Money9: ડોલરની સામે રૂપિયાની નબળાઇએ વિદેશ જનારા વિદ્યાર્થીઓના બજેટને ખોરવી નાંખ્યા છે. તમામ બેંકોની એજ્યુકેશન લોનના વ્યાજ દરો 9 ટકાને પાર થઇ ગયા છે. એક ડોલરની કિંમત જ્યારે 75 રૂપિયા હતી ત્યારે 2 હજાર ડોલરવાળા એક કોર્સની ફી દોઢ લાખ રૂપિયા થતી હતી. હવે જ્યારે એક ડોલર 80 રૂપિયાનો થયો છે તો આ કોર્સનો ખર્ચ 1.60 લાખ રૂપિયા થઇ ગયો છે. આ રીતે વિદેશ ભણવા જનારાઓને બેવડો માર પડી રહ્યો છે.
મોંઘવારીની ઝપેટમાં ફક્ત ભારત જ નહીં પરંતુ આખી દુનિયા છે. વિદેશમાં અભ્યાસ કરનારાઓનું કાઉન્સેલિંગ કરનારી કંપની એન્રિઝોનના ફાઉન્ડર અને સીઇઓ ગૌતમ ગાડગિલ જણાવે છે કે અમેરિકામાં દરેક કોર્સની કોસ્ટ 7 થી 8 ટકા વધી ચૂકી છે. આવા સમયમાં બહાર અભ્યાસ કરનારાઓએ વધારે ખર્ચ કરવા તૈયાર રહેવું પડશે.
અમેરિકાના બદલે યૂરોપિયન દેશો અને ઓસ્ટ્રેલિયા જવું હજુ પણ સસ્તું છે. અમેરિકા જઇને અભ્યાસ કરનારાની સંખ્યામા તાત્કાલિક કોઇ ઘટાડો નહીં થાય. પરંતુ જો રૂપિયાની નબળી સ્થિતિ અને વ્યાજના ઉંચા દરની સ્થિતિ આવી જ રહી તો ભારતીય વિદ્યાર્થીઓ બીજા દેશોમાં જઇ શકે છે.
લાખો વિદ્યાર્થી વિદેશમાં કરે છે અભ્યાસ
વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર માર્ચ 2022 સુધી ભારતના 13.24 લાખ સ્ટુડન્ટ વિદેશમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેમાં સૌથી વધારે સંખ્યા અમેરિકામાં ભણતા સ્ટુડન્ટ્સની છે. અમેરિકામાં અંદાજે 4 લાખ 65 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે. યૂરોપના દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા જોઇએ તો યુકેમાં અંદાજે 55,465, જર્મનીમાં 36,864 અને ફ્રાંસમાં માત્ર 10 હજાર ભારતીય સ્ટુડન્ટ છે. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે વિદેશમાં અભ્યાસ કરવા માટે અમેરિકા સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન છે. અને અમેરિકામાં ભણનારાનું બજેટ ડોલરની મજબૂતી બગાડી રહ્યું છે.
કોર્સની ફી પર ખર્ચો વધવાનો અર્થ એ કે હવે વધારે રકમની લોન લેવી પડશે. પહેલા જ્યાં 50 લાખની લોનથી કામ ચાલી જતું હતું ત્યાં હવે 55 લાખ રૂપિયાની લોન લેવી પડશે. જેથી ઇએમઆઇ અને વ્યાજ બન્નેનો બોજ વધી જશે. જો 50 લાખની લોન 11.50 ટકાના વ્યાજ દરે 10 વર્ષ માટે લેવામાં આવે તો ઇએમઆઇ 70 હજાર 298 રૂપિયા આવશે. કુલ લોનમાં 34 લાખ 35 હજાર 727 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે તમારે બેંકને અંદાજે 84 લાખ 35 હજાર રૂપિયા પાછા આપવા પડશે.
જો 55 લાખ રૂપિયાની લોન લેવી હોય તો 11.50 ટકાના વ્યાજ દરે 77 હજાર 237 રૂપિયાની ઇએમઆઇ આવશે. તેમાં 37 લાખ 79 હજાર 299 રૂપિયા વ્યાજની સાથે બેંકને કુલ 92 લાખ 79 હજાર 299 રૂપિયા ચૂકવવા પડશે. 7.50 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન પર એસબીઆઇ 9.55 ટકાનું વ્યાજ લઇ રહી છે. તો એચડીએફસી બેંક 9.55 ટકાથી 13.35 ટકા, પીએનબી 9.65 ટકા અને આઇસીઆઇસીઆઇ બેંક 10.50 ટકા વ્યાજ વસૂલી રહી છે.
ટેક્સમાં લાભ
પ્લાન અહેડના ફાઉન્ડર વિશાલ ધવન કહે છે કે ફીના પૈસા ઉપરાંત વિદેશમાં રહેવા-ખાવાનો ખર્ચ પણ તમારે મેનેજ કરવો પડશે. આ રીતે એજ્યુકેશન લોનની ઇએમઆઇ અંદાજે 7 હજારથી 10 હજાર રૂપિયા વધારે ચૂકવવી પડશે. ચાલુ સેમિસ્ટરમાં વ્યાજનો બોજ 3 થી 3.5 લાખ રૂપિયા વધી જશે. આનાથી બચવા માટે જો પેરન્ટ્સ બાળકોના ખાતામાં એક વર્ષના પૈસા જમા કરી શકે તો તે ઘણું યોગ્ય રહેશે. પછીના સેમિસ્ટર માટે લોન લઇ શકાય છે. એટલે વિશાલનો મત એ છે કે બાળકોના અભ્યાસ માટે લોન પર આશ્રિત ન રહેતાં સમયસર રોકાણ કરી લો. તો આ પૈસાનો ઉપયોગ અભ્યાસ માટે થઇ શકે છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ ડોલર-રૂપિયાના ઝટકાને સારી રીતે મેનેજ કરી શકે છે. રૂપિયાના ઘટાડાથી વ્યાજ તો વધારે આપવું પડશે પરંતુ આ રકમ પર ઇનકમ ટેક્સની સેક્શન 80ઇ હેઠળ ટેક્સ ડિડક્શનનો લાભ પણ મળે છે. સંપૂર્ણ વ્યાજની ચૂકવણી પર છૂટ ક્લેમ કરીને તેને તમે તમારી વાર્ષિક આવકમાંથી ઘટાડી શકો છો. એજ્યુકેશન લોન પર વિદ્યાર્થીને મોરેટોરિયમ એટલે કે લોન ચુકવવામાં ગ્રેસ પીરિયડ પણ મળે છે. એટલે કે તમે લોનની ભરપાઇ કોર્સ પૂર્ણ થઇ ગયા પછી કરી શકો છો. જો 3 વર્ષના કોર્સ માટે લોન લેવામાં આવી છે તો સ્ટુડન્ટ અને તેના પરિવારને 3 વર્ષ સુધી લોન ચૂકવવાની ચિંતા નહીં કરવી પડે. કોર્સ પૂરો થઇ ગયા બાદ પણ નોકરી મળે ત્યાં સુધી 6 મહિનાથી 1 વર્ષનો સમય લોન ભરપાઇ કરવા માટે મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો