પરિવાર મોટો છે તો બચત માટે આ રીતે કરો ખરીદીનું પ્લાનિંગ
જો તમારો પરિવાર મોટો છે, ઘરમાં કરિયાણાને સ્ટોર કરવાની પુરતી જગ્યા છે, કરિયાણા પર થતો ખર્ચ બચાવવા માંગો છો અને એકસાથે મોટો ખર્ચ કરવા સક્ષમ છો તો તમારે બલ્ક બાઇંગ કરવું જોઇએ.
Money9: પરિવાર મોટો હોય એટલે કરિયાણું અને અન્ય જીવનજરુરી ચીજવસ્તુઓની જરૂરિયાત પણ વધારે પડવાની. જો તમે વારંવાર કરિયાણાની ખરીદી કરતા હશો તો દરેક વખતે મોંઘવારીની ચિંતા તમને સતાવતી હશે. મોંઘવારીનો તોડ અને આખા મહિનાના કરિયાણાની ઝંઝટની એક દવા છે, જેનું નામ છે, બલ્ક બાઇંગ..બલ્ક બાઇંગનો અર્થ છે સામાનની એકસાથે મોટા જથ્થામાં ખરીદી. અને આવી ખરીદી પર ડિસ્કાઉન્ટ ચોક્કસથી મળે છે.
બલ્ક બાઇંગ કરો, ખર્ચ બચાવો
જો તમારો પરિવાર મોટો છે, ઘરમાં કરિયાણું સ્ટોર કરવાની પર્યાપ્ત જગ્યા છે, કરિયાણા પર થતો ખર્ચ બચાવવા માંગો છો અને એકસાથે મોટો ખર્ચ કરવા સક્ષમ છો, તો તમારે બલ્ક બાઇંગ કરવું જોઇએ. આ બલ્ક બાઇંગ તમે કોઇ બલ્ક બાઇંગ સ્ટોર, હોલસેલ સ્ટોર કે પોતાની આસપાસના લોકલ સુપર સ્ટોર પરથી કરી શકો છો કે જ્યાં બલ્ક બાઇંગ પર ડિસ્કાઉન્ટ મળે છે. તમે ડી-માર્ટ, વિશાલ મેગામાર્ટ, રિલાયન્સ માર્ટ, સ્માર્ટ બજાર જેવા હાઇપરલોકલ સ્ટોર્સમાંથી પણ ખરીદી કરી શકો છો જ્યાં વધુ બચત થઇ શકે છે.
આ રીતે થશે ફાયદો
હવે બલ્ક બાઇંગથી ફાયદો કેવી રીતે થાય છે, તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે તમારા ઘરમાં એક મહિનામાં 10 લીટર સીંગતેલનો ઉપયોગ થાય છે તો તમે એકસાથે 1-1 લીટરના 10 પેકેટ ખરીદી શકો છો કે પછી 5-5 લીટરના બે મોટા પેક કે, 10 લીટરનું એક પેક ખરીદી શકો છો. 1 લીટર તેલની કિંમત જો 170 રૂપિયા છે તો 10 લીટરના કુલ પેકની કિંમત થઇ 1700 રૂપિયા..પરંતુ જ્યારે તમે બલ્ક બાઇંગ કરશો તો આ સ્ટોર્સ તમને 1 લીટરના 10 પેક 150 રૂપિયા પ્રતિ લીટરના હિસાબે આપી શકે છે એટલે તમારે આપવા પડશે કુલ 1500 રૂપિયા. આ રીતે 5 લીટર અને 10 લીટરના પેક પણ વત્તાઓછા અંશે સસ્તા પડશે.
મહિનાના પ્લાનિંગમાં મળશે મદદ
બલ્ક બાઇંગ તમારા મંથલી પ્લાનિંગમાં પણ મદદ કરે છે. જો તમે આખા મહિના કે બે મહિનાનું સામાનનું લિસ્ટ બનાવો છો અને પછી ખરીદો છો તો ફાલતુની ખરીદીથી બચી શકો છો. બલ્ક બાઇંગનો એક બીજો ફાયદો પણ છે. તેનાથી પ્રોડક્ટ પેકેજિંગ પર થતું કાર્બન અને એનર્જી ફૂટપ્રિન્ટ ઘટે છે. પ્લાસ્ટિક વેસ્ટેજ ઘટે છે. એટલે પર્યાવરણને ઓછુ નુકસાન થાય છે.
ઇમરજન્સીમાં કામ આવશે
બલ્ક બાઇંગથી ઇમરજન્સીમાં પણ મદદ મળે છે. તમારી પાસે સ્ટોકમાં સામાન છે તો લોકડાઉન જેવી સ્થિતિમાં તમે મહિના કે બે મહિના સુધી નિશ્ચિંત રહી શકો છો. તમે મહિના-બે મહિનાનું કરિયાણું એડવાન્સમાં લઇને રાખ્યું છે તો આગળ તે સામાનની કિંમત વધે તો કેટલાક સમય સુધી તમારા પર તેની અસર નહીં થાય. આશા છે તમે બલ્ક બાઇંગના ફાયદા સમજી ગયા હશો. અને તમારો પરિવાર જો મોટો છે તો ખરીદીનું આ મોટું પ્લાનિંગ બચતને વધારવામાં તમારી પૂરી મદદ કરશે.