અમદાવાદઃ
છેલ્લાં કેટલાક દિવસોથી તેજીના પાટે ચઢેલી રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ની ગાડીએ ફરી ઝડપ પકડી છે. એક દિવસ અગાઉ પ્રોફિટ બૂકિંગને પગલે ઘટેલો RVNLનો શેર 28 એપ્રિલે સવારે બજાર ખુલતાની સાથે જ 8 ટકા ઉછળી ગયો હતો. કંપનીએ નોર્થ-સેન્ટ્રલ રેલવેઝ તરફથી રૂ.121 કરોડનો પ્રોજેક્ટ જીતી ગઈ હોવાની જાહેરાત કરતાં તેના શેરમાં ઉછાળો આવ્યો હતો. ભારત સરકારની કંપની RVNLના શેરમાં 20 એપ્રિલથી તેજી શરૂ થઈ હતી અને શેરનો ભાવ 52-વીકની હાઈ સપાટીએ પણ પહોંચી ગયો હતો. જોકે, 27 એપ્રિલે પ્રોફિટ બૂકિંગને પગલે તેજી અટકી હતી. પરંતુ 28 એપ્રિલે ફરી તેજીનું એન્જિન ધમધમી ઉઠ્યું હતું.
RVNLને મળ્યો પ્રોજેક્ટઃ રેલવે મંત્રાલય હેઠળ આવતી આ કંપની રેલવે સંબંધિત બાંધકામ કરે છે. RVNLએ જણાવ્યું છે કે, નોર્થ-સેન્ટ્રલ રેલવેના જાંસી ડિવિઝનના જાંસી-ગ્વાલિયર સેક્શનમાં ટ્રેક સર્કિટિંગ અને અન્ય સંબંધિત કામકાજ કરવા માટે E-1 આધારિત ઓટોમેટિક સિગ્નલિંગનો પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ 18 મહિનામાં પૂરો કરવાનો રહેશે. કંપનીના અંદાજ મુજબ, તેની ઓર્ડર બૂક રૂ.55,000થી 60,000 કરોડની થઈ જશે. રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં RVNLનો હિસ્સો 30 ટકાથી 35 ટકા છે.
શેરમાં તેજીઃ 28 એપ્રિલે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર RVNLનો શેર રૂ.111ની હાઈ સપાટીએ પહોંચી ગયો હતો અને બપોરે 2 વાગ્યે 6 ટકા વધીને રૂ.109ના સ્તરે ટ્રેડ થતો હતો. 26 એપ્રિલે તેણે રૂ.114.62ની 52-વીકની હાઈ સપાટી બનાવી હતી. એક પછી એક મોટા ઓર્ડર મળવાથી તેના શેરમાં તેજીનો તખ્તો ગોઠવાયો છે. આ ઉપરાંત, સરકારે કંપનીને નવરત્નનું બિરુદ આપવાની પણ મંજૂરી આપી છે.
એક્સપર્ટ વ્યૂઃ માર્કેટ એક્સપર્ટ જણાવે છે કે, આગામી છ મહિનામાં રેલ વિકાસ નિગમનો શેર રૂ.175ની ઉપર જઈ શકે છે. પરંતુ સ્ટોપ લોસ રૂ.75નો રાખવો જરૂરી છે. ટેકનીકલી તેણે રૂ.77નું લેવલ તોડી નાખ્યું છે. સરકારે બજેટમાં રેલવે માટે કરેલી જાહેરાતથી અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધી રહેલા મૂડીરોકાણને કારણે કંપનીની આવકમાં વધારો થવાનો અંદાજ છે.
ગુજરાત મેટ્રો બની તેજીનું કારણઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી Siemens અને રેલ વિકાસ નિગમના કન્સોર્ટિયમને એક મોટો ઓર્ડર મળ્યો છે. આ કારણથી RVNLના શેરમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. સુરત મેટ્રોના ફર્સ્ટ ફેઝ અને અને અમદાવાદ મેટ્રોના સેકન્ડ ફેઝનો કોન્ટ્રાક્ટ બન્ને કંપનીઓના કંસોર્ટિયમને આપવામાં આવ્યો છે. 20 એપ્રિલ 2023ના રોજ RVNLનો ભાવ રૂ.77.24 હતો, પછી 21 એપ્રિલે રૂ.77.53 થયો. 24 એપ્રિલે જંગી ઉછાળો આવ્યો અને શેરની કિંમત રૂ.87.80 થઈ ગઈ. 25 એપ્રિલે ફરી અપર સર્કિટ વાગી અને ભાવ દિવસના ટ્રેડિંગ દરમિયાન 10 ટકા વધીને રૂ.114.70ની સપાટીએ પહોંચી ગયો. 26 એપ્રિલે આ શેરમાં 52 સપ્તાહની ટોચ બની હતી. આમ, છેલ્લાં પાંચ ટ્રેડિંગ સત્રમાં તેના શેરમાં 54 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, 27 એપ્રિલે તેમાં પ્રોફિટ બૂકિંગ થયું અને ભાવ 100 રૂપિયાની નજીક જતો રહ્યો. છેલ્લાં 1 વર્ષમાં RVNLનો શેર 200 ટકા વધ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો