થિર રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો