MONEY9: જ્યાં સુધી પરિવારનો મોભી જીવે છે, ત્યાં સુધી સામાન્ય રીતે પ્રોપર્ટીને લઇને ઝઘડાની સ્થિતિ પેદા નથી થતી. પરંતુ પરિવારના મોભી એટલે કે માતા કે પિતાનું અવસાન થતાં જ, જો વસિયત ન થઇ હોય તો સંતાનોમાં પ્રોપર્ટીને લઇને જંગ શરૂ થઇ જાય છે. મોટાભાગે સમસ્યા ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે સંપત્તિ વેચવાનો સમય આવે છે. કારણ કે ત્યારે એક સભ્ય પ્રોપર્ટી વેચવા તૈયાર થાય તો બીજો પ્રોપર્ટી પર અડિંગો જમાવીને બેઠો હોય છે. આવામાં સવાલ એ ઉભો થાય કે શું કોઇ સભ્ય પાસે સંપત્તિમાં પોતાનો હિસ્સો વેચવાનો અધિકાર છે.
સ્ટાર્ટઅપ કંપનીમાં કાર્યરત 35 વર્ષીય દિલીપ વર્માના બે ભાઇ છે અને એક બહેન છે. પિતાના મૃત્યુ બાદ તે, તેમના બન્ને ભાઇ અને બહેન ઘરમાં બરાબરના હિસ્સેદાર થયા. છટણીના દોરમાં દિલીપની નોકરી જતી રહી. હવે તેને પૈસાની સખત જરૂરિયાત છે. તે પ્રોપર્ટીમાં પોતાનો હિસ્સો વેચવા માંગે છે. પરંતુ તેના ભાઇ-બહેન આના માટે તૈયાર નથી. દિલીપને સમજાતું નથી કે આવી સ્થિતિમાં તેની પાસે શું રસ્તો છે. આવો જાણીએ કે દિલીપ જેવા લોકોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે છે.
પહેલી સ્થિતિઃ ભાઇ તેની બહેનને વેચી શકે છે પોતાનો હિસ્સો
જો પ્રોપર્ટીના બધા વારસદારો વચ્ચે કાયદેસરની વહેંચણી થઇ ચુકી છે તો તમે સામાન્ય રીતે પોતાનો હિસ્સો વેચી શકો છો. જો વારસોની વચ્ચે સંપત્તિ એટલે કે ઘરની વહેંચણી નથી થઇ તો આવા સંજોગોમાં તમે તમારા ભાઇઓ અને બહેનોને સામૂહિક રીતે કે તેમાંથી કોઇ એકને, જે ઇચ્છુક હોય તેને પોતાનો હિસ્સો વેચી શકો છો.
બીજી સ્થિતિઃ સંપત્તિમાં પોતાનો હિસ્સો વેચવાનો અધિકાર
ત્રણેમાંથી જો કોઇપણ પોતાનો હિસ્સો ખરીદવા માટે તૈયાર ન થાય તો કાયદેસર રીતે તમને એ અધિકાર છે કે તમે સંપત્તિમાં તમારો હિસ્સો કોઇ થર્ડ પાર્ટીને વેચી શકો છો. જો કે, જો તે ઘરમાં તમારા ભાઇ કે બહેન પરિવારની સાથે રહે છે તો ખરીદનારને પઝેશન એટલે કે કબજો નહીં આપી શકો કારણ કે પ્રોપર્ટીની વહેંચણી નથી થઇ.
એડવોકેટ દેવેશ વાજપેયી જણાવે છે કે જો કોઇ પ્રોપર્ટીમાં શેરહોલ્ડર કે કો-પાર્ટનર તમારા ફેમિલી મેમ્બર છે તો પોતાના હિસ્સાનું વેચાણ કરતા પહેલાં તમારે તેને લેખિત સ્વરૂપે સૂચિત કરવું જોઇએ કારણ કે પૂર્વજોની સંપત્તિ ખરીદવાનો તેમની પાસે પ્રથમ અધિકાર છે. આવી સ્થિતિમાં પહેલા તમારે તમારા ભાઇઓ અને બહેનને નોટિસ આપીને કહેવું જોઇએ કે આવશ્યકતા ઉભી થઇ છે એટલે તમે તમારો હિસ્સો વેચવા માંગો છો. જો તે ઇચ્છે તો નક્કી કરેલી કિંમતે આને ખરીદી શકે છે જો નહીં ખરીદે તો તમે તમારો હિસ્સો કોઇ થર્ડ પાર્ટીને વેચી શકો છો.
જોઇન્ટ પ્રોપર્ટી ખરીદતી વખતે કઇ વાતોનું રાખશો ધ્યાન
જો કોઇ વ્યક્તિ આ પ્રકારની પ્રોપર્ટી ખરીદે છે તો તેણે પ્રોપર્ટીના બધા દસ્તાવેજ ચેક કરી લેવા જોઇએ. જેવા કે પ્રોપર્ટીનું મ્યૂટેશન છે કે નહીં, પ્રોપર્ટી પર કોઇ કેસ તો નથી ચાલતોને કે લોન તો નથી ને..આ ઉપરાંત ખરીદતા પહેલાં એ જરૂર ચેક કરો કે કબજો તમને મળી રહ્યો છે કે નહીં..પ્રોપર્ટીમાં વેચનારનો જેટલો હિસ્સો છે એટલો જ ખરીદવો જોઇએ…જોઇન્ટ પ્રોપર્ટી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કાયદેસરના ભાગ કરાવીને જ ખરીદવી જોઇએ. જેનાથી તમારી સંપત્તિ અને પૈસા બન્ને સુરક્ષિત રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો