Money9 Gujarati:
ચૂંટણી પછી જેની પણ સરકાર બનશે, તેને લોટરી લાગવાની છે, કારણ કે, સરકારી તિજોરીમાં અઢળક રૂપિયા આવવાના છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ સરકારને 2,10,874 કરોડ કરોડ રૂપિયાનું રેકોર્ડ ડિવિડન્ડ ચૂકવવાની મંજૂરી આપી છે. 22 મે, બુધવારના રોજ મુંબઈ ખાતે મળેલી RBIના બોર્ડની બેઠકમાં નાણાકીય વર્ષ 2023-24 માટે 141 ટકા વધારે ડિવિડન્ડ ચૂકવવાની મંજૂરી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2022-23 માટે RBIએ 87,416 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. અંદાજ હતો કે, 2023-24 માટે એકાદ લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવશે, પરંતુ RBIએ 2.11 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક ડિવિડન્ડ મંજૂર કર્યું છે.
RBIને રોકાણ, તેના ડૉલર રિઝર્વના મૂલ્યાંકનમાં વધઘટ અને ચલણ પ્રિન્ટિંગ ફીમાંથી જે આવક થાય છે, તેમાંથી પેદા થતી વધારાની આવકમાંથી દર વર્ષે ચોક્કસ રકમ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે. RBI દર વર્ષે તેની પાસે પડેલી વધારાની રકમ સરકારને ચૂકવે છે. ગયા નાણાકીય વર્ષમાં RBIને ફોરેન એક્સચેન્જ હોલ્ડિંગમાંથી વધારે આવક થઈ હતી, જેનો ફાયદો સરકારને થશે.
અમેરિકન ફેડરલ રિઝર્વે તાજેતરના વર્ષોમાં વ્યાજ દરમાં આક્રમક રીતે વધારો કરવામાં આવ્યો હતો, જેના લીધે RBIને ફોરેન એક્સચેન્જ એસેટ્સમાંથી મળતું વ્યાજ વધી ગયું હતું, પરિણામે તેની આવક વધી હતી. RBIને વૈશ્વિક સ્તરે તેમજ સ્થાનિક સ્તરે ઊંચા વ્યાજ દરથી ફાયદો થયો છે. એટલું જ નહીં, અગાઉના વર્ષોની સરખામણીએ લિક્વિડિટીના મોરચે પણ નાણા છૂટા કરવાની જરૂર ઊભી થઈ નહોવાથી ફાજલ રકમ વધી છે, એટલે RBIએ અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે.
આ રકમ મળવાથી સરકારને વધારે ખર્ચ કરવાની મોકળાશ મળશે અને રાજકોષીય ખાધ ઘટાડવામાં મદદ મળશે. સૈદ્ધાંતિક રીતે જોઈએ તો, રેકોર્ડ બ્રેક ડિવિડન્ડ મળવાથી કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2024-25 માટે રાજકોષીય ખાધ GDPના 5.1 ટકાએ પહોંચડવાનો ટાર્ગેટ હાંસલ કરવામાં મદદ મળશે.
RBIની 608મી બેઠક દરમિયાન, બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિદ્રશ્ય પર ચર્ચા કરી હતી, જેમાં દૃષ્ટિકોણના જોખમો પણ સામેલ હતા. RBIની બેઠકમાં કન્ટિજન્સી રિસ્ક બફર (CRB) 6 ટકાથી વધારીને 6.5 ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
RBI દ્વારા સરકારને વિક્રમ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે, જેની બહુપાંખી અસર જોવા મળશે.
લિક્વિડિટી વધશેઃ સરકારને નોંધપાત્ર ડિવિડન્ડ મળશે એટલે સિસ્ટમમાં લિક્વિડિટી વધશે. આ વધેલી લિક્વિડિટીને કારણે સ્ટોક અને બોન્ડ સહિતની નાણાકીય એસેટ્સની માંગમાં વધારો થશે.
સેન્ટિમેન્ટ સુધરશે અને વિશ્વાસ વધશેઃ RBIએ જંગી ડિવિડન્ડ ચૂકવ્યું તે દર્શાવે છે કે, RBIને અર્થતંત્રમાં ભરપૂર વિશ્વાસ છે. આ સકારાત્મક સેન્ટિમેન્ટને લીધે રોકાણકારો પ્રોત્સાહિત થઈ શકે છે, પરિણામે શેરબજારમાં રસ વધી શકે છે.
વ્યાજ દર પર અસરઃ RBIનો નિર્ણય વ્યાજ દરોને પ્રભાવિત કરી શકે છે. જો સરકાર તેની ઉધાર જરૂરિયાતોને ઘટાડવા માટે ડિવિડન્ડનો ઉપયોગ કરે છે, તો તે બોન્ડ યીલ્ડ પર દબાણ હળવું કરી શકે છે. ઓછી ઉપજ રોકાણના નિર્ણયોને અસર કરી શકે છે. આજના નિર્ણય બાદ 10-વર્ષીય બોન્ડ યીલ્ડ ઘટીને 1 વર્ષના નીચા સ્તરે પહોંચી ગઈ હતી. 10-યર બોન્ડ યીલ્ડ 6.9919 ટકાએ બંધ રહી હતી, જે 7 જૂન 2023 પછીનું સૌથી નીચલું સ્તર છે. અગાઉના દિવસે બોન્ડ યીલ્ડ 7.0351 ટકા હતી.
રૂપિયાને ટેકો મળશેઃ RBI દ્વારા સરકારને રેકોર્ડ બ્રેક ડિવિડન્ડ ચૂકવવાથી વિનિમય દર (exchange rate) પર અસર પડી શકે છે. જો વિદેશી રોકાણકારો તેને આર્થિક મજબૂતીના સંકેત તરીકે માને છે, તો તે ભારતીય રૂપિયાને ટેકો આપી શકે છે.
શેરબજારની ચોક્કસ કેટેગરી પર અસરઃ લિક્વિડિટી વધવાથી અને સેન્ટિમેન્ટ પોઝિટિવ થવાથી બેન્કોને ફાયદો થશે અને બેન્કિંગ સ્ટોક્સમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળશે. જો સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ વધારશે તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગૂડ્ઝ સેક્ટરની કંપનીઓને ફાયદો થઈ શકે છે. લિક્વિડિટી વધવાથી કન્ઝ્યુમર કંપનીઓના શેર્સને પણ ફાયદો થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો