Money9 Gujarati:
વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્ક ટૂંક સમયમાં ભારતમાં તેની ઈલેક્ટ્રિક ગાડીઓ વેચશે. મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સનું ઉત્પાદન કરવા માટે તેમજ ઈલેક્ટ્રિક વ્હિકલ્સમાં વપરાતી બેટરીનું ઉત્પાદન કરવા માટે પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત મૂકી છે. તાજેતરમાં એપલે ભારતમાં સ્ટોર ખોલ્યા હતા. ફોક્સકોને પણ ભારતમાં ઉત્પાદન વધાર્યું છે અને હવે ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ યોજનામાં આગળ વધશે, તો ભારત પશ્ચિમી ઉત્પાદકો માટે ચીનનો એક મજબૂત વિકલ્પ બની શકે છે.
અગાઉ પણ મસ્ક અને ભારત સરકાર વચ્ચે વાટાઘાટ થઈ હતી, પરંતુ ટેક્સ વધારે પડતો હોવાથી મસ્કે યોજના માંડી વાળી હતી. ભારતમાં કાર પર 100 ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે અને મસ્કની માંગણી તેને ઘટાડવાની હતી. તેની સામે, સરકારે મસ્કને ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવા જણાવ્યું હતું. ત્યારે તો વાત આગળ વધી નહોતી, પરંતુ હવે લાગે છે કે, મસ્કનું મન બદલાયું છે અને તે ભારતમાં ઈલેક્ટ્રિક ગાડીઓનું ઉત્પાદન કરવા તૈયાર થઈ ગયા છે. હવે જોવનું રહ્યું કે, સરકાર તેને નિયમોમાં કેટલી છૂટ આપે છે.
મીડિયાના અહેવાલ પ્રમાણે, ટેસ્લાએ ફરી એકવાર ભારતમાં તેની ફેક્ટરી સ્થાપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટેસ્લાએ અગાઉ પણ ભારત આવવાનું વિચાર્યું હતું, પરંતુ ત્યારબાદ કંપની અને ભારત સરકાર વચ્ચે વાતચીત થઈ શકી ન હતી. કંપનીએ તેના શોરૂમ ખોલવા માટે જે લીઝ સોદા કર્યા હતા તે પણ રદ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે આશા દેખાઈ રહી છે. ટેસ્લાના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ભારતની મુલાકાતે આવી છે. તેઓ સરકારના અધિકારીઓને મળ્યાં છે. આ દરમિયાન મેન્યુફેક્ચરિંગ માટે સ્પેરપાર્ટ્સની સ્થાનિક ખરીદીના નિયમ અંગે ચર્ચા થવાની સંભાવના છે.
તાજેતરમાં એપલે પણ ભારતમાં તેના સ્ટોર ખોલ્યા છે, જેથી વૈશ્વિક કંપનીઓને ભારત પ્રત્યે વિશ્લાસ વધ્યો છે. જો વૈશ્વિક કંપનીઓ ભારતમાં ઉત્પાદન અને વેચાણ વધારશે, તો ચીનને મોટો ફટકો પહોંચી શકે છે. આમ, પણ અમેરિકા અને યુરોપની કંપનીઓ ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે અન્ય વિકલ્પ તરફ નજર દોડાવી રહી છે, જેમાં ભારત એક આશાનું કિરણ છે. ભારત ઉત્પાદન માટે ચીનનો સારો વિકલ્પ બની શકે છે. એપલની ભારતમાં એન્ટ્રી પહેલા કંપનીના સીઈઓ ટિમ કુકે ભારત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે, આ વખતે ભારત સરકાર સાથે વાતચીતમાં ટેસ્લાના અધિકારીઓ આયાત ડ્યૂટી ઘટાડવાનો મુદ્દો નહીં છંછેડે. તેમની ચર્ચાનું કેન્દ્ર ભારતમાં નવો પ્લાન્ટ સ્થાપવા પર છે. ટેસ્લાના અધિકારીઓએ વડા પ્રધાન કાર્યાલયના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે.
અગાઉ જ્યારે ટેસ્લાએ ભારત આવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સરકાર તરફથી એવી માંગણી કરવામાં આવી હતી કે તેને થોડા સમય માટે આયાત જકાતમાંથી મુક્તિ આપીને ભારતમાં તેની કાર વેચવાની સુવિધા આપવામાં આવે. આ પછી તે ભારતમાં પોતાની ફેક્ટરી સ્થાપશે. જો કે ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ચીનમાં બનેલી કારને ભારતમાં વેચવા દેવામાં આવશે નહીં.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો