MONEY9: શેર બજારમાં લાંબા ઘટાડા બાદ આવેલી રિકવરી હવે અટકી ગઇ છે. વિદેશી રોકાણકારોની ખરીદી પર બ્રેક લાગી છે અને ડોમેસ્ટીક ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર વેચવાલી વધારી રહ્યાં છે. માહોલ એવો લાગી રહ્યો છે કે શેર બજારમાં મોટી તેજી કદાચ જ જોવા મળે. ઉપરથી વિદેશી રોકાણકારોની વેચવાલીનો એક આંકડો વધારે ડરાવી રહ્યો છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન નિફ્ટી ફ્યૂચર્સમાં શોર્ટ પોઝિશન વધારી દીધી છે. 2 સપ્ટેમ્બરના રોજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની નિફ્ટી અને બેંક નિફ્ટીમાં 85,000 કોન્ટ્રાક્ટની શોર્ટ પોઝિશન જોવા મળી. જે મે બાદ ત્રીજી સૌથી મોટી શોર્ટ પોઝિશન છે.
શેરની ખરીદીમાં વિદેશી રોકાણકારોનો એ જોશ ગાયબ છે જે જુલાઇ અને ઓગસ્ટ દરમિયાન જોવા મળ્યો હતો. જુલાઇ અને ઓગસ્ટ દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ 56 હજાર કરોડ રૂપિયાથી વધુના શેર ખરીદ્યા. સપ્ટેમ્બરના પહેલા દિવસે પણ આ જોશ જોવા મળ્યો. પરંતુ ત્યારબાદ FPI એ બજારમાંથી પૈસા ખેંચવાનું શરૂ કરી દીધું. બીજી તરફ સ્થાનિક સંસ્થાકિય રોકાણકારો પણ વેચવાલી કરી રહ્યાં છે.
ઓગસ્ટ દરમિયાન DII એ 7 હજાર કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી છે. આ એ જ રોકાણકારો છે જેમણે એવા સમયે બજારને સંભાળ્યું હતું જ્યારે FII 9 મહિના સુધી એકતરફી વેચવાલી કરી રહ્યાં હતા. પરંતુ હવે DII પણ વેચવા પર આવી ગયા છે. તો બજારને બચાવશે કોણ..આ ડર રિટેલ રોકાણકારોને સતાવી રહ્યો છે.
જો કે બજારના જાણકારો માની રહ્યા છે કે DIIની વેચવાલી ફક્ત પ્રોફિટ બુકિંગ છે. અને યોગ્ય સમયે તેમનું રોકાણ ફરી વધી જશે. એક્સિસ ડાયરેક્ટના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ પાલવિયા જૈનનું કહેવું છે કે નીચલા સ્તરેથી અંદાજે 15 ટકા તેજી બાદ DII પ્રોફિટ બુકિંગમાં લાગી ગયા છે. રાજેશનું માનવું છે કે સ્થાનિક સંસ્થાકિય રોકાણકારોની પાસે સારું એવું કેશ હોલ્ડિંગ છે. અને યોગ્ય સમય આવશે ત્યારે તે ફરીથી બજારમાં એન્ટ્રી લઇ શકે છે.
રાજેશ પાલવિયાનું માનવું છે કે ડેરિવેટિવ માર્કેટમાં વિદેશી રોકાણકારોની વેચવાલી પાછળનું કારણ હેજિંગ છે. તેમણે કેશ માર્કેટમાં પોતાની પોઝિશન વધારી છે. અને તે રોકાણને સુરક્ષિત રાખવા માટે ડેરિવેટિવ માર્કેટમાં શોર્ટ પોઝિશન લીધી છે.
જો કે રાજેશનું એમ પણ માનવું છે કે મેક્રો પેરામીટર્સ હજુ પણ બજારની તરફેણમાં નથી. અમેરિકી ડૉલરમાં તેજી હજુ યથાવત છે. યૂએસની સેન્ટ્રલ બેંક હજુ પણ વ્યાજ દરો વધારવા માંગે છે. વૈશ્વિક સ્તરે મંદીના વાદળો હજુ છવાયેલા છે. બજારમાં જો ઘટાડો નહીં આવે તો પણ આ તમામ કારણોથી તેજી આવવાનું પણ મુશ્કેલ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો