Money9: બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ ડેટ અને ઇક્વિટી એમ બન્ને પ્રકારના રોકાણમાં સંતુલન જાળવે છે. સેબીએ વર્ષ 2017માં હાઇબ્રિડ ફંડ્સની અંદર એક નવી સબ કેટેગરી બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ બનાવી. સેબીના રેગ્યુલેશન અનુસાર બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં 40 થી 60 ટકા સુધી રોકાણ ઇક્વિટી કે ઇક્વિટી સંબંધીત ઇન્સ્ટ્રુમેન્ટમાં અને આ જ રીતે બીજા 40 થી 60 ટકા રોકાણ ડેટ સાધનોમાં કરવામાં આવે છે. એટલે આ એવા ઓપન એન્ડેડ ફંડ છે જે ઇક્વિટી અને ડેટ સાધન એમ બન્નેમાં રોકાણ કરે છે. આ પ્રકારના રોકાણમાં શેર, બોન્ડ, મની માર્કેટ સાધનો વગેરે સામેલ હોય છે. આ ફંડ્સનો હેતુ મૂડીમાં વધારાનો અને જોખમથી બચાવ વચ્ચે સંતુલન જાળવી રાખવાનો હોય છે. અને આના માટે ઇક્વિટી અને ડેટ સાધનોમાં રોકાણ કરવામાં આવે છે. આ પ્યોર ઇક્વિટી ફંડ્સની તુલનાએ બજારમાં ઉતાર-ચડાવ માટે વધુ પ્રતિરોધક કે ટકાઉ હોય છે.
ડાયવર્સિલિટીનો લાભ મળે છે
બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડનો ફંડ મેનેજર બજારમાં હંમેશા એ વાત માટે એક્ટિવ રહે છે કે સેબીની વ્યાખ્યા અનુસાર ફંડમાં ઇક્વિટી અને ડેટનો રેશિયો જળવાઇ રહે. ઇક્વિટી કમ્પોનન્ટ દ્વારા ફંડ મેનેજર ઉંચુ રિટર્ન પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અને ડેટ કમ્પોનન્ટ દ્વારા બજારમાં ભારે ઉતાર-ચડાવથી સુરક્ષા પ્રદાન કરે છે. આ રીતે સંતુલિત ફાળવણીથી તમને પોર્ટફોલિયોમાં ડાયવર્સિટીનો લાભ મળે છે. અને તમારે અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ નથી કરવું પડતું.
એવું માનવામાં આવે છે કે મીડિયમ ટર્મ એટલે કે ઓછામાં ઓછા પાંચ વર્ષમાં બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ ઉંચુ રિટર્ન અપાવી શકે છે. એ વાતનું ધ્યાન રાખો કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ સંપૂર્ણ રીતે જોખમથી મુક્ત નથી. ઇક્વિટી રોકાણ હોવાના કારણે તેમાં શેર બજારના ઉતાર-ચડાવનું જોખમ રહે છે. જો કે તે પ્યોર ઇક્વિટી ફંડની સરખામણીએ ઓછા જોખમવાળા હોય છે.
ટેક્સ કેવી રીતે લાગે છે
હવે એ પણ જાણી લઇએ કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ પર ટેક્સ કેવી રીતે લાગે છે. આ ફંડમાં ઇક્વિટી રોકાણ 40 ટકાથી વધુ પરંતુ 60 ટકાથી ઓછું હોય છે. એટલે તેને નોન ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ કહેવામાં આવે છે. તેમાં 3 વર્ષથી ઓછા રોકાણ પર થયેલા ફાયદા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. એટલે કે 3 વર્ષથી ઓછા રોકાણ પર જે લાભ થાય તેને કેપિટલ ગેઇન ગણીને ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ લાગશે. પરંતુ જો રોકાણ 3 વર્ષ કરતાં વધુ છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન માનીને 20 ટકાના દરે ટેક્સ લાગશે. તેમાં તમને ઇન્ડેક્સેશનનો લાભ મળે છે.
રિટર્નનો રેકોર્ડ સારો
રિટર્નની વાત કરીએ તો રિટર્નના મામલે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ્સનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. જો કે એ વાતનું ધ્યાન રાખો કે તેમાં પણ રિટર્નની કોઇ ગેરંટી નથી હોતી. વેલ્યૂ રિસર્ચના ડેટા અનુસાર બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં છેલ્લા 3 વર્ષમાં 29 ટકા, 5 વર્ષમાં 12 ટકા અને 10 વર્ષમાં 14 ટકાનું શાનદાર રિટર્ન મળ્યું છે. હવે સવાલ એ ઉભો થાય કે બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં કેવા રોકાણકારોએ પૈસા લગાવવા જોઇએ.
કોના માટે યોગ્ય
તો તે એવા રોકાણકારો માટે સારુ ગણાય છે જે લો (LOW)થી મીડિયમ રિસ્ક લેવા માંગે છે અને મોડરેટ વેલ્થ ક્રિએશન કરવા માંગે છે. એટલે કે તેમને પોતાના રિટર્ન અને રિસ્કમાં એક સંતુલન જોઇએ છે. ખાસ કરીને તમારુ પાંચથી સાત વર્ષની અંદર કાર ખરીદવા, મકાન ખરીદવા કે બાળકોના હાયર એજ્યુકેશન જેવું કોઇ ટાર્ગેટ હોય તો તમે આ પ્રકારના ફંડમાં રોકાણનો ફાયદો ઉઠાવી શકો છો. આ જ રીતે જો તમે ઓછું જોખમ લેવા માંગો છો અને પોતાના પોર્ટફોલિયોને મેનેજ કરવામાં એક્ટિવ નથી રહેતા તો તમારા માટે પણ આવા ફંડ યોગ્ય છે.
ડેટ મ્યૂચ્યુઅલ ફંડ રોકાણકારોએ હવે એ વાતને સારીરીતે સમજી લેવી જોઇએ કે 1 એપ્રિલ બાદ જે ફંડ ખરીદવામાં આવશે તેમાં ગમેતેટલા સમય માટે રોકાણ કેમ ન કરવામાં આવ્યું હોય, તેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગશે. એટલે હવે ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ અને ડિસ્ટ્રીબ્યૂટર્સ એવા હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરવા પર વધારે ભાર મૂકશે, જેમાં ડેટ કમ્પોનન્ટ હોય અને જેને ટેક્સના હિસાબે ઇક્વિટીની જેમ જોવામાં આવે. બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ આવું જ એક ફંડ છે. આ ફંડ્સનો સારો ફાયદો લેવા માટે રોકાણકારોએ તેમાં લોંગ ટર્મ માટે રોકાણ કરવું જોઇએ. જો કોઇ રોકાણકાર હજુ પણ કન્ફ્યુઝ છે કે ક્યાં ટેક્સનો વધુ ફાયદો થાય કે ક્યાં રોકાણ કરવું જોઇએ? તો તેણે કોઇ નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લેવી જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો