Money9: વિવેક આજકાલ ઘર શોધવામાં વ્યસ્ત છે. ઓફિસમાંથી રજાના બે દિવસ પ્રોજેક્ટ અને મકાનો જોવામાં પસાર થઇ રહ્યા છે. તે અંડર-કન્સ્ટ્રક્શન અને રિસેલ ફ્લેટ વિશે થોડો મૂંઝવણમાં છે. ઘર ખરીદતી વખતે મોટાભાગના લોકોના મનમાં આવી જ દુવિધા રહેતી હોય છે કે રિસેલ ફ્લેટ ક્યારે ખરીદવો જોઈએ? શું રિસેલ પ્રોપર્ટી અંડર-કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી કરતાં સસ્તી પડે છે? રિસેલ પ્રોપર્ટી ખરીદતી વખતે શું શું જોવું જોઇએ? વિવેકની આ દુવિધાને દૂર કરતા પહેલા આવો જાણીએ કે રિસેલ પ્રોપર્ટી છેવટે શું હોય છે?
રિસેલ પ્રોપર્ટીમાં, તમે બિલ્ડર પાસેથી સીધું ઘર કે ફ્લેટ નથી ખરીદતા. એટલે કે એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી ઘર ખરીદ્યું અને તેને થોડા વર્ષો સુધી રાખ્યા પછી, તેને કોઇ ત્રીજી વ્યક્તિ એટલે કે તમને વેચી દીધું.રિસેલમાં સામાન્ય રીતે જૂની પ્રોપર્ટીનું વેચાણ થાય છે પરંતુ દરેક વખતે આવું થાય તે જરૂરી નથી. ઘણીવાર લોકો બિલ્ડર પાસેથી અંડર-કન્સ્ટ્રક્શન ફ્લેટ ખરીદે છે અને બાંધકામ પૂરું થયાના થોડા સમય પહેલા કે પછી તેને કોઈ વ્યકિતને વેચી દે છે. આવી સ્થિતિમાં ફ્લેટ તો નવો હોય છે પરંતુ તેને રિસેલ ફ્લેટની કેટેગરીમાં જ રાખવામાં આવે છે. રિસેલ પ્રોપર્ટીનો સૌથી મોટો ફાયદો તેનો રેડી-ટુ-મૂવ હોવાનો છે. એટલે કે ઘર ખરીદ્યા પછી તમે તરત જ તમારો સામાન મૂકીને રહેવાનું શરૂ કરી શકો છો. અંડર-કન્સ્ટ્રક્શન ફ્લેટમાં તમને આ સુવિધા નથી મળતી. તેમાં શિફ્ટ થવા માટે તમારે 3 થી 4 વર્ષની રાહ જોવી પડે છે.
જો તમે લોન લઈને ઘર ખરીદી રહ્યા છો અને લોનની EMIની સાથે-સાથે ઘરનું ભાડું ચૂકવવા નથી માંગતા તો તમે રિસેલમાં ઘર ખરીદી શકો છો. રિસેલ પ્રોપર્ટીની કિંમતો લોકેશન, બાંધકામની ગુણવત્તા, ફ્લેટની ઉંમર એટલે કે કેટલો જુનો છે અને પ્રોપર્ટી માર્કેટના વર્તમાન પરિસ્થિતિ પર આધાર રાખે છે. કોઈપણ પ્રોપર્ટી જેમ જેમ જૂની થતી જાય તેમ તેમ તેની કિંમત ઘટતી જાય છે કારણ કે તેની સ્ટ્રેંથ એટલે કે મજબૂતી ઘટતી જાય છે. સ્વાભાવિક છે કે, નવા ઘરની સરખામણીમાં તેના જેવા જ જુના ઘરની કિંમત ઓછી હશે. વધુ જૂના મકાન, નવા મકાનની સરખામણીમાં પ્રમાણમાં સસ્તા પડે છે. એવા ફ્લેટ જેનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે અને તે રિસેલમાં વેચવામાં આવે છે તો તેની કિંમત અને બિલ્ડરની પાસે રેડી-ટુ-મૂવ પ્રોપર્ટીની કિંમતમાં મામૂલી તફાવત હશે.
જૂના એપાર્ટમેન્ટની સરખામણીમાં, નવા એપાર્ટમેન્ટમાં સુવિધાઓ વધારે મળે છે અને રિડેવલપમેન્ટમાં પણ પૈસાનો ખર્ચા નથી કરવો પડતો. રિસેલમાં પ્રોપર્ટી ખરીદવાના કિસ્સામાં, ઘર અથવા ફ્લેટ 5 થી 10 વર્ષથી વધુ જૂનો ન હોવો જોઈએ. જો ઘર ઘણું જૂનું છે, તો તમારે સમારકામ પર ઘણા પૈસા ખર્ચવા પડશે. જૂનું મકાન ખરીદતી વખતે, તમારે ઘણી બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે… જેમ કે લોકેશન, સુવિધાઓ, સીપેજની સમસ્યા, પ્રોપર્ટી કેટલી જૂની છે અને બાંધકામની ગુણવત્તા… જૂનો ફ્લેટ ખરીદતી વખતે સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે તેની મજબૂતાઈ અને બાંધકામની ગુણવત્તા ચેક કરાવો. લોકેશન અને અન્ય વસ્તુઓ જોયા પછી, તમે ઘર ખરીદવા માટે સંમત થાઓ છો. ત્યાર બાદ સૌથી મહત્વપૂર્ણ કામ શરૂ થાય છે, જે પેપરવર્કનું છે. જૂના મકાનના કિસ્સામાં, ઘણા દસ્તાવેજો તપાસવા જરૂરી છે. આમાં એલોટમેન્ટ લેટર, પઝેશન લેટર, કમ્પ્લીશન સર્ટિફિકેટ, ઓક્યુપન્સી સર્ટિફિકેટ, સેલ ડીડ એટલે કે રજિસ્ટ્રી, મ્યુટેશન ડીડ, ચેઇન ડીડ અને બોજાના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે.
બોજાના પ્રમાણપત્રથી પ્રોપર્ટી પરના બાકી લેણાં વિશે માહિતી મળે છે. તમે આ દસ્તાવેજોને કોઈ સારા વકીલ પાસે ચેક કરાવી શકો છો. આ ઉપરાંત, તમે બેંકમાં લોન માટે અરજી કરી શકો છો… બેંકો તમામ દસ્તાવેજોની તપાસ કર્યા પછી જ લોન મંજૂર કરે છે…આશા છે કે વિવેકની સાથે તમારી પણ રિસેલ પ્રોપર્ટી સંબંધિત બધી મૂંઝવણો દૂર થઈ ગઈ હશે. જો તમે તરત ઘર ખરીદીને શિફ્ટ થવા માંગો છો તો રિસેલ એક સારો વિકલ્પ છે. રિયલ એસ્ટેટ માર્કેટના દિવસો સારાચાલી રહ્યા છે. બિલ્ડર પાસેથી રેડી-ટુ-મૂવ-ફ્લેટ મળવાની શક્યતાઓ ઓછી છે. ત્યારે તમે સેકન્ડરી માર્કેટમાં રિસેલમાં ઘરની ખરીદી કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો