ખાદ્ય ફુગાવો નીચે જવાથી છૂટક મોંઘવારી હળવી થઈ છે. જાન્યુઆરી 2024માં રિટેલ ફુગાવાનો દર 5.10 ટકાના ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. સરકારે 12 ફેબ્રુઆરીએ સાંજે જાહેર કરેલા છૂટક મોંઘવારીના આંકડા અર્થશાસ્ત્રીઓની અપેક્ષા મુજબ છે. અર્થશાસ્ત્રીઓએ પણ 5.09 ટકાની આસપાસનો અંદાજ આપ્યો હતો. અગાઉ ડિસેમ્બર 2023માં રિટેલ ફુગાવો 5.69 ટકા નોંધાયો હતો.
સરકારી આંકડા પ્રમાણે, જાન્યુઆરી 2024માં ગ્રામ્ય ફુગાવાનો દર 5.34 ટકા, જે 2023ના જાન્યુઆરીમાં 5.93 ટકા હતો. શહેરોમાં ફુગાવાનો દર 5.46 ટકાથી ઘટીને 4.92 ટકા થયો છે.
RBIનો ટાર્ગેટ
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ રિટેલ ફુગાવાના દર માટે 4 ટકા ટાર્ગેટ નક્કી કર્યો છે, અને 2 ટકાથી 6 ટકાની રેન્જ નક્કી કરી છે. જાન્યુઆરીમાં ફુગાવાનો દર આ રેન્જની અંદર છે, પરંતુ 4 ટકાના મૂળ ટાર્ગેટ કરતાં હજુ પણ વધારે છે. ખાવા-પીવાની ચીજવસ્તુઓ સસ્તી થવાથી ફુગાવામાં તીવ્ર ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવો 8.30 ટકા હતો, જે ડિસેમ્બરમાં 9.53 ટકા નોંધાયો હતો.
ખાદ્ય મોંઘવારી
ડિસેમ્બર 2023ની તુલનાએ જાન્યુઆરી 2024માં ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી ભલે ઘટી હોય, પરંતુ ખાવા-પીવાની ચીજવસ્તુઓ હજુ પણ ગયા વર્ષની તુલનાએ મોંઘી છે.
જાન્યુઆરી 2024માં દાળની મોંઘવારીનો દર 19.54 ટકા નોંધાયો છે, જે ડિસેમ્બર 2023માં 20.73 ટકા હતો.
ફળ-શાકભાજીની કિંમતમાં નજીવો ઘટાડો નોંધાયો છે. શાકભાજીનો ફુગાવાનો દર હળવો ઘટીને 27.03 ટકા થયો છે, જે ડિસેમ્બર 2023માં 27.64 ટકા હતો.
ફળની મોંઘવારીનો દર જાન્યુઆરીમાં 8.65 ટકા રહ્યો છે, જે ડિસેમ્બરમાં 11.4 ટકા હતો. મસાલાની મોંઘવારીનો દર ડિસેમ્બરમાં 19.69 ટકા હતો, જે જાન્યુઆરીમાં ઘટીને 16.36 ટકા થયો છે.
Published - February 12, 2024, 08:00 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો