MONEY9: ખાનગી કંપનીમાં કામ કરતા મનોહર સિંહને પુત્રીની ફી ભરવા માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. પરંતુ તેની કોલેજનો બેંકોની એજ્યુકેશન લોન માટેની યાદીમાં સમાવેશ થતો નથી. એજ્યુકેશન લોન ન મળવાના કારણે મનોહર પરેશાન છે. ઓફિસના સહયોગીએ તેને ટોપઅપ લોન લેવાની સલાહ આપી. ટોપઅપ લોન કેવી હોય છે, તે ક્યારે અને કેવી રીતે મળે તેની મનોહરને કોઇ જાણકારી નથી. જો આ વિશે તમને પણ જાણકારી નથી, તો આવો અમે તમને માહિતી આપીએ.
બેંક અને ફાઇનાન્સ કંપનીઓ પોતાનો બિઝનેસ વધારવા માટે હંમેશા સારા ગ્રાહકોની શોધમાં રહેતી હોય છે. બેંકોના જે જુના ગ્રાહકો લોન હપ્તાની સમયસર ચુકવણી કરે છે અને જેનો સિબિલ સ્કોર સારો હોય છે, તેમને જુના રેકોર્ડના આધારે વધારાની લોનની ઓફર કરવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને ટોપઅપ લોન કહેવામાં આવે છે. અત્યારે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ હોમલોન, પ્રોપર્ટી લોન અને પર્સનલ લોન પર ટોપઅપ લોનની સુવિધા આપી રહી છે. આવા ગ્રાહકોને આ સંસ્થાઓ તરફથી અવાર-નવાર ટોપઅપ લોન માટે ફોન આવતા રહે છે. મોબાઇલ SMS અને ઇમેલ દ્વારા પણ મેસેજ મોકલવામાં આવે છે.
ટોપઅપ લોન ક્યારે અને કોણે લેવી જોઇએ અને તેના શું ફાયદા છે, તે એક મોટો સવાલ છે. ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે દેવું કરીને ઘી પીવામાં કોઇ સમજદારી નથી. જો બાળકોના લગ્ન, અભ્યાસ, ધંધાનું વિસ્તરણ કે બીમારી માટે પૈસાની વધારે જરૂરિયાત છે તો ટૉપઅપ લોન લઇ શકો છો. પિકનિક કે ઘરમાં લકઝરી સામાન ખરીદવા માટે લોન લેવામાં કોઇ સમજદારી નથી. જો ટોપઅપ લોન લઇ રહ્યા છો તો સૌથી પહેલા હોમલોનના બદલામાં લેવાનો વિકલ્પ શોધો. જો આ વિકલ્પ ઉપલબ્ધ નથી તો પછી પ્રોપર્ટી લોન પર ટોપઅપ લઇ શકો છો. પર્સનલ લોન પર ટોપઅપ લેવાનો વિકલ્પ અંતિમ હોવો જોઇએ. કારણ કે હોમલોન અને પ્રોપર્ટી લોનની તુલનામાં પર્સનલ લોન લગભગ બેગણી મોંઘી હોઇ શકે છે.
સામાન્ય રીતે ટૉપઅપ લોનની મંજૂરી માટે બેંક ગ્રાહકોની જુની લોનની ચુકવણીનો છેલ્લા છ મહિનાનો રેકોર્ડ જુએ છે. ટૉપઅપ લોન માટેનું આ સૌથી પહેલું પગથિયું છે. ત્યારબાદ બેંક ગ્રાહકની વધારાની લોનની ચુકવણીની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. બેંકને લાગે કે તમે વધારાની લોનનો હપ્તો ભરવાની ક્ષમતા રાખો છો તો તમારી ટોપઅપ લોન તરત મંજૂર થઇ જશે. લોન ચુકવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે બેંક તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને માસિક આવક અને ખર્ચનું મૂલ્યાંકન કરે છે. ટૉપઅપ લોન ગ્રાહકની જુની લોનની તુલનામાં 3 થી 4 ટકા સુધી મોંઘી હોઇ શકે છે. જાણીતી બેંકો હોમ લોનના ટોપઅપ પર 7.05 થી 9.30 ટકા સુધી વ્યાજ વસૂલી રહી છે જ્યારે પર્સનલ લોન ટોપઅપ પર વ્યાજનો દર 10.30 થી 22 ટકાની વચ્ચે છે.
બેંક તમને કેટલી ટોપઅપ લોન આપશે તે અલગ-અલગ બેંકોની પૉલિસી પર આધાર રાખે છે. ટૉપઅપ લોન માટે બેંકની તે શાખામાં અરજી કરી શકો છો જ્યાંથી તમે પહેલા હોમ લોન લીધી છે. બેંક મકાનના બજાર મૂલ્યાંકન અનુસાર જ ટૉપઅપ લોનની રકમ મંજૂર કરે છે. ઉદાહરણ તરીકે તમારા ઘરનું બજાર મૂલ્ય 50 લાખ રૂપિયા છે તો 80 ટકાના હિસાબે બેંક 40 લાખ રૂપિયાની હોમલોન આપી શકે છે. જો તમે 25 લાખ રૂપિયાની લોન લીધી છે તો 15 લાખ રૂપિયાની ટોપઅપ લોન મળી શકે છે. મહત્વની વાત એ છે કે બધા પ્રકારની લોનના કિસ્સામાં બેંક ગ્રાહકની લોન ચુકવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. જેના આધારે લોનની રકમ નક્કી કરવામાં આવે છે. ટોપઅપ લોનની પ્રક્રિયા ઘણી જ સરળ છે. કારણ કે લોન લેનાર ગ્રાહક નાણાકીય સંસ્થાનો જુનો ગ્રાહક છે એટલે તેના વિશે વધારે તપાસની જરૂરિયાત નથી હોતી. સ્વાભાવિક છે કે લોન જલદી મંજૂર થઇ જાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો