Money9 Gujarati:
Mutual Fund Investment: મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરબજારમાં રોકાણ કરવાનું આકર્ષણ વધ્યું છે. જાન્યુઆરી 2024 દરમિયાન 46.7 લાખ રોકાણકારોએ નવા મ્યુચ્યુઅલ ફંડ ખાતા ખોલાવ્યા હોવાની વિગત જાણવા મળી છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ અંગે રોકાણકારોમાં જાગરૂકતા વધી છે અને ડિજિટલ સુવિધાઓ વધવાથી રોકાણ કરવાની પ્રક્રિયા ઝડપી અને સરળ થઈ ગઈ છે, જેના લીધએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં અનેક નવા ખાતા ખુલી રહ્યાં છે અને આ ઉદ્યોગનું કદ સતત વિસ્તરી રહ્યું છે.
જાન્યુઆરીમાં ખોલવામાં આવેલા નવા મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓની સંખ્યા વર્ષ 2023ના સરેરાશ માસિક આંકડા કરતાં બમણાથી પણ વધારે છે. 2023માં દર મહિને સરેરાશ 22.3 લાખ ખાતા ખુલ્યા હતા. તેની સામે, માત્ર જાન્યુઆરી 2024માં 46.7 લાખ ખાતા ખુલ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના જૂથ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) દ્વારા જાહેર થયેલા ડેટા અનુસાર, ખાતાઓની સંખ્યામાં વધારો થવાને કારણે ઉદ્યોગમાં મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓની કુલ સંખ્યા 16.96 કરોડે પહોંચી છે. આ સંખ્યા એક વર્ષ અગાઉ નોંધાયેલા 14.28 કરોડ ખાતા કરતાં 19 ટકા વધુ છે. ડિસેમ્બર 2023માં નોંધાયેલા કુલ 16.49 કરોડ ખાતાની સરખામણીએ જાન્યુઆરી 2024માં લગભગ ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો એ વ્યક્તિગત રોકાણકાર ખાતાઓને સોંપેલ નંબર છે. રોકાણકાર પાસે બહુવિધ ફોલિયો પણ હોઈ શકે છે. Whiteoak મ્યુચ્યુઅલ ફંડના ચીફ બિઝનેસ ઓફિસર પ્રતીક પંતે જણાવ્યું હતું કે ડિજિટલ સાક્ષરતાનું ઊંચું સ્તર, ખર્ચપાત્ર આવકમાં વધારો થવાથી અને નાણાકીય સાક્ષરતા જેવા પરિબળોએ ભારતીયોને ફિક્સ ડિપોઝિટ અને પોસ્ટ ઑફિસ બચત યોજનાઓ જેવા પરંપરાગત નાણાકીય સાધનોની જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ ખેંચ્યા છે.
તેમણે કહ્યું કે નવા રોકાણકારોમાં નવી પેઢીના યુવાનોની સંખ્યા ઘણી વધારે છે. મોટાભાગના નવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં પ્રવેશવા માટે ડિજિટલ ચેનલોનો માર્ગ અપનાવી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમોએ જાન્યુઆરી દરમિયાન અત્યાર સુધીનું સૌથી વધુ 50,800 કરોડ રૂપિયાનું ગ્રોસ રોકાણ હાંસલ કર્યું છે. જાન્યુઆરીમાં લાર્જ કેપ સ્કીમ્સમાં રોકાણ વધીને 1,290 કરોડ રૂપિયા અને ફ્લેક્સી કેપ ફંડ્સમાં રોકાણ વધીને 2,450 કરોડ રૂપિયા થયું હતું. જાન્યુઆરી મહિનામાં, 17 નવી ફંડ ઑફર્સ શરૂ કરવામાં આવી હતી અને તેના દ્વારા કુલ 6,800 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો