Money9 Gujarati:
મોંઘવારીનો તાપ ઘટી રહ્યો છે. છૂટક મોંઘવારી ઘટ્યા બાદ હવે જથ્થાબંધ મોંઘવારીમાં પણ રાહત મળી છે. વાણિજ્ય મંત્રાલયે 15 મે, સોમવારના રોજ જાહેર કરેલા આંકડા અનુસાર, એપ્રિલમાં હોલસેલ પ્રાઈસ આધારિત ઈન્ડેક્સ (WPI) ઘટીને -0.92 ટકા થયો છે, જે માર્ચ મહિનામાં 1.34 ટકાના સ્તરે હતો. હોલસેલ ફુગાવો સતત 11મા મહિને ઘટ્યો છે. જથ્થાબંધ ફુગાવો ઘટવાનું મુખ્ય કારણ બેઝ ઈફેક્ટ છે. જથ્થાબંધ મોંઘવારી હવે 34 મહિનાના નીચલા સ્તરે પહોંચી છે.
12 મે-શુક્રવારના રોજ સરકારે છૂટક મોંઘવારીનો દર જાહેર કર્યો હતો. એપ્રિલમાં છૂટક મોંઘવારીનો દર 4.7 ટકા નોંધાયો હતો, જે છેલ્લાં 18 મહિનાનું તળિયું છે. આમ, એપ્રિલમાં હોલસેલ અને રિટેલ બંને ફુગાવાના દર ઘટ્યા છે. હોલસેલ ફુગાવો ઘટવાથી રિટેલ કિંમત પર પોઝિટિવ ઈમ્પેક્ટ પડવાની શક્યતા છે, એટલે કે, રિટેલ માર્કેટમાં પણ કિંમત ઘટી શકે છે.
કેમ ઘટ્યો ફુગાવો
ક્રૂડના ભાવ ઘટવાથી, એનર્જી પ્રાઈસ નીચે જવાથી તેમજ નોન-ફૂડ અને ફૂડ આર્ટિકલ્સની કિંમત ઘટવાથી હોલસેલ ઈન્ફ્લેશન રેટ નીચે આવ્યો છે, એમ સરકારે નિવેદનમાં જણાવ્યું છે. પ્રાઈમરી આર્ટિકલ્સ ઈન્ફ્લેશન માર્ચમાં 2.40 ટકાથી ઘટીને એપ્રિલમાં 1.60 ટકા રહ્યો હતો. ફ્યુઅલ અને પાવર ઈન્ફ્લેશન પણ માર્ચના 8.96 ટકાથી ઘટીને 0.93 ટકા થયો છે. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો ફુગાવો એપ્રિલમાં -2.42 ટકા થયો હતો, જે માર્ચમાં -0.77 ટકા અને ફેબ્રુઆરી-2022માં 1.94 ટકા હતો. મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ અને ફ્યુઅલ આઈટમ્સની કિંમત ઘટવાથી માર્ચમાં WPI ઘટીને 1.34 ટકાના સ્તરે પહોંચ્યો હતો, જે 29 મહિનાનું નીચલું સ્તર છે.
ગ્રોસરી આઈટમ્સ
મોંઘવારીનો દર ઘટી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં તેની અસર ઓછી છે, જેનું કારણ અનાજ, દૂધ અને મસાલાની મોંઘવારી છે. આ તમામ ચીજો રોજિંદા ઘરવપરાશમાં લેવાય છે અને તેનો ફુગાવો હજુ પણ ઊંચા સ્તરે છે. જેમકે, એપ્રિલમાં જાહેર થયેલા જથ્થાબંધ ફુગાવાના આંકડામાં ધાન્યની મોંઘવારીનો દર 7.69 ટકા, ધાન્યનો દર 7.12 ટકા, ઘઉંની મોંઘવારી 7.27 ટકા જ્યારે દૂધની મોંઘવારીનો દર 7.1 ટકાના સ્તરે નોંધાઈ છે.
આંકડાની ભીતરમાં
છેલ્લાં છ મહિનાના જથ્થાબંધ મોંઘવારીના આંકડા દર્શાવે છે કે, કઠોળનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બર-2022માં 12.85 ટકા હતો, જે જાન્યુઆરી-2023માં 15.59 ટકાના સ્તરે પહોંચી ગયો હતો અને બાદમાં ફેબ્રુઆરીમાં 13.95 ટકા જ્યારે માર્ચમાં 9.48 ટકા અને એપ્રિલમાં 7.69 ટકાના સ્તરે પહોંચ્યો છે. ડાંગરની વાત કરીએ તો, છ મહિના અગાઉ તેનો જથ્થાબંધ ફુગાવો 6.45 ટકા હતો, જે ડિસેમ્બર-22માં 6.83 ટકા, જાન્યુ.-23માં 7.18 ટકા, ફેબ્રુ.-23માં 8.60 ટકા, માર્ચમાં 7.54 ટકા જ્યારે એપ્રિલમાં 7.12 ટકાના સ્તરે નોંધાયો હતો. ઘઉંની જથ્થાબંધ મોંઘવારીનો દર નવે.-22માં 18.11 ટકાથી વધીને ડિસે.-22માં 20.78 ટકા, જાન્યુ.-23માં 23.88 ટકા થયો હતો. સરકારી ખરીદી વધતાં ફેબ્રુઆરીમાં તે ઘટીને 18.48 ટકા, માર્ચમાં 9.16 ટકા અને એપ્રિલમાં 7.27 ટકા થયો છે. કઠોળના ભાવ ઘટવાનું નામ નથી લેતાં. નવેમ્બર 2022માં કઠોળનો જથ્થાબંધ ફુગાવો 0.56 ટકા હતો, જે સતત વધીને એપ્રિલમાં 5.55 ટકાના સ્તરે પહોંચ્યો છે. આવી જ રીતે, દૂધ પણ મોંઘુંદાટ થઈ ગયું છે. દૂધનો જથ્થાબંધ ફુગાવાનો દર નવેમ્બર-22થી એપ્રિલ-23માં ક્રમાનુસાર 6.22 ટકા, 8.01 ટકા, 9.85 ટકા, 10.33 ટકા, 8.48 ટકા અને 7.10 ટકા થયો છે.
રિઝર્વ બેન્ક શું કરશે
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા વ્યાજના દરમાં ફેરફાર કરવા માટે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ઈન્ફ્લેશન એટલે કે, છૂટક મોંઘવારીના આંકડાને ધ્યાનમાં લે છે. એપ્રિલમાં રિટેલ મોંઘવારીનો દર ઘટ્યો છે, એટલે RBI જૂન મહિનામાં મળનારી પૉલિસી બેઠકમાં વ્યાજના દર યથાવત્ રાખે તેવી શક્યતા ઈકોનોમીસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે.
સંબંધિત ખબરઃ મોંઘવારીમાં મળી રાહતઃ એપ્રિલમાં 4.7% સાથે રિટેલ ફુગાવો 18 મહિનાના તળિયે પહોંચ્યો
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો