Money9 Gujarati:
ભારતની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (LIC)નું શેરબજારમાં લિસ્ટિંગ થયું, તેને 1 વર્ષ પૂર્ણ થયું છે અને આ એક વર્ષમાં LICના રોકાણકારોએ રૂ. 2.5 લાખ કરોડ ગુમાવ્યા છે. દેશનાં સૌથી મોટા IPO તરીકે ગયા વર્ષે LICએ ભારે ચર્ચા જગાવી હતી. રૂ.21,000 કરોડના IPO માટે રોકાણકારો પડાપડી કરતા હતા. કંપનીએ રૂ.949ના ભાવે શેર ઓફર કર્યા હતા. જેની સામે 17 મે, 2022ના રોજ તેનું લિસ્ટિંગ 8.62 ટકા ડિસ્કાઉન્ટમાં રૂ.867.20ના ભાવે થયું હતું. ત્યારથી LICના રોકાણકારોએ આ ભાવ જોયો નથી. જે ભાવે લિસ્ટિંગ થયું હતું તેના કરતાં અત્યારે ભાવ 35 ટકા નીચે છે અને IPOમાં ઑફર થયેલા રૂ.949ના અપર બેન્ડ કરતાં 40 ટકા નીચે છે. 17 મે, 2022એ LICનો શેર રૂ.875એ બંધ રહ્યો હતો, જ્યારે 17-મે, બુધવારના રોજ તેનો ભાવ રૂ.569 થઈ ગયો છે.
ગામેગામ ખુલ્યા હતા ડિમેટ ખાતાઃ છેલ્લાં 1 વર્ષમાં સેન્સેક્સ 13.3 ટકા જ્યારે નિફ્ટી50 ઈન્ડેક્સ 11.8 ટકા વધ્યો છે, જેની સામે LICના શેર્સમાં 35 ટકાનો ઘટાડો થયો છે. LICના આઈપીઓને લઈને રોકાણકારોમાં, પૉલિસીધારકોમાં અને શેરબજારના ટ્રેડર્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેનો ઈશ્યૂ 3 ગણો ભરાયો હતો. આઈપીઓ અગાઉ ઘણા લોકોએ ડિમેટ ખાતા ખોલાવી દીધા હતા. ગામેગામ LICના એજન્ટો આઈપીઓ ભરવાની અને પૈસા કમાવવાની લાલચ આપતા નજરે ચઢતાં હતા, પરંતુ LICના રોકાણકારોનું કમાઈ લેવાનું સપનું 1 વર્ષ બાદ પણ પૂરું થયું નથી.
માર્કેટ-કેપ ધોવાઈ ગઈઃ LICના લિસ્ટિંગ વખતે તેનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.5.48 લાખ કરોડ હતું અને તે ભારતની પાંચમા ક્રમની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ હતી. જોકે, અત્યારે તેની માર્કેટ વેલ્યુ રૂ. 3.58 લાખ કરોડ છે અને તે માર્કેટ વેલ્યુની યાદીમાં પાંચમા ક્રમથી સરકીને 13મા ક્રમે પહોંચી ગઈ છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ, FIIએ હોલ્ડિંગ ઘટાડ્યું LICમાં રોકાણ ધરાવતા મોટા ગજાના રોકાણકારો આ કાઉન્ટરથી છેડો ફાડી રહ્યાં છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને FII બંનેએ LICમાં હિસ્સો ઘટાડ્યો છે. જાન્યુઆરી-2022માં મ્યુચ્યુઅલ ફંડ્સનો હિસ્સો 0.74 ટકા હતો, જે ડિસેમ્બરમાં ઘટીને 0.66 ટકા અને માર્ચ-2023માં 0.63 ટકા થયો હતો. FIIનું હોલ્ડિંગ પણ 0.12 ટકાથી ઘટીને 0.08 ટકા થઈ ગયો છે.
રિટેલ ઈન્વેસ્ટર્સ પણ ઘટ્યાઃ LICમાં રૂ.2 લાખથી ઓછું રોકાણ ધરાવતા હોય તેવા રિટેલ રોકાણકારો પણ ઓછા થયા છે. LICના IPO વખતે તેના રિટેલ ઈન્વેસ્ટર્સની સંખ્યા 39.89 લાખ હતી, જે ઘટીને 33 લાખ થઈ છે, એટલે કે, 1 વર્ષમાં 6.87 લાખ ઈન્વેસ્ટર્સ ઘટી ગયા છે. રિટેલ ઈન્વેસ્ટર્સ આશા રાખીને બેઠા છે કે, એક દિવસ LICનો શેર તેમની ખોટ ભરપાઈ કરી આપશે, એટલે તેઓ ઓછા ભાવે એવરેજ કરી રહ્યાં છે.
શેર શા માટે ઘટ્યો? LIC ભારતની સૌથી મોટી વીમા કંપની હોવા છતાં તેના શેરને ફાયદો થયો નથી. LICના શેરના ખરાબ પર્ફોર્મન્સ પાછળ ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં બજારની ખરાબ પરિસ્થિતિ, ટેક્સના નિયમોમાં ફેરફાર અને અદાણી-હિન્ડનબર્ગ વિવાદનો સમાવેશ થાય છે. Profitmart Securitiesના રિસર્ચ હેડ અવિનાશ ગોરાક્ષકર કહે છે કે, “LICએ બિઝનેસના મોરચે સારું પ્રદર્શન કર્યું છે અને તેના સ્ટોકની એમ્બેડેડ વેલ્યુ સારી છે. પરંતુ, જ્યાં સુધી કંપની અર્નિંગ્સમાં મજબૂત ગ્રોથ અને નફાકારકતામાં નોંધપાત્ર સુધારો નહીં દર્શાવે ત્યાં સુધી શેર માટે ટ્રિગર પોઈન્ટ્સ ઊભા નહીં થાય. જ્યાં સુધી અર્નિંગ્સ ગ્રોથને લઈને ચિત્ર સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી LICનો શેર સાઈડ-વેમાં જ રહેશે.” તેઓ કહે છે કે, ટૂંકા ગાળા માટે તો LICના શેરમાં વોલેટાલિટી રહી શકે છે, પરંતુ લાબા ગાળા માટે રોકાણકારો આ શેરને રાખે તો વાંધો નથી. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2022)માં LICનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ.8,334 કરોડ રહ્યો હતો. પ્રીમિયમ ઈનકમ વધવાથી કંપનીનો પ્રોફિટ વધ્યો હતો.
હવે રોકાણકારે શું કરવું? Trendlyneના ડેટા અનુસાર, LICને કવર કરનારા 15 એનાલિસ્ટ્સમાંથી 12 એનાલિસ્ટ્સે બાય રેટિંગ આપ્યું છે જ્યારે 3 એનાલિસ્ટ્સ હોલ્ડ રેટિંગ આપે છે. જિયોજિત ફાયનાન્સિયલ સર્વિસિસના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ ગૌરાંગ શાહ કહે છે કે, “LICના આઈપીઓ વખતે અમે શેર ખરીદવાની ભલામણ કરી હતી અને ત્યારબાદ અમે લાંબા ગાળા માટે બાય રેટિંગ આપ્યું હતું. ભારતમાં વીમા માર્કેટના વિસ્તરણની અપાર તક છે અને વિશાળ માર્કેટ છે. તેના કારણે માત્ર LIC નહીં, પરંતુ અન્ય વીમા કંપનીઓ (HDFC Life, ICICI Pru. અને SBI Life) માટે પણ તક સર્જાશે.” તેઓ કહે છે કે, “બજેટમાં થયેલી જાહેરાતથી LICના ગ્રોથમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ લાંબા ગાળા માટે તો તેમાં કરેલું રોકાણ વળતર આપશે તેવી આશા છે.” આનંદ રાઠીના ગણેશ ડોંગરે કહે છે કે, “વર્તમાન ભાવે, રોકાણકારોએ LICના શેર ખરીદવા જોઈએ. રૂ.610ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને રૂ.535નો સ્ટોપ લોસ પકડી રાખવો જોઈએ.”
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો