Money9 Gujarati:
ભારતની સૌથી મોટી વામા કંપની, લાઈફ ઈન્સ્યૉરન્સ કૉર્પોરેશન (LIC)એ 17 મે, 2022ના રોજ શેરબજારમાં પ્રવેશ કર્યો ત્યારથી રોકાણકારોને નિરાશ કર્યા છે. શેરમાં સતત નવા તળિયા બન્યા છે, પરંતુ બરાબર એક વર્ષ પછી શેરમાં તેજી શરૂ થઈ છે. 19 મે-2023થી LICનો શેર 7 ટકા વધ્યો છે જ્યારે એક મહિનામાં 10 ટકા વધ્યો છે. કંપનીએ માર્ચ-2023 ક્વાર્ટર માટે સારા પરિણામ જાહેર કરીને ભરોસો ખોઈ બેઠેલા રોકાણકારોને આશાનું કિરણ દેખાડ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, શું LICના શેરમાં શરૂ થયેલી આ તેજી જાજો સમય ટકશે ખરી?
રિઝલ્ટ બાદ શેર વધ્યો
LICએ જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટર માટે અપેક્ષા કરતાં ઘણા સારા પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ 25 મે, 2023ના રોજ પરિણામ જાહેર કર્યા બાદ તેના શેરમાં 4 ટકાનો ઉછાળો આવ્યો હતો અને દિવસના અંતે LICનો શેર 1.65 ટકા વધીને રૂ.603.55એ બંધ રહ્યો હતો. LICએ માર્ચ-2023 ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 466 ટકાનો વધારો નોંધાવીને રોકાણકારોને અને વીમાધારકોને ખુશ કરી દીધા છે. તેનો ચોખ્ખો નફો રૂ.13,428 કરોડ થયો છે. જોકે, કંપનીની નેટ પ્રીમિયમ ઈનકમ ગયા વર્ષના રૂ.1.43 લાખ કરોડથી 8.4 ટકા ઘટીને રૂ.1.31 લાખ કરોડ થઈ છે. સમગ્ર નાણાકીય વર્ષ 2023ની વાત કરીએ તો, LICનો નફો 10 ટકા ઘટીને રૂ.36,397 કરોડ થયો છે.
રોકાણકારોને શું મળ્યું?
કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામ તો જાહેર કર્યાં છે, પરંતુ રોકાણકારોને તેનો લાભ મળ્યો નથી, કારણ કે, કંપનીએ શેર દીઠ માત્ર 3 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. LICએ માર્ચ-2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે શેર દીઠ 3 રૂપિયા ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. LICની વાર્ષિક સાધારણ સભા 22 ઓગસ્ટે મળશે અને તેમાં ડિવિડન્ડ માટે શેરધારકો પાસે મંજૂરી માંગવામાં આવશે. જે રોકાણકારોએ ગયા વર્ષે IPOમાં પૈસા રોક્યા હતા અને રૂ.949ના ભાવે શેર ખરીદ્યા હતા, તે હજુ પણ 36 ટકા નુકસાન વેઠી રહ્યાં છે.
શું રોકાણકારોને ફાયદો થશે?
આ મુખ્ય સવાલ છે. જે રોકાણકારો IPO વખથી કે ઊંચા ભાવે શેર ખરીદીને બેઠાં છે તે ફરી 900ની ઉપરનો ભાવ ક્યારે મળશે તે વિચારી રહ્યાં છે. કેટલાક રોકાણકારો અત્યારે LICમાં રોકાણ કરવા માંગે છે અને તેમને પણ આ જ સવાલ સતાવી રહ્યો છે કે, શું તેમાં તેજી ટકશે ખરી?
આ સવાલનો જવાબ આપતા જિયોજિત ફાયનાન્સિયલના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ ગૌરાંગ શાહ કહે છે કે, ભારતમાં જીવનવીમો ઉતરાવ્યો હોય તેવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. ભારતમાં વસવાટ કરતા લોકોની સંખ્યા 140 કરોડ છે જ્યારે વીમો લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. એક વિશાળ વર્ગ સુધી વીમો પહોંચ્યો નથી, એટલે વીમાના બજારમાં અપાર તક છે અને વૃદ્ધિ માટે ઘણો અવકાશ છે. એટલે, રોકાણકારોએ બહુ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને LICમાં રોકાણ કરવું જોઈએ. પ્રીમિયમની ઈનકમ વધતી જશે તેનાથી પણ LICને ફાયદો થતો જશે. નવા રોકાણકારોએ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને જ LICના શેર ખરીદવા જોઈએ.
એક્સપર્ટનો મતઃ
Religare Brokingના ફંડામેન્ટલ એનાલિસ્ટ અક્ષય તિવારી કહે છે કે, “જીવન વીમા માર્કેટ અંગે અમે આશાવાદી છીએ. જો રોકાણકારો આ માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો, તેમણે LICમાં લાંબા ગાળા માટે, લગભગ 9-12 મહિના માટે રોકાણ કરવું જોઈએ. LICનો શેર 0.7x P/EV (Embedded Value)ના આકર્ષક વેલ્યુએશન પર મળી રહ્યો છે અને અમે તેના માટે રૂ.646નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે.”
Axis Securitiesના SVP (Technical and Derivatives) રાજેશ પાલવિયા કહે છે કે, “શેરબજારમાં LICનું લિસ્ટિંગ થયું ત્યારથી તેનો ભાવ ઘટ્યો છે. તેણે ઘણી વખત લોઅર ટોપ અને બોટમ બનાવી છે. જોકે, ઓક્ટોબર-2022થી શેરની કિંમત લોઅર લેવલે બની રહી હોવા છતાં તેનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (RSI) વધી રહ્યો છે, જે ઓલ-ટાઈમ લો લેવલ્સની આસપાસ સ્ટ્રેન્થ વધી રહી હોવાના સંકેત આપે છે.”
તેઓ ઉમેરે છે કે, “સારા વોલ્યુમના જોરે છેલ્લાં થોડા દિવસમાં LICના શેરમાં જે વધારો થયો છે, તેનાથી એક વાત સ્પષ્ટ થઈ છે કે, રોકાણકારોએ પાર્ટિસિપેશન વધાર્યું છે. શોર્ટ-ટર્મ ચાર્ટ્સ પર 20 દિવસ અને 50 દિવસની શોર્ટ-ટર્મ મૂવિંગ એવરેજને બુલિશ ટ્રેન્ડનો પોઝિટિવ ક્રોસઓવર સપોર્ટ છે. અમે રોકાણકારોને LICના શેર ધીમે ધીમે ખરીદવાની સલાહ આપીએ છીએ અને રૂ.565નો સ્ટોપ લોસ નક્કી કર્યો છે. જો શેર વધશે તો આગામી મહિનામાં તે રૂ.665-720ના લેવલ્સ તરફ આગળ વધી શકે છે.”
સંબંધિત સમાચારઃ LICના લિસ્ટિંગને થયું 1 વર્ષઃ રોકાણકારોએ કેટલા ગુમાવ્યા? શું હવે LICનો શેર ખરીદાય?
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો