Money9 Gujarati:
લક્ઝ્યુરિયસ ઈલેક્ટ્રિક કાર બનાવતી વિશ્વની અગ્રણી કંપની Tesla ભારતમાં 2-3 અબજ ડૉલરનો (25,000 કરોડ રૂપિયા) પ્લાન્ટ સ્થાપવા માટે સક્રિય થઈ છે. અમેરિકાની આ કંપનીની ટીમ થોડાક દિવસોમાં ભારત આવી પહોંચશે અને ગુજરાત, તામિલ નાડુ અથવા મહારાષ્ટ્ર જેવા ઓટોમોટિવ હબમાંથી કોઈ એક પર પસંદગીનો કળશ ઢોળશે. જો ટેસ્લા દ્વારા પ્લાન્ટ સ્થાપવા અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે તો ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને બહુ મોટો ફાયદો થશે.
બ્રિટનના અખબાર Financial Timesના રિપોર્ટ પ્રમાણે, અબજોપતિ એલોન મસ્કની આગેવાની હેઠળ ટેસ્લા એપ્રિલના અંત સુધીમાં અમેરિકાથી એક ટીમને પ્લાન્ટ માટે સાઇટ્સનો અભ્યાસ કરવા મોકલશે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા ઓટોમોટિવ હબ ધરાવતા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓ હરિયાણામાં પણ પ્લાન્ટ ધરાવે છે પરંતુ ટેસ્લાની ફેક્ટરી અન્ય ત્રણ રાજ્યોમાં હશે કારણ કે આ રાજ્યો દરિયાકાંઠે હોવાથી ત્યાં બંદરની સુવિધા ઉપલબ્ધ છે. ટેસ્લા કારની નિકાસ કરવાનું સરળ બને તે માટે બંદરની સુવિધા ધરાવતા રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા માંગે છે, એમ સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે.
રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ટેસ્લા ભારતમાં પણ કેલિફોર્નિયા, ટેક્સાસ, બર્લિન અને શાંઘાઈ જેવા મોડલને અનુસરી શકે છે. કંપનીએ આ દેશોમાં “ગીગાફેક્ટરી” મોડેલ અપનાવ્યું છે, જેમાં કંપની પોતાનો જ બેટરી પ્લાન્ટ સ્થાપવાનું વિચારી શકે છે અને તેની આજુબાજુ સપ્લાયર્સના પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતે ગયા મહિને કાર નિર્માતાઓ દ્વારા ઉત્પાદિત અમુક ઈલેક્ટ્રિક વાહનો પરના આયાત કરમાં ઘટાડો કર્યો હતો. જો કંપની કમર્શિયલ ઉત્પાદન શરૂ કરવા માટે ત્રણ વર્ષની સમયમર્યાદા સાથે ઓછામાં ઓછા 4,150 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ હોય તો તેને આ લાભ મળી શકે છે. સરકારના આ નિર્ણય બાદ, ટેસ્લાએ તેની ટીમને ભારત મોકલવાનો નિર્ણય લીધો છે.
કોરોનાના વર્ષ 2020 પછી પહેલીવાર ટેસ્લાની કારની ડિલિવરીમાં વાર્ષિક ઘટાડો નોંધાયો છે. 2024ના પ્રથમ ક્વાર્ટરમાં ટેસ્લાની ડિલિવરીમાં 8.5 ટકાનો ઘટાડો થયો છે, જેના લીધે કંપનીનો શેર પણ 2 ટકા તૂટ્યો છે. કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં 4,33,371 કારનું ઉત્પાદન કર્યું હતું, જેની સામે ડિલિવરી 3,86,810 યુનિટ રહી હતી. ઓછામાં પૂરું ચીનની કંપની BYDએ ટેસ્લા કરતા સસ્તી કિંમતમાં કાર લૉન્ચ કરીને ટેસ્લાને પડકાર ફેંક્યો છે. ટેસ્લા માટે હવે નવા બજારો શોધવા જરૂરી છે કારણ કે, તેની સામે સ્પર્ધા વધી રહી છે. અમેરિકામાં અને ચીનમાં કંપની માટે આગામી સમય કપરો છે કારણ કે, ઈલેક્ટ્રિક વ્હિકલની માંગ ધીમી પડી રહી છે.
ટેસ્લા ઘણા વર્ષોથી ભારતમાં પ્રવેશવા પ્રયાસ કરી રહી છે પરંતુ ભારત સરકાર સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માંગતી હોવાથી તેમજ કરવેરા ઊંચા હોવાથી કંપની હજુ સુધી પ્લાન્ટ સ્થાપવામાં સફળ થઈ નથી. ટેસ્લાના અધિકારીઓ છેલ્લા વર્ષથી ભારતના સરકારી અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. કંપનીના સીઈઓ મસ્ક પણ જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં જણાવ્યું હતું કે તે $24,000ની કિંમતની EVનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેક્ટરી બાંધવામાં રસ ધરાવે છે. તેણે ભારતમાં જે વધુ મોંઘા મોડલ વેચવા માંગે છે તેના પર ઓછા ટેક્સની પણ માંગ કરી હતી. ભારતીય બજારમાં ટેસ્લાનો સંભવિત પ્રવેશ વધુ EV રોકાણને ઉત્તેજન આપી શકે છે અને ભારતમાં સ્થિત ઓટો પાર્ટસ ઉત્પાદકોને ફાયદો થઈ શકે છે, એમ વિશ્લેષકોએ જણાવ્યું છે.
EV પોલિસી અંતર્ગત કમ્પલિટલી બિલ્ટ યુનિટ્સ (CBUs) પર 15 ટકાની નીચી કસ્ટમ ડ્યુટીનો લાભ લેવા માટે ત્રીજા વર્ષ સુધીમાં 25 ટકા અને ભારતમાં પ્રવેશના પાંચમા વર્ષે 50 ટકાનું સ્થાનિકીકરણ લેવલ ફરજિયાત છે. તે $35,000 (લગભગ રૂ. 29 લાખ) ની ન્યૂનતમ કિંમતવાળી કાર પર લાગુ થશે, જેમાં ખર્ચ, વીમો અને નૂર શુલ્કનો સમાવેશ થાય છે.
ઓટો ઉદ્યોગના વિશ્લેષકોનું માનવું છે કે આ પગલું ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગને વૈશ્વિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા, ઉત્પાદન શ્રેણીને વિસ્તૃત કરવા અને ખર્ચ સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા માટે પણ સક્ષમ બનાવશે, જે ઉન્નત EV અપનાવવાની સુવિધા આપશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો