Money9 Gujarati:
ક્રૂડ ઓઈલ માર્કેટમાં ભારે ઊથલપાથલ ચાલી રહી છે. ઓક્ટોબર મહિનામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધને પગલે 95 ડૉલરને પાર થઈ ગયેલું ક્રૂડ ઓઈલ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં 80 ડૉલરની અંદર પહોંચી ગયું છે. ક્રૂડ ઓઈલની કિંમત છેલ્લાં 3 મહિનાની નીચી સપાટીએ પહોંચી છે કારણ કે, અમેરિકા અને ચીનમાં માંગને લઈને ચિંતાનો માહોલ છે તેમજ વૈશ્વિક સ્તરે આર્થિક ગતિ ધીમી પડવાથી ક્રૂડ ઓઈલની ડિમાન્ડ ઘટવાના સંકેત મળ્યાં છે.
ક્રૂડ સસ્તું થવાથી ભારતને ફાયદો થશે, કારણ કે, આપણે 80 ટકાથી પણ વધારે ઓઈલની આયાત કરીએ છીએ. ઓછામાં પૂરું અમેરિકન ડૉલર મજબૂત હોવાથી આપણો આયાત ખર્ચ વધી જાય છે. ક્રૂડ ઓઈલ જેટલું સસ્તું તેટલું ભારત માટે સારું. ભારતમાં વિધાનસભાની ચૂંટણી શરૂ થઈ છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની શક્યતા જોર પકડી શકે છે. ધારો કે, સરકાર પેટ્રોલ-ડીઝલ સસ્તું ના કરે તોપણ, મોંઘું થવાની શક્યતાનો છેદ ઉડી જાય છે.
3 મહિનાના તળિયે
8 નવેમ્બરે આ લખાય છે ત્યારે, બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 54 સેન્ટ્સ ઘટીને પ્રતિ બેરલ 81.07 ડૉલરે પહોંચ્યો છે જ્યારે અમેરિકન ક્રૂડ 56 સેન્ટ્સ ઘટીને 76.81 ડૉલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. બ્રેન્ટ અને WTI ક્રૂડ બંનેના ભઆવ છેક 24 જુલાઈ પછીના નીચલા સ્તરે પહોંચ્યા છે. હાજર બજારમાં ક્રૂડ ઓઈલ લગભગ 2 ટકા ઘટીને 79.80 ડૉલરના લેવલે ટ્રેડ થઈ રહ્યું છે.
2022માં ક્રૂડ ઓઈલની કિંમત 100 ડૉલરે પહોંચ્યા બાદ 2023માં પ્રતિ બેરલ 84 ડૉલરની સરેરાશ બની છે. ડિસેમ્બરના અંત સુધીમાં પણ કિંમત 90 ડૉલરની આસપાસ રહેવાનો અંદાજ વર્લ્ડ બેન્કે વ્યક્ત કર્યો છે. ક્રૂડ ઓઈલ ઉત્પાદકો દ્વારા જાહેર થયેલો ઉત્પાદન કાપ 2023ના અંત સુધી જળવાઈ રહેવાની શક્યતા છે અને માંગ પણ નબળી રહેવાની ધારણા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બેન્કે તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આવતા વર્ષે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ 81 ડૉલર રહેશે.
ક્રૂડ કેમ ઘટ્યું?
ઓઈલ માર્કેટના એનાલિસ્ટ્સ જણાવે છે કે, ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ બાદ ક્રૂડ ઓઈલના સપ્લાયને લઈને જે ચિંતા જન્મી હતી અને વોર પ્રીમિયમ બન્યું હતું, તે હવે દૂર થયું છે. હવે જિઓપોલિટકલ ટેન્શનને લઈને સપ્લાય ખોરવાઈ જવાની ચિંતા દૂર થઈ છે.
અમેરિકામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન અપેક્ષા કરતાં થોડુંક જ વધશે, પરંતુ માંગ ઘટવાની પૂરેપૂરી શક્યતા છે, એમ અમેરિકન એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે. ચાલુ વર્ષે અમેરિકામાં પેટ્રોલિયમની કુલ ખપત દૈનિક 3,00,000 બેરલ ઘટવાની અપેક્ષા છે. એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને અગાઉ આગાહી કરી હતી કે, ક્રૂડ ઓઈલની ખપત દૈનિક ધોરણે 1,00,000 બેરલ વધશે, પરંતુ હવે ખપત ઘટવાનો અંદાજ આપ્યો છે.
અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટ્યૂટના આંકડા ટાંકીને માર્કેટના સૂત્રો જણાવે છે કે, ગયા સપ્તાહે અમેરિકામાં ક્રૂડ ઓઈલનો જથ્થો લગભગ 1.2 કરોડ બેરલ વધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ચીનમાંથી પણ ડિમાન્ડ ઘટવાના આંકડા મળી રહ્યાં છે. ચીન વિશ્વમાં ક્રૂડ ઓઈલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ચીનની નિકાસ સતત 6 મહિનાથી ઘટી છે અને અપેક્ષા કરતાં પણ તેની માલસામાન અને સર્વિસની નિકાસમાં તીવ્ર ઘટાડો થયો છે. ચીનની નિકાસ ઘટવાનું કારણ છે, વૈશ્વિક સ્તરે ઘટી માંગ. પરિણામે, ઓઈલની ડિમાન્ડ ઘટવાની શક્યતા વધી ગઈ છે.
ઓઈલ માર્કેટના એનાલિસ્ટ્સને અંદાજ છે કે, ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC દ્વારા 6 દેશોને થતી નિકાસ માત્ર 6 લાખ બેરલ પર ડે રહેશે, જે એપ્રિલના લેવલથી પણ નીચું સ્તર છે. ઉલ્લેખનીય છે કે, OPEC સંગઠને એપ્રિલ 2023થી ઉત્પાદનમાં 20 લાખ બેરલ પર ડે ઉત્પાદન કાપ મૂકેલો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો