અમદાવાદઃ
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પત્નીને મોંઘીદાટ ગિફ્ટ આપતા રહે છે. પરંતુ હવે તેમણે એક કર્મચારીને ગિફ્ટ આપીને ચર્ચા જગાવી છે. મુકેશ અંબાણી ભારતનાં નંબર વન ધનિક છે અને વિશ્વની રિચેસ્ટ પર્સનની યાદીમાં 12મા ક્રમે છે. મુકેશ અંબાણીએ તેમના જૂના કર્મચારીની મહેતનની કદર કરીને 22 માળનું ઘર ગિફ્ટમાં આપ્યું છે. આ કર્મચારીનું નામ છે મનોજ મોદી અને મોદીને અંબાણીનો જમણો હાથ માનવામાં આવે છે. અંબાણીએ ગિફ્ટમાં આપેલા ઘરની કિંમત 1,500 કરોડ રૂપિયા છે.
અંબાણી ગિફ્ટ આપતા રહે છેઃ તાજેતરમાં મુકેશ અને નીતા અંબાણીએ તેમના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાને દુનિયાનો સૌથી મોંઘો ડાયમંડ નેકલેસ ગિફ્ટમાં આપ્યો હોવાના સમાચાર આવ્યા હતા. થોડા વર્ષો અગાઉ નીતા અંબાણીના જન્મદિવસે પણ મુકેશ અંબાણીએ તેમને 3 લાખ હીરા જડેલી 30 કરોડ રૂપિયાની કાર ભેટમાં આપી હતી.
કર્મચારી માટે દિલ ખોલ્યુંઃ પરિવારના સભ્યોને ગિફ્ટ આપવા માટે મન મૂકીને ખર્ચ કરતાં અંબાણીએ કર્મચારીને ગિફ્ટ આપવામાં પણ કચાશ રાખી નથી. તેમણે દિલની સાથે સાથે ખિસ્સું પણ ખોલી નાખ્યું છે. મનોજ મોદી વર્ષોથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને અંબાણી સાથે નજીકથી જોડાયેલા છે. અંબાણીએ મનોજને આલિશાન ઘર ગિફ્ટમાં આપ્યું છે. આ એક ભવ્ય ઈમારત છે, એમ સૂત્રો જણાવી રહ્યાં છે. ગિફ્ટમાં 22 માળનું ઘર મળવાથી મનોજ મોદી આલિશાન ઘરના માલિક બની ગયા છે, કારણ કે, તેની કિંમત રૂ.1,500 કરોડ આંકવામાં આવી રહી છે. આ ઘર મુંબઈના નેપીઅન સી રોડ પર આવેલું છે અને આ વિસ્તારને પ્રાઈમ ગણવામાં આવે છે.
મનોજ મોદી છે અંબાણીનો જમણો હાથઃ મીડિયામાં વહેતા થયેલા સમાચાર અનુસાર, મુકેશ અંબાણીએ થોડાં મહિના અગાઉ મનોજ મોદીને આ ઘરની ભેટ આપી હતી. મનોજ મોદીને અંબાણીનો રાઈટ હેન્ડ કહેવામાં આવે છે. તેઓ દાયકાઓથી રિલાયન્સમાં કામ કરી રહ્યાં છે અને અત્યારે રિલાયંસ જિયો અને રિટેલનાં ડાયરેક્ટરના હોદ્દા પર છે.
પ્રીમિયમ વિસ્તારમાં છે ઘરઃ મુકેશ અંબાણીએ ગિફ્ટમાં આપેલા ઘરનું નામ વૃંદાવન છે. આ ઘર જે રોડ પર આવેલું છે ત્યાં જિન્દાલ ગ્રુપનાં મેનેજિંગ ડિરેક્ટર (MD) સજ્જન જિન્દાલ પણ રહે છે. તેમના ઘરનું નામ માહેશ્વરી હાઉસ છે. આ વિસ્તારમાં એક ચો. ફૂટ જમીનની કિંમત 70,600 રૂપિયા છે. ગિફ્ટમાં મળેલું ઘર નેપીઅન સી રોડ પર આવેલું છે.
ઘરના 7 ફ્લોર પર છે પાર્કિંગઃ અંબાણીએ ગિફ્ટમાં આપેલા ઘરનો કુલ વિસ્તાર 1.7 લાખ ચોરસ ફૂટ છે. 22 માળનાં આ ઘરના 7 માળ પર માત્ર પાર્કિંગની જગ્યા છે. પ્રત્યેક માળનો વિસ્તાર 8,000 ચોરસ ફૂટ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો