Money9 Gujarati:
લોકસભા ચૂંટણી બાદ મોબાઈલ ફોનના બિલમાં જબરજસ્ત વધારો થવાના સંકેત મળી રહ્યાં છે. કંપનીઓ ભાવ વધારવાની તૈયારી કરી રહી છે અને તેના કારણે મોબાઈલ પાછળ થતો ખર્ચ વધી જશે. ચૂંટણી પતવાની રાહ જોવાઈ રહી છે અને પછી ટેલિકોમ કંપનીઓ ટેરિફ વધારવાની યોજના બનાવી રહી છે. કંપનીઓ મોબાઈલ પ્લાનમાં 25 ટકા સુધીનો વધારો કરે તેવી શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર પોસ્ટ-પેઈડ અને પ્રિપેઈડ બંને પ્લાન મોંઘા થઈ શકે છે તેમજ ઈન્ટરનેટ પ્લાન પણ મોંઘા થવાની શક્યતા છે.
બ્રોકરેજ એક્સિસ કેપિટલના અહેવાલ મુજબ, સ્પર્ધાત્મકતા સ્થિર થઈ ગઈ છે, 5G પાછળ જંગી રોકાણ થઈ રહ્યું છે અને સરકારની નીતિઓ સાનુકૂળ હોવાથી સુવિધાઓમાં સુધારો થયો છે, જેના લીધે ટેલિકોમ ઓપરેટરો ટૂંક સમયમાં ટેરિફના ભાવમાં વધારો કરી શકે છે. એવો અંદાજ છે કે ચૂંટણી પછી કંપનીઓ ટેરિફ વધારાના ચોથા રાઉન્ડની જાહેરાત કરી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેરિફમાં વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો હોઈ શકે છે. રિપોર્ટમાં અંદાજ છે કે મોબાઈલ બિલમાં વધારાને કારણે શહેરી પરિવારોમાં ટેલિકોમ ગ્રાહકો પરનો કુલ ખર્ચ 3.2 ટકાથી વધીને 3.6 ટકા થશે, જ્યારે ગ્રામીણ ગ્રાહકો માટે ખર્ચ 5.2 ટકાથી વધીને 5.9 ટકા થશે. ટેલિકોમ કંપનીઓ તરફથી દરોમાં આશરે 25 ટકા જેટલો વધારો થવાથી કંપનીઓની એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU)માં 16 ટકાનો વધારો થઈ શકે છે.
ધારો કે, મોબાઈલ પાછળ તમારો માસિક ખર્ચ અત્યારે 200 રૂપિયાની આસપાસ છે, તો તેમાં 50 રૂપિયા જેટલો વધારો થઈ શકે છે. જો તમે 500 રૂપિયાનું રિચાર્જ કરાવતા હશો તો, તેમાં 25 ટકા લેખે 125 રૂપિયાનો વધારો થશે. ધારો કે, તમારો માસિક ખર્ચ 1,000 રૂપિયા હશે તો, હવે તે વધીને 1,250 રૂપિયા થઈ જશે.
Jio એ માર્ચ ક્વાર્ટર માટે 181.7 રૂપિયાનો ARPU રેકોર્ડ કર્યો હતો, જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બર 2023ના સમયગાળા માટે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા (Vi)ના નંબર અનુક્રમે રૂપિયા 208 અને રૂપિયા 145 હતા. નિષ્ણાતોનો અંદાજ છે કે આ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં ARPU 10-15% વધશે અને ગ્રાહક દીઠ આશરે 100 રૂપિયા વધશે.
Bharti Airtel અને Jio વાયરલેસ પેકના ભાવમાં ભારે વધારો જોવા મળશે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2019 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે, બંને ટેલિકોમ કંપનીઓએ તેમના ARPUમાં અનુક્રમે 58 ટકા અને 33 ટકા વધારો કર્યો છે. છેલ્લી ત્રણ વખત ટેરિફ વધારીને કંપનીઓએ 14 ટકાથી 102 ટકાનો વધારો કર્યો હતો.
પ્લાન મોંઘા થવાથી ટેલિકોમ કંપનીઓની બેઝ પ્રાઈસ પણ વધી જશે. એરટેલની મૂળ કિંમતમાં 29 રૂપિયા જ્યારે Jioની બેઝ પ્રાઈસમાં 26 રૂપિયાનો વધારો થઈ શકે છે. કંપનીઓ ભાવ વધાર્યા બાદ તેમની ARPUમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં 10થી 15 ટકાનો વધારો નોંધે તેવી ધારણા છે. ટેલિકોમ કંપનીઓએ 2019 અને 2023 વચ્ચે તેમના ટેરિફમાં 3 ગણો વધારો કર્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો