અમદાવાદઃ
ટેલિકોમ માર્કેટને સર કર્યા બાદ, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે OTT માર્કેટમાં કબજો જમાવવાની દિશામાં આગળ વધવાના પ્રયાસ હાથ ધર્યા છે. OTT માર્કેટમાં અત્યારે નાની ગણાતી જિયોસિનેમા ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર હોલિવૂડનું રિચ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવશે. HBOનો કન્ટેન્ટ ભારતમાં માત્ર Hotstar પર જોવા મળતો હતો, પરંતુ તેની મુદત 31 માર્ચે પૂરી થઈ હોવાથી આ તમામ કન્ટેન્ટ Hotstar પરથી હટાવી લેવામાં આવ્યો હતો.
એક્સક્લુઝિવ ડીલઃ
મુકેશ અંબાણીની રિલાયન્સે ઓટીટી પ્લેટફોર્મમાં તરખાટ મચાવવાની તૈયારી કરી લીધી છે. જિયોસિનેમા પર હોલિવૂડનો કન્ટેન્ટ લાવવા માટે અંબાણીએ વોર્નર બ્રધર્સ ડિસ્કવરી ઈન્ક. સાથે એક્સક્લુઝિવ ડીલ સાઈન કરી છે. અંબાણીની આ ડીલથી નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મના બિઝનેસ પર ગંભીર અસર પડી શકે છે. આ ડીલથી જિયોસિનેમા પર વોર્નર બ્રધર્સ અને HBOનું કન્ટેન્ટ જોઈ શકાશે, જેમાં ગેમ ઓફ થ્રોન્સ, લોર્ડ ઓફ ધી રિંગ્સ, હેરી પોર્ટર સીરિઝ, સક્સેશન જેવા લોકપ્રિય શો અને મૂવીઝનો સમાવેશ થાય છે.
USની સાથે ભારતમાં પણ પ્રસારણઃ બંને કંપનીએ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, જે દિવસે અમેરિકામાં HBO ઓરિજિનલ, મેક્સ ઓરિજિનલ અને વોર્નર બ્રધર્સ ટેલીવિઝન સીરિઝનું પ્રીમિયમ થશે, તે જ દિવસે ભારતમાં પણ તેનું પ્રીમિયર થશે. અત્યારે ભારતમાં આઈપીએલની મેચો ચાલી રહી છે અને જિયોસિનેમાની એપ પર આ મેચ ફ્રીમાં જોવા મળે છે. જેના કારણે અત્યારે જિયોસિનેમાની લોકપ્રિયતા વધી છે અને હવે, હોલિવૂડનો કન્ટેન્ટ પણ આ એપ પર આવવાથી તેના સબ્સક્રાઈબર્સમાં વધારો થઈ શકે છે. જિયોસિનેમા અત્યારે આઈપીએલની મેચો ફ્રીમાં બતાવી રહી છે, પરંતુ ટુર્નામેન્ટ પત્યા પછી, તે નવા સબ્સક્રિપ્શન પ્લાન જાહેર કરવાની છે. માનવામાં આવે છે કે, વોર્નર બ્રધર્સ સાથેના સોદાથી જિયોસિનેમાને ફાયદો થશે અને આ ડીલ તેના માટે ગેમ ચેન્જર બની રહેશે.
HBO, Max, Warnerનો કન્ટેન્ટઃ
HBOના ટોપ-રેટિંગ ધરાવતા મોટા ભાગનાં શો 31 માર્ચ સુધી તો, ડિઝની હોટસ્ટાર પ્લેટફોર્મ પર પ્રસારિત થતા હતા, પરંતુ તેની મુદત પૂરી થઈ ગઈ છે અને હવે વોર્નર બ્રધર્સે રિલાયન્સની વાયાકોમ18 સાથે કરેલા સોદા બાદ, તેની લાયબ્રેરીમાંથી HBO, મેક્સ અને વોર્નર સહિતનો વ્યાપક કન્ટેન્ટ જિયોસિનેમા પર પ્રસારિત થશે.
ભારતનું ઓટીટી માર્કેટઃ
ભારતનાં સબ્સક્રિપ્શન આધારિત વીડિયો-ઓન-ડિમાન્ડ માર્કેટમાં અત્યારે નેટફ્લિક્સનું પ્રભુત્વ છે. 2021માં તેની પાસે કુલ આવકનો 39 ટકા હિસ્સો હતો જ્યારે હોટસ્ટાર પાસે 23 ટકા હિસ્સો હતો.
Amazon Primeનો પ્લાન Rs 120 મોંઘો થયોઃ Amazonએ તેના OTT પ્લેટફોર્મ Amazon Primeની સબ્સક્રિપ્શન ફી વધારી છે. કંપનીએ તેનો માસિક સબ્સક્રિપ્શન પ્લાન 120 રૂપિયા મોંઘો કરી દીધો છે જ્યારે ત્રિમાસિક સબ્સક્રિપ્શન પ્લાન 140 રૂપિયા મોંઘો થયો છે. ભારતમાં એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો માસિક પ્લાન રૂ.299થી શરૂ થશે. 3 મહિનાનો પ્લાન ખરીદવા માટે તમારે 599 રૂપિયા ચૂકવવા પડશે. જોકે, એમેઝોને તેના વાર્ષિક પ્લાનની ફી વધારી નથી. તેનો વાર્ષિક પ્લાન રૂ.1,499માં મળે છે.
સંબંધિત અહેવાલઃ https://gujarati.money9.com/trending/mukesh-ambani-gift-to-employee-11759.html
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો