Money9: હાલના મહિનાઓમાં ટેક્નોલોજી મ્યુચ્યુઅલ ફંડ્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. નેહા એક IT કંપનીમાં જોબ કરે છે. તેને સારી સેલેરી મળે છે. તે હજુ યુવા છે અને કોઇ જવાબદારી નથી, એટલે ઘણાં પૈસા બચી જાય છે. તે ભારતની આઇટી ક્રાંતિના વર્તમાન અને ભવિષ્યને લઇને બુલિશ પણ છે. આ જ કારણે તેણે ટેક્નોલોજી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સારુ એવું રોકાણ કર્યું હતું. આશા એ હતી કે તેને તેમાં સારુ રિટર્ન મળશે. છેલ્લા ઘણાં વર્ષોમાં તેને આમાં શાનદાર રિટર્ન પણ મળ્યું છે. પરંતુ છેલ્લા 3 થી 4 મહિનામાં આ ફંડ્સમાં આવેલા ઘટાડાએ તેની ઉંઘ ઉડાડી દીધી. અચાનક તેના ફંડમાં ઘટાડો આવવા લાગ્યો અને હવે તેને આમાં 20 ટકાથી વધુનું નુકસાન થઇ રહ્યું છે. તેને સમજાતું નથી કે શું કરવું. છેવટે પરેશાન થઇને તેણે એક ફાઇનાન્સિયલ એડવાઇઝર રોહિત શર્માની સલાહ લીધી. રોહિતે તેને આખો મુદ્દો સમજાવ્યો.
ટેક્નોલોજી મ્યુચ્યુઅલ ફંડ્સ ઇક્વિટી ફંડ્સની કેટેગરીમાં આવે છે અને હાલના મહિનાઓમાં તેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. વેલ્યૂ રિસર્ચના ડેટા અનુસાર, છેલ્લા 3 મહિનામાં તેણે 20 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. ઇક્વિટી ટેક્નોલોજી મ્યુચ્યુઅલ ફંડ્સ અને S&P BSE IT ટોટલ રિટર્ન બન્નેની આ જ હાલત છે. હવે સમજીએ કે શું ટેક્નોલોજી ફંડ તમારા માટે કે નેહા જેવા રોકાણકારો માટે યોગ્ય છે?
ટેક્નોલોજી ફંડ શું કરે છે?
કોઇપણ સેક્ટોરલ ફંડમાં પૂરા પૈસા એક સેક્ટરમાં લગાવી દેવામાં આવે છે. આ કારણથી તેમાં બેન્ચમાર્કના મુકાબલે ઉંચુ રિટર્ન મળવાની શક્યતા હોય છે. જો કે, બજારમાં ઘટાડા પર તેમાં વધારે નુકસાન પણ થઇ શકે છે. એટલે કે જોખમ ઉઠાવવાની તાકાત હોય તો જ તેમાં પૈસા લગાવવા જોઇએ. એ સમજવું જરૂરી છે કે આ ફંડમાં પૈસા ક્યારે લગાવવા જોઇએ. ટેક્નોલૉજી ફંડ સામાન્ય રીતે ટેક્નોલોજી કંપનીઓના શેરમાં પૈસા લગાવે છે. આ એવી વિકસિત થઇ રહેલી ટેક્નોલૉજીમાં રોકાણ કરે છે જે પોતાના ઇનોવેશનની સાથે ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવાની ક્ષમતા રાખે છે.
ICICI પ્રૂડેંશિયલ ટેક્નોલૉજી, SBI IT અને ફ્રેંકલિન ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ કેટલાક આવા જ ફંડ છે. તેમના પોર્ટફોલિયોમાં ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા અને માઇન્ડ-ટ્રી જેવી કંપનીઓ સામેલ છે. આ ફંડ્સની મોટાભાગની કંપનીઓ ઇનોવેટિવ ટેક્નોલોજીકલ ઇનોવેશનથી જટીલ કારોબારી પડકારો પર ફોકસ કરે છે. ઉદાહરણ તરીકે આ કંપનીઓ IT, digital transformation (ડિજિટલ ટ્રાન્સફોર્મેશન), data analytics (ડેટા એનાલિટિક્સ), artificial intelligence (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને machine learning (મશીન લર્નિગ) જેવી નવી ટેક્નોલોજી પર ફોકસ કરે છે. સેક્ટોરલ ફંડ્સમાં જોખમ વધારે હોય છે.
સેક્ટોરલ ફંડ વાસ્તવમાં મ્યુચ્યુઅલ ફંડ્સની સૌથી જોખમવાળી કેટેગરીમાં આવે છે. આનું કારણ એ છે કે આ ફંડ પૂરા પૈસા એક જ સેક્ટરમાં લગાવી દે છે. તેમાં વિવિધતા નથી હોતી અને આ જ જોખમનું મહત્વનું કારણ છે. જ્યારે પણ સેક્ટરમાં ઘટાડો આવે છે તો પૂરા પોર્ટફોલિયોના શેર તૂટી જાય છે અને આ નુકસાનથી બચવાની કોઇ રીત નથી હોતી. એટલે આવા ફંડ માત્ર અનુભવી અને બજારની રગેરગથી વાકેફ રોકાણકારો માટે યોગ્ય હોય છે.
રોકાણકાર શું કરે?
હવે સવાલ એ થાય કે આ પ્રકારના ફંડમાં રોકાણ કરી ચુકેલા નેહા જેવા ઇન્વેસ્ટર શું કરે અને જો કોઇ તેમાં પૈસા લગાવવા માંગે છે તો તે શું કરે?
બજાર ભવિષ્યમાં કઇ બાજુ જશે તેનો અંદાજો કોઇ નથી લગાવી શકતું. હાલમાં શેરબજારમાં ઘણાં ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. જેનાથી રોકાણકારોની ચિંતા વધી છે. જાણકારોનું માનવું છે કે ટેક્નોલૉજી ફંડ્સના રિટર્નમાં આ કારણે ઘટાડો આવી રહ્યો છે, કારણ કે તે હવે કરેક્શનના તબક્કામાં છે. છેલ્લા છ મહિનામાં તેમના રિટર્નમાં પણ ઘણી તેજી આવી હતી.
એસોસિએશન ઓફ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ એટલે કે ARIAના બોર્ડ મેમ્બર વિશાલ ધવને કહ્યું કે ટેક્નોલોજી મ્યુચ્યુઅલ ફંડ સેક્ટોરલ ફંડ હોય છે, એટલે ફક્ત એવા આક્રમક રોકાણકારો જે સેક્ટર ફંડના ભારે ઉતાર-ચડાવથી વાકેફ હોય તેજ આમાં રોકાણ કરી શકે છે. ટેક્નોલોજી ફંડમાં પહેલા ઘણી તેજીથી વધારો થયો અને હવે તેમાં ઘટાડાનો સમય છે. તો ફક્ત ઘટાડો થયો એટલા માટે જ તેમાંથી બહાર ન નીકળી જવું જોઇએ. સેક્ટોરલ ફંડ્સના ઉતાર-ચડાવથી સહજ હોય તેવા લોંગ ટર્મના રોકાણકારોને તેમાં ફાયદો થઇ શકે છે.
આટલું કરો
તો કુલ મળીને જો તમે ટેક્નોલોજી ફંડ્સમાં રોકાણ કરવા માંગો છો તો તમારે એ વાતનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરવું પડશે કે છેલ્લા 3 વર્ષમાં આ ફંડ્સે કેવા પ્રકારનું રિટર્ન આપ્યું છે. સાથે જ તમારે ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી અને તેના સંભવિત બજાર અંગે સારો અભ્યાસ કરવો પડશે. આ ફંડ મોટાભાગે શેરોની ખરીદી જ કરે છે. એટલે શૉર્ટ-ટર્મમાં તેમાં ઉતાર-ચડાવ રહી શકે છે. પરંતુ જો તમે આને લોંગ ટર્મ માટે જાળવી રાખો છો તો જોખમ ઘણું ઘટી જાય છે. એટલે રોકાણ કરતાં પહેલાં પૂરુ રિસર્ચ જરૂર કરી લો. આ ઉપરાંત કોઇ ફાઇનાન્સિયર એડવાઇઝરની સલાહ લેવાનું ભુલતા નહીં.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો