Money9 Gujarati: @paytm હેન્ડલનો ઉપયોગ કરનારા UPI ગ્રાહકો સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકે તે માટે RBIએ પગલાં ભર્યાં છે. RBIએ NPCIને Paytmની થર્ડ પાર્ટીની વિનંતી અંગે તપાસ કરવાની સૂચના આપી છે. અત્યારે જે ગ્રાહકો અને વેપારીઓ પાસે @paytm હેન્ડલ છે તેમના પર આ પગલાંની અસર થશે. જો તમારી પાસે @paytm સિવાય UPI એડ્રેસ હશે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
RBIએ 31 જાન્યુઆરીએ Paytm Payments Bankની સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં થોડીક રાહત આપીને 15 માર્ચ બાદ ગ્રાહક ખાતામાં તેમજ વૉલેટમાં પૈસા જમા કરાવવા પર પ્રતિબંધ લાગુ કરવા જણાવ્યું હતું. હવે RBIએ UPI સેવાઓને લઈને ઊભી થનારી સમસ્યાના નિવારણ માટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સેન્ટ્રલ બેંકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ દ્વારા થર્ડ પાર્ટી શિફ્ટ અંગે આપવામાં આવેલી વિનંતીની તપાસ કરવા જણાવ્યું છે.
ઉપરાંત, RBIએ NPCIને ઉચ્ચ વોલ્યુમ UPI વ્યવહારો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર તરીકે 4-5 બેંકોના પ્રમાણપત્રની સુવિધા આપવા જણાવ્યું છે. આ પેટીએમને UPI સેવા ચાલુ રાખવામાં મદદ કરશે. RBIના નિર્દેશો અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંક 15 માર્ચથી બંધ રહેશે. આવી સ્થિતિમાં, પેટીએમને પહેલાની જેમ UPI વ્યવહારો જાળવવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર (TPAP)ની જરૂર પડશે. RBIએ સલાહ આપી છે કે જો NPCI OCLને TPAP સ્ટેટસ આપે છે, તો મુશ્કેલી ટાળવા માટે, Paytmએ તેની પેમેન્ટ્સ બેંકમાંથી નવી ઓળખાયેલી બેંકોના જૂથમાં શિફ્ટ થવું પડશે.
ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીએ ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરીથી UPI સહિત વિવિધ પ્લેટફોર્મ અને તમામ મૂળભૂત ચુકવણી સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ અંતર્ગત Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરવામાં આવેલ FASTag પણ કામ કરશે નહીં. ત્યારથી, Paytm UPI સેવા ચાલુ રાખવા માટે નવી રીતો શોધી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો