Money9 Gujarati:
ભારત વિશ્વમાં સોનાની આયાત કરતો બીજો સૌથી મોટો દેશ છે. પરંતુ કાચા માલમાંથી બનેલા સોનાના દાગીનાની માંગ વિદેશોમાં વધી રહી હોવાથી નાણાકીય વર્ષ 2023-24માં સોનાના ઘરેણાની નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે. સોનાના સાદા ઘરેણાંની (plain gold jewellery) નિકાસ 61.72 ટકા વધીને 679.224 કરોડ અમેરિકન ડૉલર થઈ છે, જે 2022-23માં 419.996 કરોડ ડૉલર હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
એપ્રિલ 2023 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે ગોલ્ડ જ્વેલરી (plain and studded jewellery)ની નિકાસમાં 10.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, અડધા વર્ષ પછી તેણે મજબૂત પુનરાગમન કર્યું અને તેમાં 46.91 ટકાનો ઉછાળો આવ્યો હતો.
UAE ભારતમાંથી સાદા સોનાના દાગીનાની નિકાસ માટે એક મહત્વપૂર્ણ બજાર તરીકે ઉભરી આવ્યું છે. નાણાકીય વર્ષ 2023-24માં ત્યાં થતી નિકાસમાં 107.2 ટકાનો જબરદસ્ત વધારો થયો હતો અને ભારતમાંતી 452.866 કરોડ ડૉલરની નિકાસ થઈ હતી. ગયા વર્ષે આ આંકડો 218.567 કરોડ ડૉલર હતો. ભારતમાંથી નિકાસ થતા સાદા સોનાના ઘરેણાંમાં UAE અને બહેરીનના બજારોનો હિસ્સો 85 ટકાથી પણ વધારે છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં પણ સાદા સોનાના દાગીનાની નિકાસમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
GJEPCના પ્રમુખ વિપુલ શાહ કહે છે કે સાદા સોનાના દાગીનાની નિકાસમાં વધારો થવાનું એક મહત્ત્વનું કારણ વિદેશી વેપાર કરારોનું સરળીકરણ છે. ભારત સરકાર દ્વારા વેપાર નીતિની શરતોને સરળ બનાવવાને કારણે વ્યવહારો વધ્યા છે. ભારત-UAE CEPAના અમલીકરણથી પરિસ્થિતિમાં વધુ સુધારો થશે કારણ કે મુખ્ય નિકાસ બજારોમાં આર્થિક મંદી અને ભૌગોલિક રાજકીય ચિંતાઓને કારણે માંગમાં ઘટાડો થયો હતો, પરંતુ આ નવા કરારો પરિસ્થિતિમાં સુધારો કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો