MONEY9 GUJARATI: પોતાના બજેટમાં અને તે પણ પસંદગીનું ભાડાનું ઘર શોધવું ખુબ અઘરું છે. અઘરું એટલા માટે કેમ કે તમારે ભાડા ઉપરાંત ઘણી વાતોનું ધ્યાન રાકવું પડે છે. જેમ કે સેફ્ટી, લોકાલિટી, કનેક્ટિવિટી, વ્હિકલ પાર્કિંગ, મેન્ટેનન્સ ચાર્જ, રેન્ટ એગ્રીમેન્ટ વગેરે વગેરે.. માટે જ ઘર માત્ર તમારા પોતાના માટે શોધી રહ્યા હો કે આખા પરિવાર માટે. કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. કઈ છે એ બાબતો? આવો જાણીએ..
સૌથી પહેલા એ સમજી લઈએ કે ઑફલાઈન ઘર શોધતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જાતે ફરી ફરીને ઘર શોધવું સરળ નથી . તેવામાં પ્રોપર્ટી ડીલર કે બ્રોકરની મદદ લઈ શકાય છે. તેઓ તમને તમારા બજેટ પ્રમાણે પ્રોપર્ટી બતાવે છે અને તેના બદલામાં કમિશન લે છે. ધ્યાન રાખો કે બ્રોકરેજને લઈને પહેલા જ સ્પષ્ટ વાત કરી લેવી જોઈએ. મોટાભાગે 1થી 2 મહીનાના રેન્ટ બરાબર કમિશન આપવું પડે છે. તેમાં બંને વચ્ચેની સમજૂતી પ્રમાણે ઘટાડો કરાવી શકાય છે.
બીજી તરફ ઑનલાઈન ઘર શોધવામાં કેટલીક સરળતા રહે છે. ઘણીવાર ઓનર તરફથી લિસ્ટેડ પ્રોપર્ટી મળી જાય છે. ઘર પસંદ આવે તો સીધા મકાન માલિકને મળીને ભાડા પર ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે અને બ્રોકરેજનો વધારાનો ભાર પણ ઉઠાવવો નથી પડતો. જો કે ધ્યાન એ વાતનું રાખવું પડે કે રિયલ એસ્ટેટ પોર્ટલ્સ પર ફેક એડનું જોખમ હોય છે. સાયબર ઠગ ભવ્ય અપાર્ટમેન્ટના ફોટા મુકીને લોકોને લલચાવે છે અને એડવાન્સ રેન્ટ તેમજ બીજા ચાર્જ લઈ રફૂચક્કર થઈ જાય છે. માટે જરૂરી છે કે જ્યાં સુધી જાતે જઈને ઘર ના જોઈ લો અને પૂરેપૂરી માહિતી ના મેળવી લો ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ના કરો.
હવે એ સમજી લઈએ કે ઘર શોધતા સમયે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. હાઉસ હંટમાં લોકાલિટી ઘણી મહત્વની બની જાય છે. સુરક્ષા અને કનેક્ટિવિટી બંને બાબતોને ધ્યાનમાં રાખી લોકેશન પસંદ કરવું જોઈએ. ત્યાંથી તમારી ઑફિસ કેટલી દૂર છે, આજુબાજુ માર્કેટ, સ્કૂલ, હૉસ્પિટલ, પાર્ક છે કે નહીં, આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
એક વાર ઘર પસંદ આવી જાય ત્યાર પછી મકાન માલિક જોડે ભાડું, સિક્યોરિટી, મેન્ટેનન્સ, નોટિસ પીરિયડને લઈને સ્પષ્ટ વાત કરી લેવી જોઈએ. રેન્ટ કેટલા મહિનામાં વધશે, ઘરમાં કોઈ પણ પ્રકારના સમારકામની જરૂર પડે તો ખર્ચ કોણ ઉઠાવશે, ઘરમાં કેટલું ફર્નિશિંગ હશે, આ બધા પર ચર્ચા કરી લેવી યોગ્ય રહેશે. નિયમ અને શરતોને સમજીને જ રેન્ટ એગ્રીમેન્ટ પર સહી કરવી જોઈએ.
મહત્વનું છે કે સોસાયટી અને બિલ્ડર ફ્લેટમાં જુદા-જુદા નિયમો અને શરતો હોય છે. સોસાયરીની રુલ-બુક અલગ હોય છે. દાખલા તરીકે કેટલીક સોસાયટીમાં પાળતુ પ્રાણીઓને રાખવાની પરમિશન નથી હોતી. તો કેટલીક જગ્યાએ ભલે તમારી પાસે એકથી વધુ વાહન હોય તેમ છતાં પાર્કિંગ તમને એક જ ગાડીનું મળે છે. તેવામાં જરૂરી છે કે સોસાયટીની રુલ-બુકને પહેલા વાંચી લેવામાં આવે.
આવી જ રીતે બિલ્ડર ફ્લેટમાં છતનું એક્સેસ, પાર્કિંગની જગ્યાને લઈ ભાડુઆતોમાં અંદરોઅંદર કચકચ થઈ જાય છે. શક્ય છે કે તમે જે ફ્લોર પર રહો છો તેની સાથે તમને રુફ-રાઈટ ના મળ્યા હોય. કે પછી બિલ્ડીંગમાં ચાર ફ્લોર પર અલગ અલગ પરિવાર રહેતા હોય પરંતુ પાર્કીંગમાં માત્ર એક કે બે વાહન પાર્ક કરવાની જગ્યા હોય. ત્યારે સારું એ રહેશે કે તમે આ તમામ બાબતોને પહેલા જ જાણી લો અને સમજી લો.
આ ઉપરાંત ઘરમાં વીજળીના વાયર, અર્થિંગ, સ્વિચબોર્ડ, બાથરુમના નળ, ભેજની પણ તપાસ કરી લો. શિફ્ટ થતાં પહેલા કે શિફ્ટ થયા પછીના થોડા દિવસોમાં જ મકાન માલિકને કહી ખરાબ વસ્તુઓનું સમારકામ કરાવી લેવું યોગ્ય રહેશે. આટલી બાબતોનું જો ધ્યાન રાખશો તો ના તમને ઘર શોધવામાં કે પછી ના ઘરમાં શિફ્ટ થયા બાદ કોઈ પણ તકલીફનો સામનો કરવો પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો