Money9 Gujarati:
ભારતની ખાનગી સેક્ટરની સૌથી મોટી ધિરાણકર્તા, HDFC Bankએ લક્ષદ્વીપમાં પણ બ્રાન્ચ ખોલી છે. લક્ષદ્વીપના કાવારત્તી ટાપુ (Kavaratti Island) ખાતે શાખા ખોલનારી તે પ્રથમ ખાનગી બેન્ક બની છે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં શાખા ધરાવતી તે એકમાત્ર ખાનગી ક્ષેત્રની બેંક બની છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય પ્રવાસીઓમાં લક્ષદ્વીપની લોકપ્રિયતા વધી રહી છે અને હવે ખાનગી બેન્કની શાખા પણ શરૂ થવાથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.
આ શાખાનો ઉદ્દેશ્ય વ્યક્તિગત બેંકિંગ અને ડિજિટલ બેંકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરીને કેન્દ્રશાસિત પ્રદેશમાં બેંકિંગ માળખાને અપગ્રેડ કરવાનો છે જેમાં રિટેલરોને QR-આધારિત ટ્રાન્ઝેક્શન સહિત કસ્ટમાઇઝ્ડ ડિજિટલ સોલ્યુશન્સનો પણ સમાવેશ થાય છે.
HDFC બેંકની શાખાઓ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી છે અને હવે લક્ષદ્વીપના ટાપુમાં પણ બેન્ક પહોંચી ગઈ છે, એમ HDFC બેંકના ગ્રૂપ હેડ- રિટેલ બ્રાંચ બેંકિંગ એસ. સંપથકુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ગ્રાહકોને જ્યાં પણ તેઓ અત્યંત અનુકૂળ હોય ત્યાં સેવા આપવા માટે અમે પ્રતિબદ્ધત છીએ.” “અમે લક્ષદ્વીપમાં વ્યક્તિઓ, પરિવારો અને વ્યવસાયોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા અને તેમની નાણાકીય યાત્રામાં વિશ્વાસપાત્ર ભાગીદાર બનવા અને ટાપુના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ઉત્સુક છીએ,” એસ સંપતકુમારે જણાવ્યું હતું.
ભારતમાં HDFC Bankના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં 31 ડિસેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે, 8,091 બ્રાન્ચ અને 20,688 ATMનો સમાવેશ થાય છે. આ નેટવર્ક ભારતનાં 3,872 શહેર અને નગરોમાં ફેલાયેલું છે. તેની લગભગ 52 ટકા શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં છે. વધુમાં, તેની પાસે 15,053 બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ છે, જે મુખ્યત્વે કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) દ્વારા સંચાલિત છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો