MONEY9: અખબારમાં કેશબેકની જાહેરાત જોઇને પ્રોફેસર વિજય પટેલ ખુશખુશાલ થઇ ગયા. ફેસ્ટિવ સીઝનમાં ક્રેડિટ કાર્ડ મારફતે શોપિંગ પર 10 ટકા કેશબેકની ઓફર જોઇને કોણ ખુશ ના થાય? વિજયે ઇ કોમર્સ કંપનીની સાઇટ પરથી એક સપ્તાહમાં રૂ. 75ની શોપિંગ કરી લીધી. જ્યારે તેમને રૂ. 2000નું કેશબેક મળ્યું ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો. કસ્ટમર કેર પર ફોન કર્યો તો ખબર પડી કે એક કાર્ડ પર મહત્તમ રૂ. 2000નું જ કેશબેક મળી શકે છે. આ વાત અખબારની જાહેરાતમાં પણ ઝીણા અક્ષરે લખેલી હતી.
આ માત્ર વિજયની વાત નથી. કેશબેક ઓફરની લાલચમાં ફસાઇને અનેક લોકો પોતાનું બજેટ ખોરવી નાંખે છે. હકીકતમાં ફેસ્ટિવ સીઝનમાં અનેક બેન્કો અને કંપનીઓ તેમના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી પર કેશબેકની ઓફર આપે છે. કેશબેકની આ ઓફર પસંદગીની ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને બ્રાન્ડ પર જ મળે છે. બહારથી તો આ ઓફર ખુબ જ આકર્ષક લાગે છે પરંતુ તેની હકીકત કઇંક અલગ જ હોય છે. તમે તમારા પસંદગીના શોરૂમ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર જઇને કાર્ડ સ્વેપ કરીને કેશબેકનો લાભ નથી લઇ શકતા.
મોટા ભાગની કંપનીએ એવી પ્રોડક્ટ પર જ ઓફર આપે છે જેની બજારમાં માંગ ઓછી હોય અથવા હમણા જ લોન્ચ કરેલી હોય. જોકે કેટલીક ફિનટેક કંપનીઓ સ્માર્ટફોન, લેપટોપ અને ટીવી વગેરે પર કેશફ્રી કેશબેકની આકર્ષક ઓફર આપે છે. તેનો ઉપયોગ કરવામાં કોઇ બુરાઇ નથી. જો તમારી બેન્ક કે ક્રેડિટ કાર્ડ કંપનીએ કેશબેકની ઓફર આપી છે તો કેટલીક બાબતોનું ધ્યાન રાખે જેથી કરીને તમારે પણ વિજયની જેમ પશ્તાવું ના પડે.
લઘુતમ ખર્ચ
ઇ કોમર્સ કંપનીની વેબસાઇટ પર કેશબેક ઓફર અંતર્ગત બેંકો ઘણી વખત શોપિંગની લઘુતમ સીમા નકકી કરી દે છે. એવું નથી કે તમે ક્રેડિટ કાર્ડથી જેટલી પણ ખરીદી કરો તમને પૂરેપૂરી રકમ કેશબેક મળે. આવી ઓફરોમાં લઘુતમ રકમની ખરીદી માટે ચુકવણીની શરતો જોડાયેલી હોય છે. આ મર્યાદા બેન્ક અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ તરફથી નક્કી કરેલી હોય છે. સામાન્ય રીતે આ રકમ રૂ. 2000થી 5000ની વચ્ચે હોય છે. જો તમે ક્રેડિટ કાર્ડથી 1800 રૂપિયાનું શોપિંગ કરો છો તે તેના પર કેશબેકની ઓફર નહીં મળે. જો તમે આ ઓફરનો લાભ લેવા માગો છો તો તમારે નિર્ધારીત લઘુતમ રકમનું શોપિંગ કરવું પડશે.
ટોચ મર્યાદા
જો જાહેરાતને ધ્યાનથી દેખવામાં આવે તો મોટા ભાગની કંપની શોપિંગ પર કેશ બેકની ટોચ મર્યાદા નક્કી કરી દે છે. જો તમારી બેન્કે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર 10 ટકા કેશબેકની ઓફર આપી છે અને મહત્તમ મર્યાદા 2000 રૂપિયા નક્કી કરેલી છે તો આવી સ્થિતિમાં તમે રૂ. 20 હજારનું શોપિંગ કરીને કેશબેકનો લાભ ઉઠાવી શકો છો. જો તમે કોઇ મોલમાં જઇને રૂ. 50 હજારનું શોપિંગ કરી લો છો તો તેનો મતલબ એવો નથી કે તમને રૂ. 5000ની કેશબેક મળશે. ધ્યાન રાખો તમામ કંપનીઓ કેશબેકની જટીલ શરતો ખુબ જ નાના અક્ષરોમાં લખે છે. કેટલીક વખત સ્ટાર લગાવીને શરતો લાગુ તેમ પણ કહી દેવાય છે.
વિશેષ સમજૂતી
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકી કહે છે કે, ઘણી વખત નાણાકીય કંપનીઓ કેશ બેક ઓફર એવી સ્થિતિમાં આપે છે જ્યારે ક્રેડિટ કાર્ડ તેના પોતાના પોઇન્ટ ઓફ સેલ્સ ટર્મિનલ પર સ્વેપ કરવામાં આવ્યું હોય. સામાન્ય રીતે બેક કોઇ વિશેષ બ્રાન્ડ સાથે સમજૂતી કરે છે ત્યારે ખર્ચને ધ્યાનમાં રાખીને પોતાના કાઉન્ટર જ કાર્ડ કરાવવા ઇચ્છે છે. દાખલા તરીકે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડનો HPCL સાથે કરાર છે. માટે પેટ્રોલ પંપ પર ફ્યુઅલ ભરાવતા 2.5 ટકા કેશબેકની ઓફર છે. જો તમે આ કાર્ડથી IOCના પંપ પરથી પેટ્રોલ ભરાવો છો તો તેમને કોઇ લાભ નહીં મળે.
સોલંકી કહે છે કે એકંદરે કેશબેકની લાલચમાં ફસાઇને વધુ શોપિંગ ના કરો. જો તમે કેશબેક મેળવવા માટે તમારા બજેટ કરતા વધુ ખર્ચ કરી દેશો તો બાદમાં તમને ચુકવણી કરવામાં તકલીફ પડશે. માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર કેશબેકનો ફાયદો ઉઠાવતા પહેલાં અનેકવાર વિચારવું જોઇએ. જો તમે નક્કી કરી લીધું હોય તો તેના નિયમો અને શરતોને ધ્યાનથી સમજી લો. આ બાબતમાં સહેજ પણ બેદરકારી તમને મોંઘી પડી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો