Money9 Gujarati:
LPG Price Cut: મે મહિનાનો પહેલો દિવસ લોકો માટે સારા સમાચાર લઈને આવ્યો છે. સરકારે LPG સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC)એ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં સિલિન્ડર ખરીદવું સસ્તું થઈ ગયું છે. જોકે, 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દરોમાં આ ફેરફારો 1 મે, 2024થી લાગુ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે.
IOCLની વેબસાઈટ અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સિલિન્ડરની કિંમત અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ છે. નવા દરના અમલ સાથે, દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 19 રૂપિયા ઘટીને 1745.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં સિલિન્ડર 1859 રૂપિયામાં મળશે. મુંબઈમાં સિલિન્ડર 19 રૂપિયા ઘટાડીને 1698.50 રૂપિયામાં મળશે જ્યારે ચેન્નાઈમાં સિલિન્ડર 1,911 રૂપિયામાં મળશે.
કંપનીઓએ વિમાનમાં વપરાતા ઈંધણના ભાવમાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે. દેશના પાટનગર દિલ્હીમાં એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) પ્રતિ કિલોલિટર 749.25 રૂપિયા વધીને 1,01,642.88 રૂપિયા થઈ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે, કોલકાતામાં ATFની કિંમત 1,10,583.13, મુંબઈમાં 95,173.70 અને ચેન્નાઈમાં 1,05,602.09 રૂપિયા થઈ છે. જેટ ફ્યુઅલ મોંઘું થવાથી એરલાઈન્સનો ખર્ચ વધશે અને શક્યતા છે કે, તેઓ આ બોજ ગ્રાહકો પર નાખશે. આગામી દિવસોમાં હવાઈભાડાંમાં વધારો થઈ શકે છે, કારણ કે, એરલાઈન કંપનીના ઑપરેટિંગ ખર્ચમાં જેટ ફ્યુઅલનો ખર્ચ 40 ટકા હોય છે.
ગયા મહિને પણ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી હતી. 1 એપ્રિલ, 2024ના રોજ, તેમાં 30 રૂપિયાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1764.50 રૂપિયા થઈ ગઈ છે. તે પહેલા માર્ચમાં તેની કિંમત 1795 રૂપિયા હતી. કોલકાતામાં સિલિન્ડરની કિંમત 1879 રૂપિયા, મુંબઈમાં 1717.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1930 રૂપિયા હતી.
છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન્ડ મે મહિનામાં પણ ચાલુ છે, જોકે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા છે. ઉજ્જવલા યોજના હેઠળ, કેટલીક જગ્યાએ લાભાર્થીઓને નિયત કિંમત કરતા ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો