અમદાવાદઃ
સરકારી કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ને ‘નવરત્ન’નું બિરુદ મળી ગયું છે. આ સમાચારને પગલે મંગળવારે (2-5-2023) તેના શેરમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર તેનો શેર સવારના ટ્રેડિંગ દરમિયાન, 9 ટકા વધીને રૂ.117.50ના સ્તરે પહોંચી ગયો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ પણ તે 10 ટકા વધીને રૂ.118.30ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આ સ્તર તેનું 52-સપ્તતાહનું સૌથી ઊંચું સ્તર છે.
RVNLના શેરમાં મજબૂત વળતરઃ RVNLનો શેર છેલ્લાં ઘણા સમયથી તેજીના પાટે દોડી રહ્યો છે. એક પછી એક મોટા ઓર્ડર્સ મળવાથી અને સરકારે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી ખર્ચ કરવાની યોજના બનાવી હોવાથી તેના શેરમાં જબરજસ્ત ઉછાળો નોંધાયો છે. છેલ્લાં 1 વર્ષમાં RVNLએ રોકાણકારોને 248.7 ટકા વળતર આપ્યું છે. પાંચ વર્ષમાં આ શેર 492.66 ટકા વધ્યો છે. સરકારે બજેટમાં રેલવે માટે કરેલી જાહેરાતથી અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધી રહેલા મૂડીરોકાણને કારણે કંપનીની આવકમાં વધારો થવાનો અંદાજ છે. GCL બ્રોકિંગના CEO રવિ સિંઘલ જણાવે છે કે, “રૂ.77ની ઉપર બ્રેકઆઉટ આપ્યા બાદ, RVNLનો શેર ટેકનીકલી મજબૂત સ્થિતિમાં પહોંચી ગયો છે. હવે આગામી છ મહિનામાં આ શેર રૂ.188 સુધી જઈ શકે છે. સ્ટોપ લોસ રૂ.75 રાખવો.”
નવરત્ન કંપની એટલે શું? ભારત સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની કંપનીને નવરત્ન બિરુદ આપવામાં આવે છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસ (CPSE)ને આ બિરુદ મળે એટલે તેની આર્થિક સ્વાયત્તા (financial autonomy) વધી જાય છે અને અમુક લેવલના કામકાજ કરવા માટે તેમજ દેવું કરવા માટે તેણે સરકાર પાસેથી મંજૂરી મેળવવાની જરૂર રહેતી નથી. આ કંપનીઓ સરકારી મંજૂરી વગર પણ રૂ.1,000 કરોડ સુધીનું રોકાણ કરવાની છૂટ ધરાવે છે.
RVNLને મળ્યો પ્રોજેક્ટઃ રેલવે મંત્રાલય હેઠળ આવતી આ કંપની રેલવે સંબંધિત બાંધકામ કરે છે. RVNLએ જણાવ્યું છે કે, નોર્થ-સેન્ટ્રલ રેલવેના જાંસી ડિવિઝનના જાંસી-ગ્વાલિયર સેક્શનમાં ટ્રેક સર્કિટિંગ અને અન્ય સંબંધિત કામકાજ કરવા માટે E-1 આધારિત ઓટોમેટિક સિગ્નલિંગનો પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ 18 મહિનામાં પૂરો કરવાનો રહેશે. કંપનીના અંદાજ મુજબ, તેની ઓર્ડર બૂક રૂ.55,000થી 60,000 કરોડની થઈ જશે. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં RVNLનો હિસ્સો 30 ટકાથી 35 ટકા છે. ગયા સપ્તાહે, કંપનીએ નોર્થ-સેન્ટ્રલ રેલવેઝ તરફથી રૂ.121 કરોડનો પ્રોજેક્ટ જીતી ગઈ હોવાની જાહેરાત કરી હતી અને ત્યારે પણ તેનો શેર વધ્યો હતો. આમ તો, RVNLના શેરમાં 20 એપ્રિલથી તેજી શરૂ થઈ હતી અને શેરનો ભાવ 52-વીકની હાઈ સપાટીએ પણ પહોંચી ગયો હતો. જોકે, 27 એપ્રિલે પ્રોફિટ બૂકિંગને પગલે તેજી અટકી હતી. પરંતુ 28 એપ્રિલે ફરી તેજીનું એન્જિન ધમધમી ઉઠ્યું હતું.
ગુજરાત મેટ્રો બની તેજીનું કારણઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી Siemens અને રેલ વિકાસ નિગમના કન્સોર્ટિયમને એક મોટો ઓર્ડર મળ્યો છે. આ કારણથી RVNLના શેરમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. સુરત મેટ્રોના ફર્સ્ટ ફેઝ અને અને અમદાવાદ મેટ્રોના સેકન્ડ ફેઝનો કોન્ટ્રાક્ટ બન્ને કંપનીઓના કંસોર્ટિયમને આપવામાં આવ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
સંબંધિત સમાચારઃ https://gujarati.money9.com/trending/rvnl-jumps-8-on-rs-121-crore-order-win-11966.html
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો