મોંઘવારીમાં મોટી રાહત મળી છે. છૂટક મોંઘવારીનો દર એપ્રિલમાં 4.7 ટકા થયો છે. ગ્રાહક-આધારિત ફુગાવાનો દર 18 મહિનાના તળિયે પહોંચી ગયો છે. માર્ચ મહિનામાં છૂટક મોંઘવારીનો દર 5.66 ટકા નોંધાયો હતો જ્યારે ગયા વર્ષના એપ્રિલમાં તે 7.79 ટકા હતો. છેલ્લાં બે મહિનામાં મોંઘવારીનો દર 1.74 ટકા ઘટ્યો છે અને રિઝર્વ બેન્કે નક્કી કરેલી રેન્જની નજીક પહોંચી ગયો છે. રિઝર્વ બેન્કે ફુગાવાનો મીડિયમ-ટર્મ ટાર્ગેટ 4 ટકા નક્કી કર્યો છે, પરંતુ છેલ્લાં 43 મહિનાથી ફુગાવાનો દર આ રેન્જની બહાર છે. તેને અંકુશમાં રાખવા માટે RBIએ મે- 2022થી વ્યાજના દર વધારવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં વ્યાજના દર અઢી ટકા વધ્યા છે, જેના કારણે ફુગાવાનો દર નીચે લઈ જવામાં મદદ મળી છે. ખાદ્ય મોંઘવારીના મોરચે પણ રાહત મળી છે અને તેનો ફુગાવો ઘટીને 3.84 ટકાએ પહોંચ્યો છે. હવે, જોવાનું એ રહ્યું કે, RBI આગામી બેઠકમાં શું કરે છે? વ્યાજ દર વધારે છે કે પછી માર્ચની જેમ યથાવત્ રાખે છે.
છૂટક મોંઘવારી 14 મહિનામાં પહેલીવાર RBIની અપર લિમિટની નીચે પહોંચી છે. રિઝર્વ બેન્કની અપર ટોલરન્સ લિમિટ 6 ટકાની છે. ફુગાવો છેક જાન્યુઆરી 2022થી RBIની અપર ટોલરન્સ લિમિટની ઉપર રહેતો હતો. જેના કારણે RBIએ આક્રમકતા દાખવીને વ્યાજ દર વધારવાનું શરૂ કર્યું હતું.
ફુગાવાના દરમાં તીવ્ર ઘટાડો થવાનું કારણ ખાદ્ય ફુગાવામાં થયેલો ઘટાડો છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (CFPI) એપ્રિલમાં ઘટીને 3.84 ટકા થયો છે જે એપ્રિલ-2022માં 8.31 ટકા હતો. માર્ચ 2023માં ખાદ્ય મોંઘવારીનો દર 4.79 ટકા નોંધાયો હતો.
Published - May 12, 2023, 08:06 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો