Money9 Gujarati:
કદાચ દુકાનદાર કે શાકની લારીવાળો 50 પૈસાનો સિક્કો લેવાની ભલે ના પાડે, પરંતુ ભારતમાં 50 પૈસાનો સિક્કો હજુ બંધ નથી થયો. આ સિક્કો આર્થિક લેવડદેવડમાં સ્થાન ધરાવે છે અને આપણા અર્થતંત્રમાં 50 પૈસાના જેટલા સિક્કા ચલણમાં છે તેનું મૂલ્ય લગભગ 700 કરોડ રૂપિયા થાય છે.
RBIના રિપોર્ટમાં જાણવા મળી વિગત રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા અહેવાલમાંથી આ માહિતી જાણવા મળી છે. સ્ટેટ ઑફ ઈકૉનોમી રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષના માર્ચના અંત સુધીમાં દેશનાં અર્થતંત્રમાં કુલ 30,242 કરોડ રૂપિયાના સિક્કા ચલણમાં હોવાનું નોંધાયું છે અને તેમાં 700 કરોડ રૂપિયાના સિક્કા 1 રૂપિયાથી ઓછી કિંમતના છે. હવે, ચાર આના એટલે કે 25 પૈસાનો સિક્કો તો બંધ થઈ ગયો છે, એટલે 1 રૂપિયાથી નાના સિક્કામાં માત્ર 50 પૈસાનો સિક્કો છે.
50 પૈસાનો હિસ્સો
રસપ્રદ વાત એ છે કે, માર્ચના અંત સુધીમાં જેટલા સિક્કા ફરી રહ્યાં છે, તેનું મૂલ્ય 30,242 કરોડ રૂપિયા છે, જેમાં 700 કરોડ રૂપિયા લેખે, 50 પૈસાના સિક્કાનો હિસ્સો માત્ર 2.3 ટકા છે. RBIના રિપોર્ટ અનુસાર, અર્થવ્યવસ્થામાં ફરી રહેલા કુલ 30,242 કરોડ રૂપિયાના સિક્કામાં સૌથી વધુ સિક્કા 5 રૂપિયાના છે. 5 રૂપિયાના સિક્કાનું મૂલ્ય 9,708 કરોડ રૂપિયા છે અને કુલ સિક્કાના મૂલ્યમાં હિસ્સો 32.1 ટકા છે. ત્યારબાદ, બીજા ક્રમે 2 રૂપિયાના સિક્કા આવે છે. 2 રૂપિયાના સિક્કાનો હિસ્સો 23 ટકા (6,946 કરોડ રૂપિયા) છે. 19.8 ટકા એટલે કે 5,976 કરોડ રૂપિયાના હિસ્સા સાથે 10 રૂપિયાના સિક્કા ત્રીજા ક્રમે આવે છે. 1 રૂપિયાના સિક્કાનું મૂલ્ય 5,216 કરોડ રૂપિયા છે અને 17.2 ટકા હિસ્સા સાથે તે ચોથા ક્રમે આવે છે. અર્થતંત્રમાં 20 રૂપિયાના સિક્કાનો હિસ્સો 5.6 ટકા છે અને મૂલ્ય 1,697 કરોડ રૂપિયા છે. 2022ના માર્ચના અંત સુધીમાં 20 રૂપિયાના સિક્કાનું મૂલ્ય 674 કરોડ રૂપિયા અને હિસ્સો 2.4 ટકા હતો, પરંતુ, છેલ્લાં 1 વર્ષમાં તેમાં 152 ટકાનો વધારો થયો છે.
સિક્કાનું સર્ક્યુલેશન 8% વધ્યું જે રીતે, નાણાકીય વર્ષ 2022-23માં કરન્સી નોટનું સર્ક્યુલેશન લગભગ 8 ટકા વધ્યું છે, તેવી જ રીતે સિક્કાના સર્ક્યુલેશનમાં પણ 8 ટકાથી વધુ વધારો નોધાયો છે. 2022ના માર્ચના અંત સુધીમાં અર્થવ્યવસ્થામાં કુલ 27,970 કરોડ રૂપિયાના સિક્કા ચલણમાં હતા, જે હવે વધીને 30,242 કરોડ રૂપિયાના થઈ ગયા છે. ચલણી સિક્કાનું કુલ મૂલ્ય 8.1 ટકા વધ્યું છે જ્યારે કુલ વોલ્યૂમમાં 2.6 ટકા વધારો નોંધાયો છે. નોટની વાત કરીએ તો, 2021-22માં 31.05 લાખ કરોડની નોટ ચલણમાં હતી, અને આ આંકડો 2022-23માં વધીને 33.48 લાખ કરોડ થયો હતો.
સંબંધિત સમાચારઃ તમારા ખિસ્સામાં પડેલી 500ની નોટ નકલી તો નથી ને!
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો