Vijay Parmar:
ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે એક પછી એક માઠા સમાચાર આવી રહ્યાં છે. વૈશ્વિક માર્કેટમાં પહેલેથી જ ડાયમંડની માંગ ઘટવાથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પર અસર પડી છે. નેચરલ ડાયમંડની સામે લેબોરેટરીમાં તૈયાર થતા હીરાનું માર્કેટ તેજીમાં હતું, પરંતુ હવે તેમાં પણ ભાવ તૂટવાથી દિવાળી પહેલાં હીરા ઉદ્યોગની હાલત બગડી છે. ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધને કારણે નિકાસ પર અસર પડી છે. આમ, હીરા ઉદ્યોગ પર ચારેકોરથી મુશ્કેલીઓ આવી રહી છે. સુરતમાં 3,000 જેટલાં યુનિટ્સમાં લગભગ 7,00,000 રત્નકલાકારો કામ કરતા હોવાનો અંદાજ છે અને તેમની દિવાળી બગડવાની ધારણા છે.
અમેરિકામાં કંપનીનું ઉઠમણું
નેચરલ ડાયમંડ કરતાં લેબ-ગ્રોન ડાયમંડ (Lab-Grown Diamond) એટલે કે LGDની માંગ વધી છે, કારણ કે લેબમાં બનતા ડાયમંડ સસ્તાં હોય છે. આવા કૃત્રિમ હીરા બનાવતી ઘણી કંપનીઓ અમેરિકામાં સક્રિય છે. કૃત્રિમ હીરા બનાવવામાં અમેરિકામાં બીજા ક્રમે આવતી WD Lab Grown Diamonds નામની કંપનીએ નાદારી નોંધાવી છે. કંપનીએ નોંધાવેલી નાદારી સંકેત આપે છે કે, અમેરિકામાં ડાયમંડની માંગ તળિયે પહોંચી ગઈ છે અને નેચરલ ડાયમંડની સાથે સાથે કૃત્રિમ ડાયમંડ ખરીદનારા પણ ઘટી ગયા છે.
લેબ-ગ્રોન ડાયમંડ કંપનીઓ ચિંતામાં
વોશિંગ્ટન સ્થિત WD Lab Grown Diamonds 2008માં શરૂ થઈ હતી અને તેની નાદારીને પગલે લેબ-ગ્રોન ડાયમંડની કિંમતમાં મોટો ઘટાડો થયો છે, જેના લીધે સુરતમાં LGD બનાવતી કંપનીઓ અને તેના વેપાર સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. લેબોરેટરીમાં બનાવેલા ડાયમંડના ભાવ માત્ર સાત વર્ષમાં એક કેરેટ માટે ત્રણ ગણાથી વધુ ઘટ્યા છે. કૃત્રિમ હીરાનો ભાવ એક સમયે કેરેટ દીઠ 400 ડોલર હતો, જે હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કેરેટ 30 ડોલર થઈ ગયો છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર
ભારત કાચા હીરાની આયાત ઈઝરાયેલ પાસેથી કરે છે અને પોલિશ્ડ થયેલા હીરાની નિકાસ કરે છે. સુરત અને મુંબઈના 20થી પણ વધારે હીરાના વેપારીઓ ઈઝરાયેલમાં કામકાજ કરે છે અને આ દેશમાં તેમની ઑફિસો પણ છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે થતા ડાયમંડ અને જ્વેલરીના વેપારનું મૂલ્ય 16,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે અને અત્યારે તો આ વેપાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ભારત ઈઝરાયેલમાંથી કાચા હીરાની આયાત કરે છે અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ કરે છે.
ભારતમાંથી ઘટતી નિકાસ
અમેરિકા અને ચીનમાં માંગ ન હોવાથી ભારતમાંથી ડાયમંડની નિકાસ 30 ટકા ઘટી છે અને હવે ઈઝરાયેલ વિવાદને કારણે તેમાં વધુ ઘટાડો થશે. તાજેતરમાં રેટિંગ એજન્સી ICRAએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24માં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 22 ટકા ઘટીને 17.2 અબજ ડૉલર થવાની શક્યતા છે. જોકે, નિકાસમાં તેનાથી પણ વધારે ઘટાડો થઈ શકે છે, કારણ કે ડાયમંડ ઉદ્યોગે 15 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર સુધી નિકાસ સ્વૈચ્છિક રીતે અટકાવી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં (એપ્રિલ-ઓગસ્ટ 2023) કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં વાર્ષિક ધોરણે 31 ટકાનો ઘટાડો થયો છે.
અમેરિકાના જાણીતા Rapaport ગ્રૂપે તેના ડાયમંડ ટ્રેડિંગ પ્લેટફોર્મ Rapnet પર તમામ પ્રકારનાં અને તમામ સાઈઝના ડાયમંડની કિંમતમાં 1 ટકાથી 9 ટકાની વચ્ચે ઘટાડો લાગુ કર્યો છે. ઈન્ટરનેશનલ લેવલે થતાં ડાયમંડના ટ્રેડિંગમાં ડાયમંડની કિંમત માટે બેન્ચમાર્ક નક્કી કરવાનું કામ RapNet કરે છે. RapNet ડાયમંડ ઉદ્યોગનું સૌથી મોટું અને વિશ્વસનીય ઓનલાઈન માર્કેટપ્લેસ છે, જ્યાં ડાયમંડ તથા ઘરેણાંનું સોર્સિંગ અને વેચાણ થાય છે. ભારતમાં 30 સેન્ટ્સથી ઉપરના ડાયમંડનું કામકાજ કરતી લગભગ 99 ટકા કંપનીઓ RapNet પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ છે. આથી, ભારતની ડાયમંડ કંપનીઓએ કિંમત માટે RapNet પર આધાર રાખવો પડે છે.
કાચો માલ મોંઘો
ડાયમંડ કંપનીઓને બેવડો ફટકો પડી રહ્યો છે. એક તરફ કાચા હીરા મોંઘા થઈ ગયા છે જ્યારે પોલિશ્ડ ડાયમંડના ભાવ ઘટી રહ્યાં છે. કંપનીઓએ મોંઘા ભાવે કાચા હીરા ખરીદીને ઓછા માર્જિને વેચવા પડે છે અને નફામાં નુકસાની કરવી પડે છે. ઓછામાં પૂરું ઈન્ટરનેશનલ સ્તરે માંગ પણ ઘટી રહી છે. અમેરિકા અને ચીન સૌથી મોટા માર્કેટ છે અને આ બંને દેશમાં મંદી તથા મોંઘવારીને કારણે ડાયમંડની ડિમાન્ડ નથી. વૈશ્વિક સ્તરે માંગ ઘટી રહી છે અને સ્થાનિક સ્તરે ઈન્વેન્ટરી વધી રહી છે. રફ ડાયમંડના ભાવ વધી ગયા છે જ્યારે પોલિશ્ડ ડાયમંડના ભાવ વધારી શકાય એવી સ્થિતિ નથી. પોલિશ્ડ ડાયમંડની કિંમત છેલ્લાં એકાદ વર્ષથી દબાણ હેઠળ છે અને અત્યારે જે ભાવ છે તે 15 વર્ષની સરેરાશ કરતાં લગભગ 20 ટકા નીચે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો