Money9 Gujarati:
Flight Ticket Prices: હવાઈભાડાં પાછળ થતો ખર્ચ ઘટવાની શક્યતા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ એરલાઈન કંપનીઓને એક સર્ક્યુલર ઈશ્યૂ કરીને જણાવ્યું છે કે, હવાઈપ્રવાસીને મરજી પ્રમાણે વધારાની સુવિધા પસંદ કરવાનો વિકલ્પ મળવો જોઈએ. પ્રવાસી જે સર્વિસ લેવાની ના પાડશે તેના પૈસા ટિકિટમાંથી ઓછા થઈ જશે અને બેઝ ફેર ઘટશે. આનો અર્થ એ છે કે ભારતમાં ફ્લાયર્સ હવે ઓપરેટરો દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓને પસંદ અથવા નાપસંદ કરી શકે છે અને તેઓને જેની જરૂર નથી તે સેવાઓ ટિકિટમાંથી બાકાત રખાવીને પૈસા બચાવી શકે છે.
DGCAના ધ્યાનમાં આવ્યું છે કે, પ્રવાસીને જે સર્વિસની જરૂર નથી તેના પણ પૈસા ચૂકવવા પડે છે. આથી, ટિકિટની બેઝ કિંમત ઘટાડવા માટે અમુક સર્વિસને અલગ કરવાની સૂચના આપી છે. આ સર્વિસમાં પ્રેફરન્શિયલ સીટીંગ, ભોજન કે ચા-પાણી નાસ્તો, ચેક-ઇન બેગેજ ચાર્જ, રમતગમતના સાધનોના ચાર્જ,સંગીતનાં સાધનનો ચાર્જ અને મૂલ્યવાન સામાનની ફીનો સમાવેશ થાય છે. DGCAએ જણાવ્યું છે કે, એરલાઈન્સે ટિકિટમાં આ સર્વિસના ચાર્જ સ્પષ્ટપણે લખવાના રહેશે.
DGCA દ્વારા 23 એપ્રિલે જાહેર થયેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, “એરલાઇન્સ દ્વારા સ્થાપિત હવાઈ ભાડામાં તેમના દ્વારા આપવામાં આવતી કેટલીક સેવાઓના ચાર્જનો પણ સમાવેશ થાય છે. અમને મળેલી વિવિધ પ્રતિક્રિયા પરથી જાણવા મળ્યું છે કે, ઘણી વખત એરલાઇન્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની મુસાફરી દરમિયાન મુસાફરોને જરૂર પડતી નથી. આથી, આવી સેવાઓને બાકાત રાખવાથી ટિકિટનું બેઝ ફેર ઘટાડવાની શક્યતા છે. ગ્રાહક જે સેવાઓ મેળવવા માંગે છે તેના માટે ચૂકવણી કરવાનો વિકલ્પ પણ આપી શકાય એમ છે. અનબંડલ્ડ સેવાઓ ‘ઓપ્ટ-ઇન’ ધોરણે પ્રદાન કરવી આવશ્યક છે.”
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “એરલાઇન બેગેજ પોલિસીના ભાગ રૂપે, શેડ્યૂલ એરલાઇન્સને ફ્રી બેગેજ એલાઉન્સ તેમજ ‘ઝીરો બેગેજ/નો-ચેક-ઇન બેગેજ ભાડાની ઓફર કરવાની મંજૂરી આપવામાં આવશે. આ એ શરતને આધીન રહેશે કે આવી ભાડા યોજના હેઠળ ટિકિટ બુક કરાવનાર પેસેન્જર એરલાઇન કાઉન્ટર પર ચેક-ઇન માટે સામાન સાથે આવે તો તેને લાગુ પડતા શુલ્કથી વાકેફ કરવામાં આવે. આ લાગુ પડતા શુલ્ક વાજબી હોવા જોઈએ; ટિકિટ બુક કરાવતી વખતે પેસેન્જરને સ્પષ્ટપણે દર્શાવવા જોઈએ અને ટિકિટ પર પ્રિન્ટ પણ કરવામાં આવે તે જરૂરી છે.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો