Vijay Parmar:
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલમાં પ્રવેશ મેળવીને ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) રેકોર્ડ બનાવ્યો છે. મહેન્દ્ર સિંઘ ધોનીની આ ટીમ 10મી વખત ફાઈનલમાં પ્રવેશનારી પહેલી ટીમ બની છે અને CSKના તેના ચાહકોની સાથે સાથે રોકાણકારો પણ ઉત્સાહમાં આવી ગયા છે. CSKના અનલિસ્ટેડ શેર્સ છેલ્લાં એક વર્ષની આળસ મરડીને ફરી રોકેટગતિની રફ્તાર પકડે તેવી શક્યતા છે. છેલ્લાં એકાદ વર્ષથી CSKના અનલિસ્ટેડ શેર્સમાં સુસ્તી છે, પરંતુ હવે તેના શેર્સની ડિમાન્ડ વધી છે. જો ધોની તેની સંભવતઃ અંતિમ IPL જીતી જશે તો શક્યતા છે કે, CSKના શેર ફરી 2021-22 જેવી તેજી હાંસલ કરશે.
અનલિસ્ટેડ માર્કેટના ડીલર્સ શું કહે છે?
અનલિસ્ટેડ માર્કેટના ડીલર્સ જણાવે છે કે, CSKનો અનલિસ્ટેડ શેર રૂ.165ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ફાઈનલ પ્રવેશની સાથે તેના શેરની ડિમાન્ડ વધી છે. વોલ્યુમ ઉપર ગયું છે. 2022ના ફેબ્રુઆરીમાં CSKના અનલિસ્ટેડ શેર્સે રૂ.215ની ઓલ-ટાઈમ હાઈ બનાવી હતી, પરંતુ ત્યારથી શેરમાં ઘટાડો નોંધાયો છે.
અનલિસ્ટેડ શેર્સના કામકાજ સાથે સંકળાયેલી કંપની unlistedarena.comના ફાઉન્ડર અભય દોશી જણાવે છે કે, “અનલિસ્ટેડ માર્કેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોકાણકારોને જબરજસ્ત વળતર આપ્યું છે, પરંતુ છેલ્લાં એકાદ વર્ષથી આ માર્કેટ કોન્સોલિડેશન ઝોનમાં હોવાથી CSKનું કાઉન્ટર પણ પ્રેશરમાં છે. અત્યારે રૂ.165ના સ્તરે ઉપલબ્ધ CSKના શેર વાજબી લેવલ દર્શાવી રહ્યાં છે.” દોશીના જણાવ્યા પ્રમાણે, IPLમાં CSKની આગેકૂચની સાથે સાથે તેના શેરની ડિમાન્ડ વધી છે, પરંતુ વોલ્યુમનો ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે.
બ્રાન્ડ વેલ્યુ, રેવન્યુ વધશેઃ
વધુ એક IPL ટાઈટલ મળશે તો, CSKની રેવન્યુ અને બ્રાન્ડ વેલ્યુમાં વધારો થશે. મીડિયા રિપોર્ટ્સ અને IPL ફ્રેન્ચાઈઝી માલિકોના અંદાજ પ્રમાણે, ચેન્નાઈ સુપર કિંગ્સને વિવિધ રાઈટ્સના વેચાણથી થતી આવક રૂ.450 કરોડને પાર થઈ શકે છે જ્યારે સ્પોન્સરશિપ આવક રૂ.100 કરોડની નજીક પહોંચી શકે છે. દોશી જણાવે છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ માત્ર IPLની ટીમ નથી, પરંતુ ગ્લોબલ ક્રિકેટ પાવરહાઉસ છે. તેણે તાજેતરમાં સાઉથ આફ્રિકા T20 લીગ ખરીદી હતી અને તે 2030 સુધીમાં વિશ્વની અગ્રણી T20 ફ્રેન્ચાઈઝી બનવા માંગે છે.
અકલ્પનીય તેજીઃ
CSKના અનલિસ્ટેડ શેર 2018માં રૂ.15થી રૂ.17માં મળતા હતા. પછી ધીમે ધીમે તે વધીને 2020માં રૂ.70ની ઉપર પહોંચી ગયા હતા. ત્યારબાદ, 2021માં તેમાં રોકેટગતિ જેવી તેજી આવી હતી અને ભાવ રૂ.200ને પાર થઈ ગયા હતા. CSKના અનલિસ્ટેડ શેર્સમાં શરૂઆતથી ઓલ-ટાઈમ હાઈ લેવલ સુધીની સફરમાં 1,300 ટકાથી પણ વધુ વળતર મળ્યું છે. અત્યારે CSKના શેર્સ માટે બુલિશ ટ્રેન્ડ છે. દિલ્હી-NCR સ્થિત Unlistedzoneના ડિરેક્ટર દિનેશ ગુપ્તા જણાવે છે કે, હાલમાં જ રૂ.167ના ભાવે CSKના શેરમાં સોદો કર્યો છે.
વાજબી વેલ્યુએશનઃ
રૂ.165ના ભાવે ગણીએ તો, CSKના અનલિસ્ટેડ શેર્સનું વેલ્યુએશન રૂ.5,200 કરોડની આસપાસ છે. તેની સામે નવી ટીમના વેલ્યુએશન ઘણા ઊંચા છે. જેમકે, ગુજરાત ટાઈટન્સે એક પણ મેચ જીતી નથી, છતાં માત્ર હરાજીના આધારે તેનું વેલ્યુએશન રૂ.5,500 કરોડથી વધારે જ્યારે લખનૌ ટીમનું વેલ્યુએશન રૂ.7,000 કરોડની આસપાસ છે. એટલે, ચેન્નાઈ સુપર કિંગ્સનું વેલ્યુએશન ઉપર જવાની પૂરેપૂરી શક્યતા અનલિસ્ટેડ માર્કેટના ડીલર વ્યક્ત કરી રહ્યાં છે.
CSKમાં દામાણી અને LICનો હિસ્સોઃ
CSKમાં પીઢ રોકાણકારનો પણ હિસ્સો છે. ડીમાર્ટના રાધાકિશન દામાણી, જેને સ્વ. રાકેશ જુનજુનવાલા પોતાના ગુરુ માનતા હતા, તેમની પાસે 2.39 ટકા હિસ્સો છે. મહાકાય સરકારી વીમા કંપની LIC પાસે પણ ચેન્નાઈ સુપર કિંગ્સનો 6.04 ટકા હિસ્સો છે. સૌથી વધુ 30 ટકા હિસ્સો ટ્રસ્ટીઝ, ઈન્ડિયા સિમેન્ટ્સ શેરહોલ્ડર્સ ટ્રસ્ટ પાસે છે.
અનલિસ્ટેડ માર્કેટમાં કોવિડ પછી જબરજસ્ત તેજી જોવા મળી હતી અને ખાસ તો, પેટીએમ જેવા પ્રિ-IPO શેર્સમાં અનેક ગણું વળતર મળ્યું હતું. પરંતુ છેલ્લાં એકાદ વર્ષથી આ માર્કેટમાં કોન્સોલિડેશન ચાલી રહ્યું છે. અનલિસ્ટેડ માર્કેટના ડીલર્સ જણાવે છે કે, સ્ટાર્ટઅપ્સના અનલિસ્ટેડ શેર્સની ડિમાન્ડ ઘટી છે, પરંતુ CSK ક્રિકેટ ટીમની હોલ્ડિંગ કંપની ચેન્નાઈ સુપર કિંગ્સ, હીરો ફિનકોર્પ, NSE ઈન્ડિયા અને ટાટા ટેકનોલોજિસ જેવી legacy કંપનીઓના શેર્સની ડિમાન્ડ પર અસર પડી નથી. આ માર્કેટ ઘણું પરિપક્વ થયું છે અને બ્રોડર માર્કેટ અનુસાર મૂવમેન્ટ કરી રહ્યું છે, એટલે કે, આ માર્કેટમાં પારદર્શકતા વધી છે. અનલિસ્ટેડ માર્કેટના ડીલર્સ કહે છે કે, જો IPLની ફાઈનલનું ટાઈટલ ધોનીની ટીમને મળશે, તો તેનો અનલિસ્ટેડ શેર ઓલ-ટાઈમ હાઈ તરફ આગેકૂચ કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો