Money9 Gujarati:
બાર સાંધે ને તેર તૂટે. આ કહેવત, નીતુબેનને મળીએ એટલે એકદમ યોગ્ય લાગે. એક છેડો મિલાવવા જાય ત્યાં બીજો છેડો છૂટી જાય છે. કમાણી હોવા છતાં બે પાસાં ભેગાં થાય જ નહીં ને. નીતુબેન પણ મધ્યમ વર્ગના એક એવા નોકરિયાત છે. જે એટલા પણ ગરીબ નથી કે, મફત રાશન અને આયુષ્યમાન યોજનાનો લાભ લઈ શકે…અને એટલા ધનવાન પણ નથી કે, મનફાવે એમ પૈસા ઉડાડી શકે.
તેમણે તો મધ્યમવર્ગની જેમ ખેંચીતાણીને મહિનો કાઢવો પડે છે. ઈચ્છાઓને મારીને તો ક્યારેક બચતના પૈસા વાપરીને, ગુજરાન ચલાવવું પડે છે. બજેટ આવી રહ્યું છે, એટલે રોજેરોજ બજેટના સમાચાર વાંચવા કે સાંભળવા મળે છે. નીતુબેન પણ વિચારી રહ્યાં છે કે, સરકાર ચૂંટણીમાં ગેરન્ટીની વાતો કરતી હતી, શું આવી ગેરન્ટી બજેટમાં આપશે? બજેટ વિશે વાંચીને નીતુબેન વિચારે ચડ્યા કે, આખરે એક નોકરિયાતને બજેટમાં શું જોઈએ? ટેક્સનો સ્લેબ થોડોક વધી જાય અને કમાણી પર ટેક્સ ના લાગે તો મધ્યમવર્ગ રાજીના રેડ થઈ જાય. એના હાથમાં થોડાક પૈસા આવે.
શું સરકાર બજેટમાં આવું ના કરી શકે? વાસ્તવમાં મધ્યમવર્ગના નોકરિયાત માણસના હાથમાં ટેક્સ ભર્યા પછી જે પગાર બચે છે. તેમાંથી મોટા ભાગના પૈસા તો સ્કૂલની ફી અને રાશન ભરવામાં તથા ઘરનું ભાડું કે હપ્તા અને પેટ્રોલમાં વપરાઈ જાય છે. આમાંથી જો થોડા પૈસા બચે તો તે વીમાના હપ્તા ભરવામાં અથવા તો રોકાણ કરવામાં ખર્ચ થઈ જાય છે. આથી, જો સરકાર ટેક્સમાં રાહત આપી દે તો પગારમાંથી ટેક્સ કપાયા વગર વધારે પૈસા હાથમાં આવે.
આ બધા વિચારોની વચ્ચે નીતુબેન મનોમન વિચારી રહ્યાં છે કે, આ વખતનું બજેટ ચૂંટણીલક્ષી છે.. સરકારને વોટની જરૂર છે.. એટલે શક્ય છે કે, રાહત આપી દે. આશા રાખીએ. એનાથી વધારે બીજી કઈ ગેરન્ટી જોઈએ? 80Cની લિમિટ વધી જાય તો મજા પડી જાય. છેલ્લે 2014-15માં આ લિમિટ વધી હતી. અત્યારે 80Cની લિમિટ માત્ર દોઢ લાખ રૂપિયા છે.. નીતુબેનને આ લિમિટ વધારવાની ગેરન્ટી જોઈએ છે. 1.5 લાખની લિમિટ તો સ્કૂલ ફી અને પગારમાંથી કપાતા PFમાં જ પૂરી થઈ જાય છે. આ સિવાય બીજે રોકાણ કે બચત કરીએ તેનો લાભ લઈ શકાતો નથી.
પણ નીતુબેનને થયું કે, જો સરકાર આ લિમિટ વધારી દે તો લાખો લોકો પાસેથી આવતો ટેક્સ બંધ થઈ જાય.. એટલે સરકાર આવી ગેરન્ટી નહીં આપે. બીજી કોઈ ગેરન્ટીની આશા રાખીએ. બીજું કંઈ નહીં તો, હેલ્થ ઈન્સ્યૉરન્સના પ્રીમિયમમાં તો રાહત આપવી જોઈએ… સરકારે સંપૂર્ણ પ્રીમિયમ પર ટેક્સ બેનિફિટની ગેરન્ટી આપવી જોઈએ.
અત્યારે 25 હજાર રૂપિયાના પ્રીમિયમ પર કરલાભ મળે છે, પરંતુ નીતુબેન વર્ષે 40 હજાર રૂપિયાનું પ્રીમિયમ ભરે છે. શું સરકાર આટલી ગેરન્ટી ના આપી શકે..? સરકાર તમામ વર્ગને તો આયુષ્યમાનનો લાભ નથી આપી શકતી, પરંતુ અમારા જેવા વીમો લેનારા લોકોને પ્રોત્સાહન તો આપે…? દેશનો નોકરિયાત વર્ગ બસ આટલી ગેરન્ટી ઈચ્છે છે કે…. , ઈનકમ ટેક્સ ઘટે અને રોકાણ પર મળતી લિમિટ વધે,… તો હાથમાં બે પૈસા બચે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો