Money9 Gujarati:
ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કોમોડિટી માર્કેટ પર પડનારી સંભવિત અસર અંગે વર્લ્ડ બેન્કે રિપોર્ટ બહાર પાડ્યો છે. વર્લ્ડ બેન્કના જણાવ્યા પ્રમાણે, જિઓ-પોલિટિકલ ટેન્શનને લીધે કોમોડિટી બજારોને બેવડો ફટકો પડી શકે છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, યુદ્ધને કારણે હજુ સુધી તો કોમોડિટી બજાર પર વધારે અસર નથી પડી. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી ઓક્ટોબરના અંત સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 6 ટકા વધી છે અને ગોલ્ડ 9 ટકા ઉછળ્યું છે.
ક્રૂડ ઓઈલ અંગે ચિંતા
વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, જો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે અને તેમાં અન્ય દેશો પણ સામેલ થાય તો ક્રૂડ ઓઈલના ભાવ 150 ડૉલરને પણ પાર થઈ શકે છે. ક્રૂડ ઓઈલના સપ્લાયમાં મોટો ઘટાડો થાય તો ઓઈલના ભાવમાં 60થી 70 ડૉલરનો ઉમેરો થઈ શકે છે અને કિંમત 75 ટકા સુધી વધી શકે છે.
અંદાજ 1: યુદ્ધ હળવી સ્થિતિમાં ચાલે તો ક્રૂડ ઓઈલનો વૈશ્વિક સપ્લાય દૈનિક ધોરણે 5 લાખથી 20 લાખ બેરલ ઘટી શકે છે. આ સ્થિતિ વર્ષ 2011માં લિબિયામાં સિવિલ વોર વખતે જોવા મળી હતી. જો આવું થાય તો, ઓઈલની કિંમત પ્રારંભિક તબક્કે 3 ટકાથી 13 ટકા વધીને વર્તમાન ક્વાર્ટરમાં પ્રતિ બેરલ સરેરાશ 93 ડૉલરથી 102 ડૉલરની રેન્જમાં પહોંચી શકે છે.
અંદાજ 2: જો યુદ્ધની મધ્યમ અસર થાય તો વર્ષ 2003માં ઈરાક યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને ગ્લોબલ ઓઈલ સપ્લાયમાં દૈનિક 30 લાખથી 50 લાખ બેરલનો ઘટાડો થશે. જો આવું થાય તો, ઓઈલની કિંમત પ્રતિ બેરલ 21 ટકાથી 35 ટકા વધીને 109 ડૉલરથી 121 ડૉલરની રેન્જમાં પહોંચી શકે છે.
અંદાજ 3: ધારો કે, યુદ્ધ અતિ-ગંભીર તબક્કામાં પહોંચે તો 1973માં આરબ ઓઈલમાં જે કટોકટી ઊભી થઈ હતી તેવી પરિસ્થિતિ નિર્માણ પામે તો ક્રૂડ ઓઈલનો વૈશ્વિક સપ્લાય દૈનિક ધોરણે 60 લાખથી 80 લાખ બેરલ ઘટી શકે છે અને આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલની કિંમત 56 ટકાથી 75 ટકા વધીને પ્રતિ બેરલ 140 ડૉલરથી 157 ડૉલરની રેન્જમાં પહોંચી શકે છે.
વર્લ્ડ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી અને ડેવલપમેન્ટ ઈકૉનોમિક્સના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ ઈન્દરમીત ગીલના જણાવ્યા પ્રમાણે, નીતિવિષયક ઘડવૈયાઓએ વર્તમાન પરિસ્થિતિમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. જો ઈઝરાયેલ-હમાસ યુદ્ધ આગળ વધશે તો રશિયા-યુક્રેન યુદ્ધની સાથે ઓઈલના મોરચે બેવડો ફટકો પહોંચી શકે છે અને છેલ્લાં કેટલાક દાયકાઓમાં જોવા ન મળી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો