Money9 Gujarati:
IPLની મેચો ફ્રીમાં બતાવીને જિયોસિનેમા (JioCinema)એ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની જિયોસિનેમાએ IPLની ફાઈનલ મેચના દિવસે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. IPL 2023ની ફાઈનલ મેચમાં છેક છેલ્લા બોલ સુધી રસાકસી જામી હતી. થ્રિલર જેવો માહોલ હતો અને તેનો ભરપૂર ફાયદો જિયોસિનેમા લઈ ગઈ છે. અંબાણીએ પોતાના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર એકસાથે કરોડો દર્શકોને ખેંચવામાં સફળતા મેળવી છે. અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ભલે હારી ગઈ હોય, પરંતુ અંબાણીએ આ ગેમ દ્વારા કરોડો દર્શકોને જીતવામાં સફળતા મેળવી છે.
3.2 કરોડ દર્શક મેળવ્યા
IPLની ફાઈનલ મેચ ભારે રસાકસી ભરી હતી. વરસાદને કારણે વિલંબમાં મૂકાયેલી આ મેચને મફતમાં જોનારા દર્શકોની સંખ્યા 3.2 કરોડ થઈ ગઈ હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. વાયાકોમ18ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, IPLની ફાઈનલ મેચને 3.2 કરોડ કોન્કરન્ટ વ્યૂઅર્સ મળ્યાં હતા. વરસાદને કારણે વિલંબ થવાથી ઘણા દર્શકોએ સ્ટ્રીમિંગ બંધ કરી દીધું હતું. મોડી રાત થવાથી ઘણા દર્શકો ઊંઘી ગયા હતા, નહીંતર દર્શકોની સંખ્યાનો આંકડો 4 કરોડને પાર થઈ ગયો હોત. અગાઉ જુલાઈ 2019માં હોટસ્ટારે 2.5 કરોડ કોન્કરન્ટ વ્યૂઅર્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, અને ત્યારથી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નહોતું. પરંતુ જિયોસિનેમાએ 2023ની IPLમાં 3.2 કરોડ વ્યૂઅર્સ સાથે આ રેકોર્ડ પર પોતાનું નામ નોંધાવી દીધું છે. કોન્કરન્ટ વ્યૂઅર્સ એટલે એક જ સમયે એક સાથે નોંધાયેલા દર્શકોની સંખ્યા.
પહેલાં મફત હવે ચાર્જ
મફતમાં મેચ બતાવવાની અંબાણીની સ્ટ્રેટેજી કામ કરી ગઈ છે અને હવે પેઈડ સર્વિસ દ્વારા કમાણી કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. IPLના ડિજિટલ રાઈટ્સ ખરીદવા માટે ડિઝની સામે 3 અબજ ડૉલરની બિડ કરીને અંબાણીએ બાજી મારી હતી. અંબાણી પાસે છેક 2027 સુધીના ડિજિટલ રાઈટ્સ છે અને તે આં પાંચ વર્ષમાં તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માંગે છે. IPLની ફાઈનલ કદાચ ધોનીની છેલ્લી મેચ હોવાની અફવાને કારણે પણ તેને જોનારા દર્શકોની સંખ્યા વધી ગઈ હતી.
હવે જોવાનું એ રહ્યું કે, જિયોસિનેમા આ સફળતાને કેટલી આગળ વધારે છે. અંબાણીની મહત્વાકાંક્ષા વૈશ્વિક મીડિયા જાયન્ટ બનવાની છે અને તેના માટે HBO તથા વોર્નર બ્રધર્સ સાથે હાથ પણ મિલાવ્યા છે. જિયોસિનેમાએ નવા પેઈડ પ્લાન લૉન્ચ કર્યા છે અને દર્શકોને હોલિવૂડનો કન્ટેન્ટ પીરસીને આકર્ષવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. ગયા મહિને જિયોસિનેમાએ 999 રૂપિયાના સબ્સક્રિપ્શન પ્લાન લૉન્ચ કર્યા હતા અને હવે વિવિધ પ્રકારનાં નવા પ્લાન્સ પણ લૉન્ચ કરી શકે છે.
Concurrent Views અને Total Views વચ્ચેનો તફાવત
પ્રત્યેક સેકન્ડે કેટલા દર્શકો સ્ક્રીન પર આવી રહેલો કન્ટેન્ટ જોઈ રહ્યાં છે તેને દર્શાવતો આંકડો એટલે કોન્કરન્ટ વ્યૂઝ. દર્શકો કન્ટેન્ટ જોવા માટે સ્ક્રીન પર આવતા અને જતા રહે છે અને તેની સાથે જ આ આંકડો પણ ઉપર નીચે થતો રહે છે. પ્રસારણ શરૂ થાય ત્યારથી કેટલા દર્શકોએ તેને જોયું તે દર્શાવતો આંકડો એટલે ટોટલ વ્યૂઝ. જો તમે સ્ક્રીન બંધ કરીને જતા રહો અને ફરી ચાલુ કરો તો આ સંખ્યા શૂન્ય થઈ જશે. તમે બ્રોડકાસ્ટિંગ બંધ કર્યાંના બે મિનિટ પછી ફરીથી કનેક્ટ થશો તો, કુલ સંખ્યા જેમની તેમ રહેશે. આ સંખ્યા સંચિત હોવાથી, તમે ક્યારેય વ્યૂમાં ઘટાડો નહીં જોઈ શકો. આ સંખ્યા યુનિક વ્યૂઅર્સ દર્શાવતી નથી. ધારો કે, તમે થોડાક સમય માટે સ્ક્રીન પર કન્ટેન્ટ જુઓ છો, પછી જતા રહો છો અને ફરી પાછા આવીને કન્ટેન્ટ જુઓ છો, તો ટોટલ વ્યૂઅર્સની સંખ્યામાં તમારી ગણતરી બે વાર કરવામાં આવશે.
સંબંધિત સમાચારઃ ધોનીની CSK અનલિસ્ટેડ માર્કેટમાં પણ ચેમ્પિયન છે
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો