Money9 Gujarati: રોટલી વણી રહેલી સરિતા મનોમન કંઈક ગણગણાટ કરી રહી છે. કદાચ કિચનના બજેટનો હિસાબ માંડી રહી છે. ભારતના મધ્યમવર્ગની મોટા ભાગની ગૃહિણીઓની દુનિયા એટલે રસોડું. રસોડામાં કામ કરતાં-કરતાં જ મહિલાઓ બજેટ બનાવે છે. મહિનો કાઢવા માટે તેમને બાંધી રકમ મળે છે અને તેમાંથી ખાવાપીવાનો ખર્ચ કાઢવો પડે છે. જેમ-તેમ કરીને જો થોડીક બચત થઈ જાય તો, મોબાઈલનું રિચાર્જ, કિટી પાર્ટી અને OTTનું સબ્સક્રિપ્શન લેવાનું સાહસ કરી લે છે.
ગયું વર્ષ કાઠું રહ્યું. સરિતાનું આખું બજેટ બગડી ગયું.. જરૂરિયાતોની ભૂખ પૂરી કરવામાં તેની ઈચ્છાઓનો જ વઘાર થઈ ગયો. એક તો ખાણી-પીણીની ચીજવસ્તુઓ મોંઘીદાટ થઈ ગઈ. ગયા વર્ષે દાળ, મસાલા, શાકભાજી.. બધાનો મોંઘવારીનો દર 20 ટકાએ પહોંચી ગયો. હવે સરિતાને એક જ વાતની ચિંતા છે કે, આ મોંઘવારીમાં દીકરાની ટ્યુશન ફી ક્યાંથી ભરાશે…? આ વર્ષે દીકરો બોર્ડમાં છે એટલે વિચાર્યું હતું કે, ખાવાપીવાનો ખર્ચ ઘટાડીને કિટ્ટી પાર્ટી નહીં કરે, પણ ટ્યુશન ફી ભરશે.
સરિતાને આ વખતના બજેટમાં એક વાતની ગેરન્ટી જોઈએ છે કે, કિચનનું બજેટ ના બગડે. ઓછામાં ઓછા ખર્ચે રસોડાનો ખર્ચો પૂરો થાય અને હાથમાં થોડા પૈસા બચે. સરકારે ખાદ્ય મોંઘવારીને હળવી કરવા માટે “ભારત બ્રાન્ડ” હેઠળ દાળ, લોટ અને ચોખા સસ્તામાં વેચવાનું શરૂ તો કર્યું છે… પરંતુ તેનાથી જાજો ફરક પડ્યો નથી.
સરિતાને બરાબર યાદ છે કે, ગયા બજેટમાં સરકારે મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના શરૂ કરી હતી. બે વર્ષની આ સ્કીમમાં મહિલાઓને સાડા સાત ટકા વ્યાજ મળે છે. પરંતુ આ યોજનામાં પોતે એક પણ રૂપિયો ના રોકી શકી, તે વાતનો સરિતાને અફસોસ છે.
સરિતા આ વખતના બજેટમાં એ વાતની ગેરન્ટી ઈચ્છે છે કે, સરકાર ખાદ્ય ચીજવસ્તુઓ સસ્તામાં પૂરી પાડે. ભારત બ્રાન્ડ હેઠળ દેશભરના લોકોને સસ્તામાં અનાજ અને કઠોળ મળે. અને કિસાન સમ્માન નિધી જેવી કોઈ યોજના શરૂ કરવામાં આવે જેનાથી ગૃહિણીઓને પણ ડાયરેક્ટ મદદ મળે., તો મહિલાઓ પણ પોતાની નાની-નાની ઈચ્છાઓ પૂરી કરી શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો