Money9: અમદાવાદમાં રહેતા રાજેશને હાલમાં જ કારનો ઇ મેમોનો મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું કે ચલણ નહીં ભરો તો કોર્ટની નોટિસ આવશે. મેસેજમાં પેમેન્ટની એક લિંક હતી. રાજેશ ગભરાઇને લિંક પર ક્લિક કરી તો તેનો ફોન હેક થઇ ગયો. હેકર્સે રાજેશના પર્સનલ ડિટેલ્સનો એક્સેસ લઇને તેને અંદાજે 60 હજાર રૂપિયાનો ચૂનો ચોપડ્યો..
સાયબર ઠગો રાજેશની જેમ જ ઘણાંબધા લોકોને આવા ઇ-મેમો મોકલી રહ્યા છે અને લોકો કોર્ટની નોટિસ આવવાના ડરથી લિંક પર ક્લિક કરીને ફસાઇ જાય છે. આજકાલ આ પ્રકારના ફ્રોડના કેસોમાં ઘણી તેજી આવી છે. પોલીસ અને સરકારે આ પ્રકારના વધતા કેસોને ધ્યાનમાં લઇને લોકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. રાજેશ તો સાયબર ઠગોની જાળમાં ફસાઇ ગયા પરંતુ તમે આ પ્રકારના ફ્રોડના શિકાર ન બનો એટલે કેટલીક ચીજો જાણવી જરૂરી છે. એટલે આજે અમે આ છેતરપિંડીની રીત-રસમો અને તેનાથી બચવાના ઉપાય જેવી ચીજો તમને સમજાવીશું.
તો સૌથી પહેલા એ જાણીએ કે આ ફ્રોડ કેવી રીતે કરવામાં આવે?
જેવું કે રાજેશની સાથે થયું, સાયબર સ્કેમર લોકોને ટેકસ્ટ મેસેજ મોકલે છે અને આ મેસેજ ઇ-ચલણ એલર્ટ જેવા જ હોય છે. મેસેજમાં એક રેન્ડમ ચલણ નંબર અને એક પેમેન્ટ લિંક આપવામાં આવી હોય છે. જેવા તમે લિંક પર ક્લિક કરશો કે તરત જ ફોનની સુરક્ષા સાથે કોમ્પ્રોમાઇઝ થવાનું શરૂ થઇ જાય છે. હેકર્સ તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડની ડિટેલ્સનો એક્સેસ લઇ લે છે અને ત્યારબાદ તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉડાવી લે છે.
હવે સમજીએ કે આ છેતરપિંડીથી આપણે કેવીરીતે બચી શકીએ.
આ અંગે સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. લોકો થોડી સાવધાની રાખશે તો અસલી અને નકલી મેસેજ વચ્ચેનો તફાવત શોધી શકે છે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે અસલી ચલણના મેસેજમાં ગાડીનો એન્જિન નંબર, ચેસિઝ નંબર, વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે VIN અને બીજા જાણકારી સામેલ હોય છે. જો તમને આવેલા મેમોના મેસેજમાં આ બધી માહિતી ન હોય તો સમજી લો કે તે નકલી છે. આ ઉપરાંત પેમેન્ટ લિંક હોય છે તેને ધ્યાનથી જોશો તો પણ અસલી-નકલી વચ્ચેનો ભેદ પરખાઇ જશે. અસલી ઇ-ચલણ મેસેજમાં પેમેન્ટ માટે જે લિંક આપવામાં આવી હોય છે તે આવી હોય છે-“echallan.parivahan.gov.in/”. પરંતુ સ્કેમર જે લિંક મોકલે છે તે જોવામાં લગભગ આવી જ હોય છે, પરંતુ ધ્યાનથી જોશો તો તફાવત તમને દેખાઇ જશે. કારણ કે તે લિંક કંઇક આવી હોય છે.- “echallan.parivahan.in/”.. અહીં ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે અસલી ચલણના મેસેજની લિંક gov.inની સાથે સમાપ્ત થાય છે. જ્યારે નકલી મેસેજમાં આપવામાં આવેલી લિંકમાં તે મિસિંગ હોય છે.
મેમો ભરવાનો મેસેજ આવે તો શું કરવું?
તમારી પાસે જ્યારે પણ મેમોનો કોઇ મેસેજ આવે તો ઓફિસિયલ વેબસાઇટ પર જઇને ચેક કરો કે શું ખરેખર કોઇ મેમો ઇશ્યૂ થયો છે? પરિવહન વેબસાઇટ- echallan.parivahan.gov.in પર જાઓ અને મેમો ડાઉનલોડ કરવાની કોશિશ કરો. બધા મેમો પરિવહન વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. એટલે ક્રોસ ચેક કરી લો. આ ઉપરાંત એ પણ જાણી લો કે એલર્ટ ક્યારેય પર્સનલ મોબાઇલ નંબરથી મોકલવામાં નથી આવતા. જો કોઇ પર્સનલ નંબરથી મેસેજ આવ્યો તો સમજી જાઓ કે તે ફેક છે. આ વાતોનું ધ્યાન રાખશો તો તમે આ પ્રકારના ફ્રોડથી બચી જશો. હવે તમે આ માહિતી તમારા દોસ્તો અને જાણકારોને પણ શેર કરી શકો છો. આવી જ તમામ માહિતી અને સમાચાર માટે જોતા રહો મની9.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો