Money9: FD કે મ્યુચ્યુઅલ ફંડ, તમે ક્યાં રોકાણ કરવા માંગશો? જો ઇક્વિટી બજારની સમજ છે તો MF પસંદ કરશો અને સુરક્ષિત રોકાણના ચાહક છો તો બેંક FD તમારી પહેલી પસંદ હશે. મ્યુચ્યુઅલ ફંડમાં વધતા રોકાણ અને સારા રિટર્નના બધા આંકડા બેંક FDમાં રોકાણ કરનારા સામે પાણી ભરી રહ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ્સમાં કુલ રોકાણ એટલે કે તેનું એસેટ અંડર મેનેજમેન્ટ શાનદાર ઝડપે વધ્યું છે. પરંતુ હજુ પણ બેંકો પાસે તેમના કરતાં લગભગ 5 ગણી વધુ થાપણો છે. બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઝડપી વૃદ્ધિ છતાં ડેટ ફંડની એયુએમ સતત ઘટી રહી છે.
એક અહેવાલ મુજબ, જૂન 2023 ક્વાર્ટરના અંત સુધીમાં, બેંકોમાં કુલ થાપણો વધીને રૂ. 191.6 લાખ કરોડ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન તેમાં લગભગ 6.2 ટકાનો વધારો થયો છે. તેમાંથી, ફિક્સ ડિપોઝિટ એટલે કે FD નો હિસ્સો લગભગ રૂ. 167.11 લાખ કરોડ છે અને તેમાં 5.3 ટકાનો વધારો થયો છે.
બીજી તરફ, જો આપણે મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વાત કરીએ, તો તેના AUMમાં એક વર્ષ અગાઉની સરખામણીએ લગભગ 25 ટકાનો વધારો થયો છે. જૂન ક્વાર્ટર દરમિયાન મ્યુચ્યુઅલ ફંડની કુલ AUM વધીને રૂ. 44.39 લાખ કરોડ થઈ હતી.
જૂન ક્વાર્ટરમાં બેંકોની કુલ થાપણોમાં રૂ. 11.2 લાખ કરોડનો વધારો થયો છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડની AUM માત્ર રૂ. 5 લાખ કરોડ વધી છે. તેને આ રીતે સમજો, જૂન ક્વાર્ટરમાં બેંકોમાં જમા દરેક 225 રૂપિયાની સામે મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર 100 રૂપિયા જમા થયા. એટલે કે, મ્યુચ્યુઅલ ફંડ્સ ભલે ઉંચા કૂદકા લગાવી રહ્યું હોય પરંતુ એફડી અથવા બેંકોની કુલ થાપણોને પછાડવામાં તેને લાંબો સમય લાગશે.
બેંક એફડીની સરખામણી ડેટ મ્યુચ્યુઅલ ફંડ સાથે કરવામાં આવે છે પરંતુ છેલ્લા 3 વર્ષમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો પણ બેંક એફડી તરફ વળ્યા છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ બોન્ડ્સ અને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે, જેના કારણે તેમાં લાંબા ગાળામાં એફડી જેવું વળતર મળે છે.
કોરોનાના સમયે, લોકોએ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી મોટા પાયે ઉપાડ કરવાનું શરૂ કર્યું. બીજી તરફ ઉપાડની સરખામણીમાં રોકાણ ઘટ્યું. વર્ષ 2021માં, ડેટ ફંડમાંથી રૂ. 34,545 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. વર્ષ 2022માં ડેટ ફંડમાંથી રૂ. 2.3 લાખ કરોડનો ચોખ્ખો ઉપાડ થયો હતો. નાણાકીય વર્ષ 2023 માં એટલે કે 31 માર્ચ સુધી, ડેટ ફંડની એયુએમ વધુ 9 ટકા ઘટીને માત્ર 11 લાખ કરોડ રૂપિયા જ રહી ગઇ.
એક તરફ ડેટ ફંડ્સમાં રોકાણ ઘટી રહ્યું હતું તો બીજી તરફ ટેક્સ સંબંધિત ફેરફારોએ પડતા પર પાટુ મારવાનું કામ કર્યું. સરકારે 1 એપ્રિલ 2023 થી મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાં લાંબા ગાળાના કેપિટલ ગેઇન્સ પર ઇન્ડેક્સેશનનો લાભ નાબૂદ કર્યો છે. ઈન્ડેક્સેશન એટલે નફાની ગણતરી મોંઘવારીને એડજસ્ટ કર્યા બાદ કરવામાં આવે. જેના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો અને જૂના નિયમનો લાભ લેવા માટે લોકો અને સંસ્થાઓએ 31 માર્ચ સુધી ડેટ સ્કીમમાં રોકાણ કર્યું હતું.
માત્ર માર્ચના છેલ્લા સપ્તાહમાં જ ડેટ સ્કીમમાં લગભગ 31 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, ડેટ ફંડ્સની ચોખ્ખી AUM માર્ચમાં ઘટી જ છે અને તે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સતત ઘટી રહી છે.
એપ્રિલ પછી, ડેટ સ્કીમ્સમાં રોકાણ ઘટી ગયું હતું કારણ કે હવે તે કરવેરાના દૃષ્ટિકોણથી ફાયદાકારક નથી. ઇન્ડેક્સેશનના લાભના અંતનો અર્થ એ છે કે તે ટેક્સની બાબતમાં પણ FD જેવા બની ગયા છે.
હવે સવાલ એ ઉભો થાય કે બેંક FD કેમ બની પહેલી પસંદ? તો તમને જણાવી દઇએ કે બેંકની જમા રકમ પર વધતા વ્યાજ દરો અને શેરમાં મળી રહેલા સારા રિટર્નના કારણે ડેટ ફંડ જેવા સાધનોમાં રોકાણ કરવાથી લોકો દૂર જઇ રહ્યા છે. એફડી ઘણું સરળ રોકાણ હોય છે. જેમાં ઓછા ભણેલા લોકો પણ રોકાણ કરી શકે છે. બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડની સેંકડો સ્કીમ છે અને તે ઘણી જટીલ હોય છે. સામાન્ય લોકોને તે જલદી સમજમાં નથી આવતી.
સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર જિતેન્દ્ર સોલંકી કહે છે કે, ‘ બેંકની એફડી પર મળી રહેલા ઉંચા વ્યાજ દરો અને ટેક્સના ફાયદા ઘટવાથી ડેટ ફંડમાં રોકાણ ઘટી રહ્યું છે. રોકાણકારોને બેંકની એફડી સ્કીમ સહેલાઇથી સમજમાં આવે છે. એફડીમાં રિટર્નની ગેરંટી હોય છે જે મ્યુચ્યુઅલ ફંડમાં નથી હોતી.’
ડેટ મ્યુચ્યુઅલ ફંડની એસેટ ઘટવાનું કારણ એ પણ છે કે તેમાં કોર્પોરેટનું રોકાણ પણ ઘટી રહ્યું છે. ડિસેમ્બર 2022 સુધીના આંકડા પર નજર કરીએ તો મ્યુચ્યુઅલ ફંડની કુલ AUMમાં કોર્પોરેટ રોકાણનો હિસ્સો છેલ્લા 12 વર્ષમાં પહેલીવાર 40 ટકાથી નીચે આવી ગયો છે. તાજેતરમાં એવો રિપોર્ટ પણ આવ્યો કે લગભગ 1.08 લાખ કરોડ રૂપિયાની AUMના ડેટ ફંડ્સ દબાણ હેઠળ છે. આ કુલ ડેટ ફંડ AUMના લગભગ 10% છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો