Money9 Gujarati:
રોકડમાં લેવડદેવડ કરતી વખતે સાવધાની રાખજો, કારણ કે માર્કેટમાં અઢળક નકલી નોટો ફરી રહી છે. દેશમાં નકલી નોટોનું ચલણ ઝડપભેર વધ્યું છે. માર્કેટમાં ફરી રહેલી નકલી નોટોમાં સૌથી વધુ હિસ્સો 500 રૂપિયાનું મૂલ્ય ધરાવતી નોટોનો છે અને આ ખુલાસો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના તાજા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
RBIનો રિપોર્ટ
RBIએ 30 મે, મંગળવારના રોજ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, માર્ચ-2023 સુધીમાં દેશમાં કુલ 33.48 લાખ કરોડ રૂપિયાની રોકડ ચલણમાં હતી, જેમાં 500 રૂપિયાની નોટનો હિસ્સો 25.81 લાખ કરોડ રૂપિયા હતો. એટલે કે, ભારતનાં બજારમાં ફરતી કુલ રોકડમાં 77 ટકાથી પણ વધારે હિસ્સો 500ની નોટોનો છે. વાસ્તવમાં, RBIએ 2,000ની નોટો પાછી ખેંચવાની યોજના તો ઘણા સમય અગાઉથી બનાવી રાખી હતી અને એટલે જ તેણે 500ની નોટોની સંખ્યામાં સતત વધારો કર્યો છે. આ કારણસર, નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીએ 2022-23માં 500ની નોટોની સંખ્યા 13 ટકા વધી ગઈ હતી.
કુલ 2.25 લાખ નકલી નોટ
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં કુલ 2.25 લાખ નકલી નોટ પકડાઈ હતી. આમાંથી RBIના હાથમાં 4.6 ટકા નોટ આવી હતી જ્યારે બાકીની 95.4 ટકા નોટ બેન્કોએ પકડી પાડી હતી. ચિંતાનું કારણ એ છે કે, ગયા નાણાકીય વર્ષમાં 500ની નકલી નોટો પકડાવાનું પ્રમાણ વાર્ષિક ધોરણે 14 ટકા વધી ગયું છે અને રાહતની વાત એ છે કે 10, 100 અને 2000ની નકલી નોટોની સંખ્યા 11.6 ટકાના દરે ઘટી છે.
500ની નકલી નોટમાં કેટલો વધારો થયો
આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2021માં બેન્કિંગ સિસ્ટમમાં 500ની કુલ 39,453 નકલી નોટ પકડાઈ હતી ત્યારબાદ, 2021-22માં આ આંકડો 79,669એ પહોંચી ગયો હતો અને નાણાકીય વર્ષ 2022-23માં 500ની નકલી નોટોની સંખ્યા વધીને 91,110 થઈ ગઈ હતી. આમ, 500ની નકલી નોટોનું પ્રમાણ વાર્ષિક ધોરણે 14.36 ટકા વધ્યું છે. કુલ 2.25 લાખ નકલી નોટોમાંથી 91,110 નોટો 500 રૂપિયાની હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો