MONEY9 GUJARATI: વિતેલા વર્ષ દરમિયાન, સોનાના ભાવમાં વધઘટ હોવા છતાં, વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ તેમના સોનાના જથ્થામાં વધારો કરીને દર મહિને સતત સોનું ખરીદ્યું હતું. જો કે, એપ્રિલ, 2023 દરમિયાન, જ્યારે સોનાની કિંમત મોટે ભાગે $2,000 થી ઉપર રહી, ત્યારે વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો સોનાની નેટ સેલર બની. બીજા શબ્દોમાં કહીએ તો, ઊંચી કિંમતો જોઈને, કેન્દ્રીય બેંકોએ તેમની સોનાની ખરીદીમાં ઘટાડો કર્યો અને વેચાણમાં વધારો કર્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, વિશ્વભરમાં કેન્દ્રીય બેંકોએ એપ્રિલ દરમિયાન કુલ 71 ટન સોનાનું વેચાણ કર્યું હતું.
ચીન અને પોલેન્ડની જેમ કેટલીક બેંકોએ તેમના અનામત જથ્થા માટે સોનું ખરીદ્યું હતું. ત્યારે તુર્કી અને કઝાકિસ્તાનની કેન્દ્રીય બેંકોની આગેવાની હેઠળ, કેન્દ્રીય બેંકો એપ્રિલ દરમિયાન સોનાની નેટ સેલર બની હતી. તુર્કીની સેન્ટ્રલ બેંકે એપ્રિલમાં 81 ટન અને કઝાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે 13 ટન સોનું વેચ્યું હતું.
તુર્કી સિવાય અન્ય દેશોમાં કેન્દ્રીય બેંકોના ખરીદ-વેચાણનું વલણ સામાન્ય હતું. તુર્કીના નોંધપાત્ર વેચાણ પાછળનું કારણ એ છે કે તેની સરકારે ત્યાં સોનાની આયાત પર પ્રતિબંધ લાદ્યો છે. આયાત પર પ્રતિબંધ હોવા છતાં, બજારમાં સોનાની માંગને ધ્યાનમાં રાખીને, તુર્કીની સેન્ટ્રલ બેંકે તેના અનામત જથ્થામાંથી સોનું વેચવું પડ્યું. આ સિવાય, કેન્દ્રીય બેંકો પાસે પીળી ધાતુના મોટા હિસ્સાનું વેચાણ કરવાનું કોઈ મોટું કારણ નથી. જો કે, તે જોવાનું મહત્વનું છે કે તુર્કીની સેન્ટ્રલ બેંક આવતા મહિનાઓમાં તેનું વેચાણ વધારશે કે નહીં.
બીજી તરફ, વિશ્વભરની અન્ય કેન્દ્રીય બેંકોના ખરીદ-વેચાણના વલણોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. ચીનની સેન્ટ્રલ બેંકે એપ્રિલમાં સતત છઠ્ઠા મહિને તેની સોનાની ખરીદી ચાલુ રાખી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ માને છે કે કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદીનો ટ્રેન્ડ આગામી મહિનાઓમાં પણ ચાલુ રહી શકે છે. સેન્ટ્રલ બેંકો વર્ષ 2022 દરમિયાન અને 2023માં પણ સોનાના નેટ બાયર રહી. જો વિશ્વ બેંકનો અંદાજ સચોટ હોય, તો આ સોનાના ભાવ વધારાની તરફેણમાં કામ કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો