Money9: કોવિડનો કહેર ઘટતા જ જાણે કે પ્રોપર્ટી બજારની સૂરત બદલાઇ ગઇ. મહિનાઓ સુધી ખાલી પડેલા મકાન હવે ભરવા લાગ્યા છે. ભાડાના ઘરોની જ બિલકુલ આ જ હાલત છે. ડિમાન્ડ વધી તો મકાનોના ભાડા પણ વધી ગયા છે. આનાથી એક તરફ લોકોને પોતાની પસંદગીનું ઘર શોધવામાં મહેનત કરવી પડી રહી છે. તો બીજુ ખિસ્સા પર બોજ પણ વધ્યો છે. વધતા રેન્ટની વચ્ચે ખર્ચને ઘટાડવો કેવી રીતે ફાયદાકારક રહેશે..આવો જાણીએ.
ભાડામાં તેજી
સૌથી પહેલા વાત કરીએ ભાડામાં તેજીની તો વર્ષ 2022ના એપ્રિલથી જૂનમાં દેશના 13 મુખ્ય શહેરોમાં મકાનોના ભાડામાં એવરેજ 8.4 ટકાની તેજી આવી છે. આ વૃદ્ધિ ત્રિમાસિક ધોરણે છે. હૈદરાબાદ, બેંગાલુરુ, નોઇડા અને પુણેમાં એવરેજ ભાડામાં સૌથી વધુ અનુક્રમે 14.3 ટકા, 13.5 ટકા, 10.7 ટકા અને 9.5 ટકાની વૃદ્ધિ થઇ છે. જ્યારે ગુરુગ્રામ અને દિલ્હીમાં ભાડા અનુક્રમે 9.3 ટકા અને 8.8 ટકા વધ્યા છે.
મોંઘવારી બાદ હવે વાત ભાડું બચાવવાની કરીએ તો એ દિવસો જતા રહ્યા જ્યારે ભાડું ફક્ત કેશમાં જ લેવામાં આવતું હતું. હવે જુદીજુદી પેમેન્ટ એપ, ત્યાં સુધી કે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકાય છે. સાથે જ કેશબેક તથા ઓનલાઇન પેમેન્ટ ઓફરના સહારે મંથલી રેન્ટના 10 ટકા સુધી બચાવી શકાય છે. આ ઉપરાંત, તમે બિન-જરૂરી ખર્ચને પણ ઘટાડી શકો છો. જેમાં સ્વીમિંગ પુલનો ચાર્જ અને જિમની મેમ્બરશિપ જેવી ચીજો સામેલ છે. વીજળી અને પાણીની બરબાદી મોટો ખર્ચ બની શકે છે. ઘણી રીતો છે, જેના દ્વારા તમે આ બંનેનો ઓછો ઉપયોગ કરીને બિલ બચાવી શકો છો.
ઉદાહરણ તરીકે કારણ વગર લાઇટ અને પંખા ન ચલાવો. CFL કે ટ્યુબલાઇટનો ઉપયોગ કરો. સ્ટાર રેટિંગવાળા એપ્લાયન્સિસ લગાવો. તો ઘણા ક્રેડિટ કાર્ડ અને પેમેન્ટ એપ યુટિલિટી બિલ ભરવા માટે કેશબેક કે ડિસ્કાઉન્ટ પણ આપે છે. સામાન્ય રીતે દર વર્ષે 10 ટકા ભાડું વધે છે. ભાડું નહીં વધારવા કે ઓછું ભાડું વધારવા માટે તમે મકાન માલિક સાથે વાત કરી શકો છો. જો તમે સારા ભાડુઆત છો અને ખરેખર તમને આની જરૂર છે તો મકાન માલિક તમારી વિનંતીને માન્ય રાખી શકે છે. રેન્ટ એગ્રીમેન્ટના રિન્યુઅલ પર વાતચીત માટે આ યોગ્ય તક હોઇ શકે છે.
ભાડું બચાવવાની રીતો
કોઇપણ શહેરમાં કેટલાક વિસ્તારોમાં બીજા વિસ્તારોની સરખામણીએ વધારે ભાડું ચાલતુ હોય છે. સાથે જ મોટા ઘરોનું ભાડું પણ નાના ઘરથી વધારે હોય છે. આવા સંજોગોમાં પહેલા પોતાની જરુરિયાતો નક્કી કરો પછી ભાડાનો બોજ ઘટાડવા માટે બીજા વિસ્તાર કે નાના ઘરમાં શિફ્ટ થઇ શકો છો. ઘરનું ભાડું વધારે છે તો ફ્લેટમેટ રાખી શકો છો. આનાથી ભાડા સહિત બીજા ખર્ચ વહેંચાઇ જશે. રેન્ટલ પ્લેટફોર્મ નેસ્ટઅવે ટેક્નોલોજીસના ફાઉન્ડર અને સીઇઓ અમરેન્દ્ર સાહૂ જણાવે છે કે ભાડા પર ખર્ચ સેલેરીના 25 થી 35 ટકાથી વધારે ન હોવો જોઇએ. પગારદાર વ્યક્તિની સેલેરીમાં એક હિસ્સો હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRAનો હોય છે. જો તમે ભાડે રહો છો તો HRA ડિડક્શન ક્લેમ કરી શકો છો.
બ્રોકરને કમીશન આપીને ભાડેથી ઘર લેવાના બદલે હવે લોકો ઓનલાઇન હોમ રેન્ટલ સર્વિસની પણ સેવા લઇ રહ્યા છે. આ સસ્તું પડે છે. એવી ઘણી એપ છે જે ભાડુઆતોને ક્રેડિટ કાર્ડ કે પછી પોતાની એપ દ્વારા રેન્ટ ભરવા પર ઘણી આકર્ષક સ્કીમ, ઓફર કે કેશબેક આપે છે. આ ઓફર ભાડાનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. મેજિકબ્રિકસના રિપોર્ટ અનુસાર 13 મુખ્ય શહેરોમાં વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં રેન્ટલ હાઉસિંગની માંગ એટલે કે સર્ચમાં ત્રિમાસિક આધારે 29.4 ટકાની તેજી આવી છે. બેંગાલુરુ, ગ્રેટર નોઇડા, હૈદરાબાદ અને પુણેમાં સૌથી વધુ ક્રમશઃ 54.5 ટકા, 42.9 ટકા, 42 ટકા અને 39.6 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો