MONEY9: આજે આપણે સમજીશું કે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે LTCG ટેક્સ શું હોય છે અને તે તમારા શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડના નફાને કેવી રીતે ઘટાડી દે છે. હકીકતમાં 2018ના બજેટમાં સ્ટૉક અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારો પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે LTCG ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. 2018 પહેલા ફક્ત 15%નો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જ લાગતો હતો.
જ્યારે કોઇ એસેટ, જેવી કે જમીન, મકાન કે શેરને વેચવામાં આવે ત્યારે તેના વેચાણ પર થતા નફા પર કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. તમામ લિસ્ટેડ ઇક્વિટી શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કે જેને 12 મહિના કરતાં વધુ સમય બાદ વેચવામાં આવે, તો તેમાંથી થતા મૂડિગત લાભને લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે LTCG કહે છે.
જ્યારે લિસ્ટેડ શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડને ખરીદવાની તારીખથી એક વર્ષની અંદર વેચવામાં આવે તો તેના પર થતા લાભને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવામાં આવે છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડ માટે હોલ્ડિંગ પીરિયડ 36 મહિનાનો છે.
શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટે બધા લિસ્ટેડ શેર કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કે ઝીરો કૂપન બૉન્ડ માટે હોલ્ડિંગ પીરિયડ 12 મહિનાથી ઓછો છે, તો બધા અનલિસ્ટેડ શેરો, જમીન અને મકાન માટે હોલ્ડિંગ પીરિયડ 24 મહિનાનો છે.
LTCG Taxને કેવી રીતે ગણવામાં આવે છે?
માની લો રાજીવ નામના વ્યક્તિએ 2019માં 10 રૂપિયા પર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના 15,000 યૂનિટ્સ ખરીદ્યા હતા. હવે 2022માં તે ઇક્વિટી ફંડના 1 યૂનિટની કિંમત 30 રૂપિયા થઇ ગઇ. હવે તે તેને વેચે છે તો તેને 4.5 લાખ રૂપિયા મળશે. 1.5 લાખના રોકાણ પર 4.5 લાખ રૂપિયા મળ્યા તો આ કિસ્સામાં કેપિટલ ગેઇન થયો 3 લાખ રૂપિયાનો. હવે કેપિટલ ગેઇન ટેક્સ 1 લાખ રૂપિયાથી વધુના નફા પર લાગે છે. તો 3 લાખ રૂપિયાના નફામાંથી 1 લાખ રૂપિયા બાદ કરતા બચશે 2 લાખ રૂપિયા. અત્યારે શેર બજાર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં LTCG Tax 10 ટકા છે તો રાજીવ માટે કુલ LTCG Tax 2 લાખ રૂપિયાના 10 ટકા એટલે કે 20,000 રૂપિયા થશે. જો કે કેપિટલ ગેઇન ટેક્સ બચાવવા માટે એક્સપર્ટ્સ રસ્તો બતાવે છે.
જો તમે તમારા શેર કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વેચો છો અને તમને 1 લાખ રૂપિયાથી વધુનો નફો થયો છે અને જો તમને પૈસાની તાત્કાલિક કોઇ જરૂરિયાત નથી તો તમે 1 લાખથી વધારાની રકમનું ફરી રોકાણ કરી શકો છો.
ELSS સ્કીમમાં જો તમે આ રકમનું રોકાણ કરો છો તો તમને 80-સી હેઠળ આવકવેરામાં પણ છુટ મળે છે પરંતુ જ્યારે પણ તમે નફો બુક કરશો ત્યારે તેની પર 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો