Money9 Gujarati:
Paytm Payments Bank crisis: RBIએ Paytmને થોડાક દિવસની રાહત આપી છે, પરંતુ બીજી કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ Paytm Payments Bankમાં પૈસા જમા કરવા અને ઉપાડવા માટે ગ્રાહકો માટે નક્કી કરેલી 29 ફેબ્રુઆરીની છેલ્લી તારીખ લંબાવીને 15 માર્ચ કરી છે. RBIએ 16 ફેબ્રુઆરીએ સાંજે સત્તાવાર નિવેદનમાં ડેડલાઈન લંબાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. Paytm Payments Bankના ગ્રાહકો અને લાગતા-વળગતા સત્તાવાળાઓને અગવડતા ના પડે તે બાબતને ધ્યાનમાં રાખીને RBIએ આ નિર્ણય લીધો છે. અત્યારે Paytm Payments Bank કટોકટીનો સામનો કરી રહી છે.
RBIએ જણાવ્યું છે કે, “માર્ચ 15, 2024 (29 ફેબ્રુઆરી, 2024 ની અગાઉની નિર્ધારિત સમયરેખાથી વિસ્તૃત) પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ સાધનો, વોલેટ્સ, FASTags, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ્સ વગેરેમાં કોઈ ડિપોઝિટ અથવા ક્રેડિટ વ્યવહારો અથવા ટોપ અપને મંજૂરી આપવામાં આવશે નહીં.”
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કે 31 જાન્યુઆરી, 2024ના રોજ પેટીએમ પેમેન્ટ્સ બેન્કને 29 ફેબ્રુઆરી બાદ કોઈ પણ ગ્રાહક ખાતા, વૉલેટ, ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં ડિપોઝિટ અથવા ટોપ-અપ સ્વીકારવાની ના પાડી હતી. RBIએ જણાવ્યું હતું કે એક વ્યાપક સિસ્ટમ ઑડિટ રિપોર્ટ અને બાહ્ય ઑડિટર્સના અનુગામી અનુપાલન માન્યતા અહેવાલમાં Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડમાં સતત બિન-અનુપાલન અને સતત સામગ્રી સુપરવાઇઝરી ચિંતાઓ બહાર આવી હતી. તેના આધારે, મધ્યસ્થ બેંકે બેંક પર વિવિધ નિયંત્રણો લાદ્યા હતા.
Paytm પેમેન્ટ્સ બેન્કનું ફાસ્ટેગ હોય તો, હવે તે કોઈ કામનું નથી. સરકારની હાઈવે ઓથોરિટીએ ફાસ્ટેગ સર્વિસની સત્તાવાર બેન્કોની યાદીમાંથી પેટીએમ પેમેન્ટ્સ બેન્કને કાઢી મૂકી છે. 32 સત્તાવાર બેન્કોની યાદીમાં પેટીએમનું નામ નથી. જો પેટીએમનું ફાસ્ટેગ હોય તો હવે તમારે સત્તાવાર બેન્ક પાસેથી ફાસ્ટેગ માટે RFID સ્ટીકર લેવું પડશે. RBIના આદેશ બાદ, પેટીએમ નવા ફાસ્ટેગ યુઝર્સ ઉમેરી શકતી નથી. 29 ફેબ્રુઆરી બાદ પેટીએમના તમામ ફાસ્ટેગ પણ નિષ્ક્રિય થઈ જવાના છે. ભારતમાં લગભગ 7 કરોડ ફાસ્ટેગ યુઝર્સ છે અને તેમાંથી લગભગ 2 કરોડ યુઝર્સ Paytm પેમેન્ટ બેંકના છે. દેશનાં 750થી પણ વધારે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ચાલે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો