MONEY9: લક્ઝરી આઇટમ્સ કોને પસંદ ના હોય? લક્ઝરી છે એટલે તે આઇટમ મોંઘી તો હોવાની જ… પરંતુ મનની ઇચ્છા અને શોખ પણ તેટલા જ મહત્વના છે. તો તમારે લક્ઝરી આઇટમની ખરીદી એવી રીતે કરવી જોઇએ કે જેનાથી તમારો શોખ પણ સંતોષાય અને તમારું બજેટ પણ ના બગડે. આવી ખરીદી ક્યાંથી અને કેવી રીતે કરવી તે જાણવું જરૂરી છે.
લક્ઝરી વસ્તુઓ સાથે જોડાયેલી સૌથી મહત્વની બાબત એ નથી કે શું ખરીદવું, પરંતુ તેને ખરીદવા માટે પૈસા કેવી રીતે બચાવવા? એવું નથી કે આપણે કોઇ પણ સ્ટોરમાં જઇએ અને કંઇ પણ વિચાર્યા વિના લક્ઝરી વસ્તુ ખરીદી લઇએ.
તેના માટે તમારે તે સમજવું જરૂરી છે કે તમારે તમારી મનપસંદ ડિઝાઇનર બ્રાન્ડ ખરીદવા માટે પૈસાની બચત કેવી રીતે કરવી…આ વાત લાગે છે તેટલી સરળ નથી પણ જો તમે સાચી દિશામાં પ્રયાસ કરો તો કંઈપણ અશક્ય નથી. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ એવી બાબતોની કે જે તમને લક્ઝરી વસ્તુઓ ખરીદવામાં મદદ કરી શકે..
સૌ પ્રથમ ક્વોલિટી અને ક્વોન્ટિટી પર ધ્યાન કેન્દ્રિત કરો.. તમે હંમેશા ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીને પ્રાધાન્ય આપો. લક્ઝરી ઘડિયાળ ખરીદવી હોય કે લક્ઝરી બેગ કે ડિઝાઈનર કપડા, ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી પસંદ કરવી મહત્વની છે. એકથી વધુ વસ્તુઓ ખરીદવી ખોટી છે. એક સમયે એક પ્રોડક્ટ ખરીદવાથી તમને તમારા ખર્ચાઓ તેમજ તેમની ઈચ્છા પર નજર રાખવામાં મદદ મળશે સાથે સાથે બચત કરવા માટે પણ સંપૂર્ણ સમય મળશે.
બીજી અગત્યની બાબત છે, તમારી જરૂરિયાતનું મૂલ્યાંકન કરવું. મતલબ કે, જો તમે ડિઝાઇનર જૂતા ખરીદો છો, તો પછી વિચારો કે તેની જરૂર છે કે નહીં… ક્યાંક તમે એટલો તો ખરીદી નથી કરી રહ્યાં ને કે, ઓફિસમાં તમારા કલીગે નવા શુઝ ખરીદ્યા છે તો તમે પણ ખરીદી રહ્યા છો. માટે એવી વસ્તુઓ ખરીદો જેની તમારે ખરેખર જરૂર હોય.
હવે વાત કરીએ બચત અને રોકાણની. એટલે કે ક્યાંક બચત કરો અથવા રોકાણ કરો અને તમને મળેલા પૈસાથી લક્ઝરી વસ્તુઓની ખરીદી કરો. PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડથી માંડીને માસિક આવક યોજના એટલે કે MIS સુધી, ઓછા જોખમવાળા એવા ઘણા રોકાણ સાધનો ઉપલબ્ધ છે જ્યાં તમે તમારા પૈસા મૂકી શકો છો. તેમાં તમને માત્ર સારો વ્યાજ દર મળવવા ઉપરાંત, લાંબા ગાળાના રોકાણોમાંથી મળતા નાણાંનો ઉપયોગ લક્ઝરી વસ્તુઓ ખરીદવા કરી શકો છો.
લક્ઝરી વસ્તુઓની ખરીદીમાં બજેટ બનાવવાથી પણ ફાયદો થાય છે, માટે બજેટ બનાવો. મંથલી કે ક્વાર્ટરલી બજેટ બનાવવાથી કોઇ નુકસાન નહીં થાય પરંતુ લક્ઝરી આઇટમ ખરીદવાના પ્લાનિંગમાં મદદ મળશે. આમ કરવાથી તમે તમારી બચત પણ વધારી શકો છો અને તે બચતથી તમે નિર્ધારિત સમયમાં કોઈપણ લક્ઝરી વસ્તુ પણ ખરીદી શકો છો.
એક વધુ મહત્વની બાબત, એવી ઘણી ફેશન સાઇટ્સ છે જ્યાં તમે લક્ઝરી એપેરલ, ઘડિયાળો, શૂઝ, બેગ અને અન્ય તમામ વસ્તુઓ કમ્પિટિટિવ કિંમતે ખરીદી શકો છો. ઘણીવાર ત્યાં SALE પણ ચાલતા હોય છે.. ઉદાહરણ તરીકે Ajio Luxe, Luxepolis, Darveys અને Tata CLiQ લક્ઝરી જેવી ઘણી સાઇટ્સ છે જ્યાં તમે લક્ઝરી વસ્તુઓના શોરૂમની સરખામણીમાં સસ્તામાં પ્રોડક્ટ્સ ખરીદી શકો છો.
લક્ઝરી વસ્તુઓની ખરીદી સંબંધિત કેટલીક ટિપ્સ
1. ઘણા સ્ટોર્સ અને સાઇટ્સ સેકન્ડ હેન્ડ લક્ઝરી વસ્તુઓનું વેચાણ કરે છે. આ વસ્તુઓ ખૂબ જ સારી કન્ડિશનમાં હોય છે અને નવા જેવી લાગે છે.. તો તમે ત્યાં ,થોડી સસ્તી કિંમતે લક્ઝરી વસ્તુઓનો મોંઘો શોખ પૂરો કરી શકો છો.
2. ડિઝાઈનર બ્રાન્ડ્સમાં પણ ખાસ SALE સીઝન હોય છે જે સામાન્ય રીતે વર્ષમાં બે વાર થાય છે.. સેલ વખતે તમે તેમના સ્ટોર પર જઈને તમારી પસંદગીની પ્રોડક્ટ્સ ખરીદી શકો છો.
3. એરપોર્ટ પર ડ્યુટી ફ્રી શોપ છે. ત્યાં લક્ઝરી આઈટમ્સ બજાર કિંમત કરતા થોડાક ઓછા ભાવે ઉપલબ્ધ હોય છે.. તેથી ડ્યુટી ફ્રી શોપમાંથી લક્ઝરી વસ્તુઓની ખરીદી કરવી એ એક સારો સોદો હોઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો