Money9: એપલે તેની iPhone 15 સીરીઝ લોન્ચ કરી દીધી છે. આ સીરીઝમાં ચાર અલગ-અલગ ફોન iPhone 15, iPhone 15 પ્લસ, iPhone 15 પ્રો અને iPhone 15 પ્રો મેક્સ લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ આ સીરીઝના ફોનની કિમતોમાં અલગ-અલગ દેશોમાં મોટુ અંતર છે. ભારતમાં તો આ ફોન બાકીના દેશોની તુલનામાં વધુ મોંઘા છે. લોકલ માર્કેટમાં iPhone 15 સીરીઝના ફોનની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે. જે આ સીરીઝના સૌથી સસ્તા ફોન iPhone15ના બેઝ મોડલની કિંમત છે. આમાંથી કેટલાક ફોન ભારતમાં બનતા હોવા છતાં અમેરિકા, કેનેડા, દુબઇ, સિંગાપુર, જાપાન, થાઇલેન્ડ જેવી અન્ય જગ્યાઓ પર આ સીરીઝના ફોનની કિંમત ભારતની તુલનામાં ઘણી ઓછી છે.
ઉદાહરણ તરીકે iPhone 15 પ્રો મેક્સ 1 ટેરાબાઇટની કિંમત ભારતમાં 1,99,900 રૂપિયા છે. જ્યારે અમેરિકામાં તેની કિંમત 1,599 ડોલર એટલે કે 1,32,717 રૂપિયા છે. એટલે કે અમેરિકાની તુલનામાં ભારતમાં આ ફોન 50 ટકાથી વધુ મોંઘો પડી રહ્યો છે. iPhone 15ની જ વાત કરીએતો ભારતમાં તેની કિંમત 79,900 રૂપિયા છે. જ્યારે અમેરિકામાં તેની કિંમત 799 ડોલર એટલે કે 66,317 રૂપિયા અને દુબઇમાં 3,399 UAE દિરહમ, એટલે કે 76,817 રૂપિયા છે. કિંમતોમાં આ તફાવત ફક્ત iPhone 15 સીરીઝની સાથે જ નહીં એપલના બાકીના ફોન અને પ્રોડક્ટ પણ ભારતમાં મોંઘા મળે છે. આવું ઘણાં કારણોથી થાય છે.
જેમ કે ભારતમાં એપલ પ્રોડક્ટ્સ પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટી..પ્રો મોડલ્સ પર 22 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે. કોમ્પોનન્ટ્સ પર લાગતી કસ્ટમ ડ્યુટી, સોશિયલ વેલફેર ચાર્જ, 18 ટકા જીએસટી અને બીજા દેશોની તુલનામાં iPhoneના એસેમ્બલિંગમાં થતો વધુ ખર્ચ..આવા અનેક કારણો છે જે દેશમાં એપલની પ્રોડક્ટ્સને વધુ મોંઘી બનાવે છે. એક બીજું મોટું કારણ ભારતીય રૂપિયામાં નબળાઇ પણ છે. જેનાથી દેશમાં iPhone વધુ મોંઘો મળી રહ્યો છે.
એપલે ભારતમાં 6 વર્ષ પહેલા ફોન બનાવવાનું શરૂ તો કરી દીધું હતું પરંતુ હજુ પણ ચીનની તુલનામાં સપ્લાય ચેઇન એટલી મોટી નથી. પ્રોડક્શન સ્કેલ પણ ઘણો નાનો છે. આ ઉપરાંત, એપલ ભારતમાં રિટેલર, ડીલર અને ડિસ્ટ્રીબ્યૂટર દ્વારા વેચાણ કરે છે. અમેરિકાની તુલનામાં ભારતમાં તેનું કમિશન પણ વધારે છે. ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાંતોનું કહેવું છે કે એ જરૂરી નથી કે એપલના ફોન ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે તો તેના મોડલ્સની કિંમતો અહીં ઓછી હશે. Apple ભારતમાં પોતાના સ્માર્ટ ફોન અને બાકી પ્રોડક્ટ વેચવા માટે મોટાભાગે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરરના નેટવર્ક પર આધાર રાખે છે. તેમના કમીશનની સાથે iPhoneની એન્ડ પ્રાઇસ વધી જાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો