MONEY9: ભાવનગરના સુનીલ ગોસ્વામીએ અંદાજે એક વર્ષ પહેલાં 50 લાખ રૂપિયાની લોન લઇને ઘર ખરીદ્યું હતું. 20 વર્ષની આ લોનની સાત ટકાના દરે 38,705 રુપિયાની EMI હતી. હવે આ લોન પર વ્યાજ દર વધીને 9.40 ટકા થઇ ગયો છે. જેનાથી EMIની રકમ વધીને 46,281 રૂપિયા થઇ ગઇ છે. આ વ્યાજ દરના આધારે 20 વર્ષમાં સુનીલને અંદાજે 18 લાખ રૂપિયા વધારે ચૂકવવા પડશે. જો તમે લોન લઇને રાખી છે તો બેંકમાં જઇને તપાસ કરી લો કે હવે કેટલું વ્યાજ લાગી રહ્યું છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે આરબીઆઇ છેલ્લા પાંચ મહિનામાં ચારવારમાં થઇને રેપો રેટમાં કુલ 1.90 ટકાનો વધારો કરી ચુકી છે. આ સમયગાળા દરમિયાન દેશની સૌથી મોટી ધિરાણકર્તા એચડીએફસી હોમલોનના વ્યાજ દરો સાતવાર વધારી ચૂકી છે. વધતા-ઓછા અંશે અન્ય બેંકો અને એનબીએફસીની પણ આ જ સ્થિતિ છે.
સામાન્ય રીતે હોમલોન મોંઘી થાય ત્યારે બેંક EMIનો ટેન્યોર વધારી દે છે. જો લોનનો સમયગાળો લોનધારકની નિવૃતિ વયને પાર કરી રહ્યો છે તો આ સ્થિતિમાં બેંક EMIની રકમ વધારી દે છે. મોંઘવારીના સમયમાં મોટી સંખ્યામાં લોકો આ બોજને સહન કરી શકવાની સ્થિતિમાં નથી હોતા. આવા સંજોગોમાં સૌથી મોટો સવાલ એ છે કે આ સ્થિતિનો સામનો કેવી રીતે કરવો?
ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે લોનનો બોજ ઘટાડવાની સૌથી સારી રીત એ છે કે લોનનુ આંશિક પ્રીપેમેન્ટ કરી દો. જો તમારા મ્યુચ્યુઅલ ફંડ, એફડી કે આરડીમાં પૈસા જમા છે તો આ રકમ દ્વારા હોમલોનની ચુકવણી કરો. જો તમે યુવાન અને નોકરિયાત છો તો હોમલોન ટેન્યોર વધારવામાં કંઇ ખોટુ નથી. આ સ્થિતિમાં લોનનું પ્રીપેમેન્ટ કરવામાં કોઇ સમજદારી નથી. આનાથી લાંબાગાળે ઇનકમ ટેક્સની સરખામણીમાં સારીએવી રકમની બચત કરી શકો છો. જો EMI ચુકવ્યા બાદ થોડા પૈસા બચે તો તેને ઇક્વિટી સાથે જોડાયેલા મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી દ્વારા રોકાણ કરવું જોઇએ. આનાથી લાંબાગાળે સારુએવુ ફંડ એકત્ર કરી શકાય છે.
જૈન કહે છે કે સામાન્ય રીતે ઑટો અને કન્ઝ્યુમર લોન ફિકસ્ડ રેટ પર હોય છે જે બેથી સાત વર્ષના ગાળા સુધી હોય છે. તેની સમય પૂર્વે ચુકવણી કરવાથી પેનલ્ટી ચુકવવી પડી શકે છે. જો પૈસાની વ્યવસ્થા છે તો આ પ્રકારની લોનને સમય પહેલા ચુકવી દેવી જોઇએ. જો બેંક કોઇ પેનલ્ટી વસૂલી રહી છે તો તેના નફા-નુકસાનની ગણતરી કરી લેવી જોઇએ. આના માટે સારી રીતે એ છે કે બેંક પાસેથી એ જાણકારી મેળવી લો કે પેનલ્ટી ક્યારે લાગશે અને ક્યારે નહીં? ત્યારબાદ જ અંતિમ નિર્ણય લો.
પહેલા કઇ લોન ચૂકવશો?
હાલ લઘુ બચત પર વ્યાજ દરો સાત ટકાના સ્તરે છે. બેંકોની એફડી અને આરડી પર તો આનાથી પણ ઓછું રિટર્ન મળી રહ્યું છે. જો તમે આ યોજનાઓમાં રોકાણ કરી રહ્યા છો તો તેને રોકી શકો છો. આનાથી જે પૈસા મળે તેનાથી લોનનો બોજ હળવો કરી લો. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય કે સૌથી પહેલા કઇ લોન ચુકવશો? ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે પર્સનલ લોન સૌથી મોંઘી હોય છે. જો પૈસાની વ્યવસ્થા થઇ જાય છે તો સૌથી પહેલા આ જ લોનને ચૂકતે કરો. ત્યારબાદ ઓટોલોન ચુકવવાની કોશિશ કરો. હોમલોનને સૌથી પહેલા ચુકવવી દરેક માટે સારો વિકલ્પ નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો