Money9 Gujarati:
Teslaના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ઈલન મસ્ક ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સ્થાપવા માંગે છે અને લોકેશનની જાહેરાત 2023ના અંત સુધીમાં થવાની શક્યતા છે. આ હિલચાલને પગલે ગુજરાતને આશા બંધાઈ છે કે, વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ ભારતમાં પસંદગીનો કળશ ગુજરાત પર ઢોળી શકે છે. મીડિયામાં વહેતા થયેલા અહેવાલ અનુસાર, ગુજરાતના સરકારી અધિકારીઓ ટેસ્લા માટે લાલ જાજમ પાથરવાની તૈયારીમાં લાગી ગયા છે અને કેન્દ્ર સરકાર તરફથી સૂચના મળવાની રાહ જોઈ રહ્યાં છે.
ગુજરાત છે ઓટો કંપનીઓનું હબઃ
ગુજરાત ઓટો કંપનીઓનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાઓ છે, મજબૂત સપ્લાય ચેઈન છે, ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું વિશાળ નેટવર્ક છે, સ્પેર પાર્ટ્સ બનાવતી નાની-નાની કંપનીઓ અને વેન્ડર્સ પણ ગુજરાતમાં વ્યાપક હાજરી ધરાવે છે. આ સિવાય ગુજરાત માટે સૌથી મહત્ત્વનું અને પોઝિટિવ પરિબળ છે, વિશાળ દરિયાકાંઠો. ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાથી કંપનીઓ માટે નિકાસનો માર્ગ મોકળો થઈ જાય છે અને આ કારણસર, ટેસ્લા પણ ગુજરાત પર ‘બ્લુ ટિક’ કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં મારુતિ અને ટાટા જેવી દિગ્ગજ કંપનીઓના પ્લાન્ટ્સ છે. વેદાંતા પણ ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની છે. આમ, ટેસ્લા માટે ગુજરાત એક આદર્શ લોકેશન બની શકે છે, એમ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે.
ભારત માટે છે ગંભીરઃ
અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યૂમાં મસ્કે સ્વીકાર્યું છે કે, તેઓ ટેસ્લાની ફ્યુચર ફેક્ટરી ભારતમાં સ્થાપવા માટે રસ ધરાવે છે. તેઓ 2023ના અંત સુધીમાં નવી ફેક્ટરીનું લોકેશન ફાઈનલ કરી દેવાના છે. વૉલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર થોરોલ્ડ બાર્કરે મસ્કને પૂછ્યું હતું કે, શું તેઓ ભારતમાં ફેક્ટરી સ્થાપવામાં રસ ધરાવે છે? તો મસ્કે કહ્યું હતું કે, “એબ્સોલ્યુટલી”. એટલે કે, મસ્કે સ્વીકાર્યું છે કે, તેમને ભારતમાં રસ છે. તેઓ ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે ગંભીર છે. ટેસ્લા મેક્સિકોમાં પણ ગીગાફેક્ટરી સ્થાપવા માંગે છે, કારણ કે, કંપનીની યોજના વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવાની છે. ભારતમાં લેબર કૉસ્ટ ઓછી છે અને મસ્ક ચીનમાંથી બહાર નીકળવા માંગે છે. એટલે સંભવિત લોકેશન ભારત બની શકે છે. ટેસ્લા ભારતમાં પ્લાન્ટ સ્થાપીને વેચાણ કરવાની તેમજ નિકાસ કરવાની યોજના ધરાવે છે. તાજેતરમાં ટેસ્લાના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ભારતની મુલાકાતે આવી હતી. આ ટીમે સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને મેન્યુફેક્ચરિંગ માટે સ્પેરપાર્ટ્સની સ્થાનિક ખરીદીના નિયમ અંગે ચર્ચા કરી હતી.
મોદીને ફોલો કરે છે મસ્કઃ
ઈલન મસ્ક ટેસ્લાની સાથે સાથે Twitterના પણ હેડ છે. વિશ્વમાં સૌથી વધુ ફોલો થતી વ્યક્તિમાં મસ્કનો સમાવેશ તાય છે અને તેમણે એપ્રિલ 2023થી ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરવાનું શરૂ કર્યું છે. મસ્કના ફોલોઅર્સની સંખ્યા 13.4 કરોડથી પણ વધારે છે, પરંતુ તેઓ માત્ર 195 લોકોને ફોલો કરે છે. આથી, શક્યતા છે કે, મસ્ક મોદીના હોમ સ્ટેટ ગુજરાતને પ્રાથમિકતા આપી શકે છે. આમ તો, ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યો પણ ટેસ્લાને આકર્ષવાના પ્રયાસ કરી રહ્યાં છે. અગાઉ પણ મહારાષ્ટ્ર, હરિયાણા અને તામિલ નાડુની સરકારે ટેસ્લાને આમંત્રણ મોકલ્યા હતા.
રૂપાણીએ કર્યો હતો પ્રયાસઃ
અગાઉ 2021-22માં તે વખતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળ, ગુજરાત સરકારે ટેસ્લા સમક્ષ લાલ જાજમ બિછાવી હતી. ગુજરાતનાં ઉદ્યોગ વિભાગે ટેસ્લાને ચાર આમંત્રણ મોકલ્યા હતા અને કંપનીએ હકારાત્મક પ્રતિક્રિયા પણ આપી હતી. પરંતુ, ટેસ્લાએ ટેક્સના નિયમોમાં મોટી રાહત માંગી હોવાથી તેમજ વધારે ઈન્સેન્ટિવની માંગણી કરી હોવાથી વાત આગળ વધી શકી નહોતી. કેન્દ્ર સરકારે ટેક્સના મોરચે ટેસ્લાની માંગણીઓ ફગાવી હોવાથી ટેસ્લાએ પણ ભારતની યોજના અભરાઈએ ચઢાવી દીધી હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ નવો વળાંક લઈ શકે છે. કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમને લીધે ટેસ્લા ભારતમાં પ્લાન્ટ સ્થાપી શકે છે. આ સ્કીમથી ટેસ્લા પ્રભાવિત થઈ છે. જો કેન્દ્રની મંજૂરી મળશે તો, ગુજરાત સરકાર ફરી ટેસ્લા સાથે વાતચીત કરવાની કવાયત હાથ ધરશે, એમ ગુજરાત સરકારના અધિકારીઓ જણાવે છે.
ગુજરાતના પોર્ટ છે આકર્ષણનું કેન્દ્રઃ
ગુજરાત પાસે બંદરોનું વિશાળ નેટવર્ક છે અને આ નેટવર્ક ટેસ્લા માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે, કારણ કે ટેસ્લા પણ અહીંથી કારની નિકાસ કરવા માંગે છે. ટેસ્લા અત્યારે ચીનમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે અને કંપની ભવિષ્યમાં ચીનમાંથી બહાર નીકળવા માંગે છે. ચીનની બહાર ભારત અથવા તો મેક્સિકોમાં પ્લાન્ટ સ્થાપવાની મસ્કની ઈચ્છા છે, કારણ કે આ બંને દેશમાં લેબલ કોસ્ટ સસ્તી છે. હવે સરકાર તરફથી ટેક્સના નિયમોમાં કેટલી છૂટછાટ અને રાહતો મળે છે તેના પર સમગ્ર રણનીતિનો આધાર છે. ટેસ્લા ઈચ્છે છે કે, તેને ઈમ્પોર્ટ ડ્યૂટીમાં રાહત આપવામાં આવે તેમજ અન્ય કેટલાક આર્થિક લાભ આપવામાં આવે. ગુજરાત સરકારના અધિકારી જણાવે છે કે, ટેસ્લાને રાહત દરે જમીન આપવાની ઑફર કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અને ત્રણથી પાંચ વર્ષ માટે ટેક્સમાં છૂટછાટ આપવાની પણ તૈયારી છે.
સંભવિત ખબરઃ મસ્કનું મન બદલાયુંઃ ટેસ્લાનું ઉત્પાદન ભારતમાં કરવાની ઈચ્છા
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો